અમેરિકાએ ઈરાન પર લગાવેલો પ્રતિબંધ ભારત માટે કઈ રીતે ફાયદો કરાવી ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને ઈરાને ક્રૂડઑઇલની આયાત માટે એક સમજૂતી કરી છે, જેની ચુકવણી રૂપિયા આધારિત રહેશે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં લેવડદેવડની કરન્સી ડૉલર હોય છે.
સમાચાર એજન્સી રૉઇટર્સનું કહેવું છે કે ભારત અને ઈરાન સરકારે ક્રૂડની આયાતની ચૂકવણી રૂપિયામાં કરવા અંગે 2 નવેમ્બર 2018ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
જેમાં 50 ટકા ફંડને નિકાસ માટે ઉપયોગમાં લેવાની ભલામણ છે.
સમાચાર એજન્સીએ એક સરકારી દસ્તાવેજના હવાલાથી કહ્યું છે કે ભારત અને ઈરાન વચ્ચેની પહેલાંની પદ્ધતિ પ્રમાણે 45 ટકા ચુકવણી રૂપિયામાં અને 55 ટકા ચુકવણી યૂરોમાં થતી હતી.

ચુકવણી માટે રૂપિયા આધારિત પ્રક્રિયા નક્કી કરાઈ એ શું?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય શબ્દોમાં આ એક પ્રકારની 'બાર્ટર સિસ્ટમ' છે, એટલે કે કોઈ વ્યક્તિ એક ચીજ વેચી રહી છે, પણ તમે એના બદલે પૈસા નહીં પણ સામાન આપી રહ્યા છો.
આવી પ્રથા એક સમયે ગામોમાં પ્રચલિત હતી.
વિદેશી મુદ્રાના ક્ષેત્રમાં કામ કરતી કંપની 'ઈ-ફારેક્સ ઇન્ડિયા'ના મૅનેજિંગ ડાયરેક્ટર સૌમ્ય દત્તા આ પદ્ધતિને 'હાફ-બાર્ટર સિસ્ટમ' કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારણ એ છે કે આ વ્યવસ્થામાં એક વિશેષ બૅંકની મદદથી લેવડદેવડનું કામ થશે પણ તેની માટે એક અલગ વ્યવસ્થા તૈયાર કરાઈ છે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

ઇમેજ સ્રોત, Reuters
ચોખાના નિકાસકારોના સંઘના પ્રમુખ વિજય સોતિયા બન્ને દેશો વચ્ચે નક્કી થયેલી વ્યવસ્થા વિશે આ રીતે સમજાવે છે.
તેઓ કહે છે કે ભારત જ્યારે ઈરાન પાસેથી તેલ ખરીદશે તો તેની ચુકવણી રૂપિયામાં કરશે, જે રકમ એક વિશેષ બૅંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

તમે આ વાંચ્યું કે નહીં?
ઈરાનના એ પૈસા ભારતની બૅંકમાં પડ્યા રહેશે. આ દરમિયાન કોઈ ઈરાની ખરીદદારને ભારતથી કોઈ ચીજ ખરીદવી હશે - માની લો ચોખા - તો ભારતીય નિકાસકાર તેમને એ ચીજ સપ્લાય કરી દેશે અને પછી ઈરાનથી આ અંગે મોકલવામાં આવેલા આદેશ પ્રમાણે ભારતીય બૅન્ક નિકાસકારને અહીંથી જ ચુકવણી કરી દેશે.
આ કામ માટે ભારતે યૂકો બૅન્કની પસંદગી કરી છે.

આ વ્યવસ્થાની જરૂર કેમ પડી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાના પ્રતિબંધ અંતર્ગત અન્ય દેશો અને કંપનીઓ પર પણ ઈરાન સાથે વેપાર કરવા પર રોક લગાવી દીધી છે.
અમેરિકાએ ભારતને ની આયાત અને કેટલીક વસ્તુઓના વેપારની છૂટ આપી છે. પણ ઈરાન સાથે કોઈ પણ વેપાર ડૉલરમાં કરી નહીં શકાય, એટલે ભારતે આ વ્યવસ્થા તૈયાર કરી છે.
સૌમ્ય દત્તા કહે છે, "ભારત માટે ઈરાન પાસેથી ખરીદવું એ ફાયદો કરાવે એવો સોદો છે.''
''ઈરાન માત્ર બંદરે માલ ડિલીવર કરે છે એટલું જ નહીં, આ સોદામાં ભારતને બે મહિના સુધી ઉધારની સુવિધા પણ મળી છે."
વિજય સોતિયાનું કહેવું છે કે જો આ વ્યવસ્થા લાગુ ન થઈ હોત તો ભારતીય નિકાસકારોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત.
એવામાં જે નિકાસકાર ઈરાનના બજારો પર નિર્ભર છે, તેમના માલની બજારમાં કિંમત ન રહી શકી હોત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














