You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍન્ટાર્કટિકામાં 8 મહિના સુધી આપ એકલા જીવતા રહી શકો?
- લેેખક, તનિકા કૅટો
- પદ, બીબીસી અર્થ
વાઈલ્ડલાઇફ કૅમેરામૅન લિંડસે મૅકક્રૅને 2016માં જીવનના સહુથી સુંદર સમાચાર મળ્યા. તેમને ઍન્ટાર્કટિકામાં પૅન્ગ્વિનોના સમૂહ ઉપર ફિલ્મ બનાવવાનો મોકો મળ્યો. એ તેમનું સપનું હતું.
લિંડસેને જે પ્રોજેક્ટ પર કામ કરવાનું હતું, એ ડૅવિડ ઍટનબરોની નવી બીબીસી સિરીઝ 'ડાયનેસ્ટીઝ'નો ભાગ હતો.
તેમને એક નાનકડી ટીમની સાથે ઍન્ટાર્કટિકા જવાનું હતું.
ઍન્ટાર્કટિકામાં જે જગ્યાએ લિંડસેને રહેવાનું હતું ત્યાં શિયાળામાં ફિલ્મ શૂટ કરવી એટલે ઓછામાં ઓછા 8 મહિનાઓ માટે કેદ થઈ જવું.
આ દરમિયાન ત્યાં જવા અથવા આવવાનું કોઈ સાધન નથી હોતું.
ઍન્ટાર્કટિકાની પડકારજનક યાત્રા
ત્રણ સભ્યોની તેમની ટીમ ઉપરાંત જે લોકો એ સમયે ઍન્ટાર્કટિકામાં ઉપસ્થિત હતાં, એમનામાંથી સહુથી નજીકમાં એક દક્ષિણ આફ્રિકન ટીમ હતી.
જોકે, તેમનો બૅઝ કૅમ્પ કેટલાય કિલોમીટર દૂર હતો.
લિંડસેને એ ઘડી યાદ છે, જયારે તેમણે પોતાની પાર્ટનર બૅકીને આ ફિલ્મ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં તો તેઓ ગભરાઈ ગયાં હતાં. ઍન્કાર્કટિકા જવાની તેમને સ્પષ્ટ ના પાડી દીધી હતી.
જોકે, લિંડસેએ તેને સમજાવ્યું કે ઍમ્પેરર પૅન્ગ્વિનને કૅમેરાથી શૂટ કરવા એમનું સપનું હતું. આખરે બે સપ્તાહ પછી તેને જવાની પરવાનગી મળી ગઈ.
બૅકી પણ ટીવીની દુનિયા સાથે જોડાયેલાં છે. તેમને ખબર હતી કે પરિસ્થિતિ ગમે તે હોય અને આવવા-જવામાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, લિન્ડસે કોઈ રસ્તો કાઢી જ લેશે.
બંને છ વર્ષથી સાથે રહેતાં હતાં. મુસાફરી પર નીકળતાં પહેલાં લિંડસે અને બૅકીએ લગ્ન કરી લીધું.
કોઈ નવ પરિણીત યુગલ એકબીજાથી 15,000 કિલોમીટર દૂર રહે એ વિચારી પણ શકાય એવું નથી.
જોકે, તેમણે ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે ભોગે તેઓ આ કાર્ય પૂર્ણ કરશે જ.
પરિવારની જુદાઈ
ઍન્ટાર્કટિકા રવાના થતાં પહેલાં લિંડસેને પ્રી-ફિલ્મિંગ ઇમર્જન્સી ટ્ર્રેનિંગ માટે ઑસ્ટ્રેલીયા જવું પડ્યું, જ્યાં ૩૦૦૦ મીટરની ઊંચાઈ પર તેમનો ટ્રેનિંગ કૅમ્પ હતો.
આ દરમિયાન લિંડસેને એક મૅસેજ મળ્યો, જેમાં બૅકીએ તેમને ફોન કરવાનું કહ્યું હતું.
તેઓ કહે છે, "પ્રમાણિકતાથી કહું તો મેં વિચાર્યું પણ નહોતું. મને ભરોસો નહોતો કે મારી પાસે ફોન નેટવર્ક પણ હોઈ શકે. મેં પૂછ્યું કે શું ચાલી રહ્યું છે તો તેણે પોતે ગર્ભવતી હોવાની મને વાત કરી."
લાંબી દલીલ અને ચર્ચા બન્નેએ નક્કી કર્યું કે ભલે પોતાનાં પહેલાં બાળકના જન્મ વખતે લિંડસેને હાજર રહેવાની તક ના મળે, તેઓ 'ડાયનેસ્ટીઝ'ની ટીમની સાથે ઍન્ટાર્કટિકા જશે જ.
જાદુઈ દુનિયા
ઍન્ટાર્કટિકા દુનિયાનો સહુથી ઠંડો ખંડ છે. અહીંયા તેજ તોફાની પવનો ફૂંકાતા રહે છે.
આ વિશાળ ખંડ 140 લાખ ચોરસ કિલોમીટરમાં પ્રસરેલો છે.
ઉનાળામાં દરમિયાન અહીં માણસોની વસતિ લગભગ 4,000 સુધી પહોંચી જાય છે.
ઍન્ટાર્કટિકામાં પૅન્ગ્વિનની સંખ્યા લગભગ 1.20 કરોડ છે.
ઍન્ટાર્કટિકામાં મોસમનું પૂર્વાનુમાન લગાવી શકાતું નથી. ઠંડી વધે દરિયામાં દૂરદૂર સુધી બરફ જામી જાય.
થીજવી દેતી ઠંડીમાં વિમાન ઊડી શકતાં નથી અને દરિયાઈ જહાજ તરી શકતાં નથી.
લિંડસે કહે છે, "છેલ્લું વિમાન ત્યાંથી પરત ફર્યું તો ભરોસો જ નહતો બેસતો કે અમને ધરતીના સહુથી દૂરના ખૂણે ફક્ત પોતાના ભરોસે જ છોડી દેવામાં આવ્યા હતા."
જીવતા રહેવું હોય તો ધીરજ રાખો
"ત્યાં પહોંચ્યા બાદ બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. કોઈ વિમાન નથી. તમારે બસ એ સ્વીકારી લેવાનું હોય."
આ વાતાવરણમાં જીવતા રહેવું હોય તો ધીરજ રાખવી પડે.
લિંડસેના ત્યાંના વસવાટ દરમિયાન એક વાર બરફનું તોફાવ આવ્યું તો 14 દિવસ સુધી ચાલ્યું.
શિયાળાની ઋતુમાં અહીં કેટલાય સપ્તાહ સુધી ખરાબ હવામાન રહી શકે.
ક્રૂ મેમ્બરને કૅમ્પની અંદર બેસીને તોફાન પસાર થઈ જવાની રાહ જોવી પડે. એ માટે શારીરિકની સાથે માનસિક તાકાત પણ જરૂરી છે.
લિંડસે જણાવે છે, "માઈનસ 30 ડીગ્રી સૅલ્સિયસમાં મેં વિતાવેલો પહેલો દિવસ મને આજેય યાદ છે."
"મેં મારી જિંદગીમાં એટલી તકલીફ ક્યારેય નહોતી વેઠી. મારાં હાડકાં સુધ્ધાં ઠરી ગયાં હતાં. હું કહી નથી શકતો. એ ફક્ત -30 ડીગ્રી સૅલ્સિયસ હતી. આગળ એનાથી પણ વધુ ઠંડી પડી."
ઍમ્પેરર પેંગ્વિન અત્યંત ઠંડા વાતાવરણમાં જ બહાર નીકળતાં હોય છે અને એટલે જ લિંડસેની ટીમને લાંબા સમય સુધી રાહ જોવી પડે એમ હતું.
લિંડસેના કૅમ્પમાં એક જ ટેલિફોન લાઈન હતી, જેની સાથે લૅન્ડલાઇન ફોન જોડાયેલો હતો. એ જ કૅબલને કોમ્પ્યુટરમાં જોડીને તેઓ ઇન્ટરનેટ ચાલુ કરી શકતા હતા.
જે દિવસે લિંડસે અને તેમના દરિયા પર જામેલા બરફના થર પર પૅન્ગ્વિનની ફિલ્મ બનાવવા પહોંચ્યા, એ જ દિવસે સ્ટેશન લીડર ટીમને બેકીની માતાનો ફોન આવ્યો.
લિંડસે એ દિવસને યાદ કરે છે, "પરત આવીને હું સ્કાઇપ ઉપર લૉગ-ઇન કરવામાં સફળ થયો. મારા દીકરાનો જન્મ થઈ ગયો હતો."
"એ જ વખતે એ જન્મ્યો હશે, કારણ કે મેં ફક્ત એના રડવાનો અવાજ જ સાંભળ્યો. હું ત્યાં બેસી ગયો હતો. એ એક અનોખો અનુભવ હતો."
પત્ની અને નવજાત પુત્રથી દૂર રહેવું લિંડસે ક્યારેય ભૂલી નહીં શકે, પરંતુ ઍન્ટાર્કટિકાનો અનુભવ પણ તેમના માટે અણમોલ છે.
તેઓ કહે છે, "ઍન્ટાર્કટિકા આ ધરતીની સહુથી સુંદર જગ્યા છે, જ્યાં હું ક્યારેક ગયો હતો. ઉનાળામાં તેની સુંદરતા અદ્ભુત હોય છે. સુરજ 24 કલાક તમારાં માથે રહે છે. તેનો ચમકતો ઉજાસ આંખો આંજી દે છે."
"પરંતુ અસલી મજા લેવા માટે તો તમારે ત્યાં શિયાળામાં જવું પડે, જ્યારે સુરજ નથી નીકળતો અને બધું જ અંધકારમાં ડૂબેલું હોય."
ઍન્ટાર્કટિકાની સહુથી અનોખી વસ્તુ
શિયાળામાં ઍન્ટાર્કટિકાની સહુથી અનોખી વસ્તુ 'સદર્ન લાઈટ્સ' ગણાય છે.
લિંડસે કહે છે, "તમે અવાચક બની જાવ. લીલી, જાંબલી, ગુલાબી અને સફેદ રોશની એટલી ઝડપે આકાશમાં ઊડે છે કે તમે કલ્પના પણ ના કરી શકો."
ઍન્ટાર્કટિકા પર કોઈ જ અવાજ નથી. કોઈ જ પ્રકારનું ધ્વનિપ્રદૂષણ નથી. આ શાંતિ પૅન્ગ્વિનને ગમે છે.
લિંડસે આ બધું જોવા મળ્યું એને પોતાનું સદ્દભાગ્ય માને છે.
તેઓ કહે છે, "આ એવી વસ્તુ છે જેને બહુ ઓછા લોકો જોઈ શકે છે. હું બહુ ભાગ્યશાળી છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો