જાપાન-અમેરિકા-ભારત એટલે 'જય' : જી20માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પ્રદર્શન

ઇમેજ સ્રોત, AFP Getty

જી-20 સંમેલનના પ્રથમ દિવસે આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમા માર્ગો પર વિરોધ પ્રદર્શન થયા.

વિરોધ પ્રદર્શન કરનારા લોકોનું કહેવું હતું કે જી-20 બેઠકમાં આવેલા નેતાઓ વિશ્વની સમગ્ર અર્થવ્યવસ્થાને પોતાના હાથમાં રાખવા માગે છે.

તો કેટલાક પ્રદર્શનકારીઓ આ સંમેલનને આર્થિક તાકાતનું પ્રદર્શન ગણાવ્યું.

અત્રે નોંધવું રહ્યું કે જી-20 વિશ્વના 19 સૌથી વધુ ઉદ્યોગીકરણ ધરાવતા દેશોનો સમૂહ છે. જેમાં યુરોપિયન યુનિયન પણ સામેલ છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાનો 85 ટકા હિસ્સો, જી-20 દેશો પાસે છે. વિશ્વની બે તૃતીયાંશ વસ્તી જી-20ના સદસ્ય દેશોમાં રહે છે.

સંમેલનની યજમાની કરી રહેલા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરસિયો મેક્રીએ સભ્ય દેશો વચ્ચે સંવાદ અને સંમતિ પર ભાર મૂક્યો પરંતુ સભ્ય દેશો વચ્ચે રહેલા ભેદભાવ ઝળકાયા વગર ના રહી શક્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે 'જે પણ થયું તેનાથી અમે ખુશ નથી. તેનું જલદી નિરાકરણ લાવવામાં આવશે તેવી અમને આશા છે.'

ટ્રમ્પ એ ઘટનાના સંદર્ભે વાત કરી રહ્યા હતા, જેમા રશિયાએ યુક્રેનના ત્રણ જહાજોને ચાલકદળના સભ્યો સાથે જ કબજામાં લઈ લીધા હતા.

આ જ કારણને આગળ ધરીને ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળવાનો ઇન્કાર પણ કરી દીધો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

line

સાઉદી પ્રિન્સને પુતિન ઉત્સાહથી મળ્યા

ટ્રમ્પ-મોદી-શિંજો એેબે

ઇમેજ સ્રોત, AFP GETTY

બીજી તરફ રાષ્ટ્રપતિ પુતિન આ સંમેલનમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ઉત્સાહથી મળતા જોવા મળ્યા. બન્ને નેતાઓએ મુલાકાત વેળા ઘણો ઉત્સાહ દર્શાવ્યો.

તુર્કીની રાજધાની ઇસ્તંબૂલમાં સાઉદી અરેબિયાના દૂતાવાસમાં ગત મહિને પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાના મામલેના વિવાદ બાદ પહેલી વખત ક્રાઉન પ્રિન્સ કોઈ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જોવા મળ્યા હતા.

સંમેલનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાએ પણ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું, જેમાં સંરક્ષણવાદ વિરુદ્ધ ચેતાવણી આપવામાં આવી.

લાઇન
લાઇન

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ વેપાર સંગઠનને મજબૂત કરવું જોઈએ.

જોકે, નિવેદનમાં કોઈનું નામ લેવાયું નહીં, પણ પત્રકારોનું માનવું છે કે ટીકાની સોય રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફ તાકવામાં આવી હતી.

સંમેલન સિવાય ભારત-જાપાન-અમેરિકા વચ્ચે પણ બેઠક થઈ.

બેઠક બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે જાપાન, અમેરિકા અને ભારત એક સાથે મળે તો 'JAI' જય બને છે જે સારી વાત છે.

બે દિવસ ચાલેલા જી-20 સંમલેનમાં ક્લાઇમેટ ચેન્જ મુદ્દે સભ્ય રાષ્ટ્રોમાં વિવિધ મતમતાંતર જોવા મળ્યા.

આ સંમલેન કોઈ નક્કર પરિણામ લાવ્યાં વિના જ પૂર્ણ થાય એવું સંવાદદાતાઓનું માનવું છે.

એવું પણ મનાઈ રહ્યું છે કે ચીન-અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધ, પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાનો વિવાદ અને રશિયા-યુક્રેન વચ્ચેના તણાવ સુધી જ સંમેલન મર્યાદિત રહે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો