ન્યૂ યૉર્કની નાઇટક્લબના ટૉઇલેટમાં લાગી હિંદુ દેવી-દેવતાઓની તસવીરો

અમેરિકામાં ન્યૂ યૉર્કની એક નાઇટક્લબમાં હિંદુ દેવી-દેવતાઓની તસવીરો લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઓહાયોમાં રહેતાં એક ભારતીય મૂળનાં અમેરિકન મહિલા અંકિતા મિશ્રાએ એની ફરિયાદ કરી છે.

અંકિતા મિશ્રાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને એક બ્લૉગ દ્વારા આ વિશે જણાવ્યું અને ટૉઇલેટની તસવીરો અને વિડીયો પણ પોસ્ટ કર્યા હતા.

પોતાના આ અનુભવ બાબતે અંકિતાએ 16 નવેમ્બરે બ્રાઉનગર્લ નામની એક વેબસાઇટ ઉપર એક બ્લૉગ લખ્યો, જેમાં તેમણે ઘટના વિશે સવિસ્તાર જણાવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અંકિતાએ લખ્યું છે કે તેઓ ગત મહિને હાઉસ ઑફ યેસ નાઈટક્લબ ગયાં હતાં. ત્યાં તેમના મિત્રોએ ઘણો મોંઘો ઓર્ડર કર્યો હતો એટલે તેમને વી.આઈ.પી. બાથરૂમનો ઉપયોગ કરવાની તક મળી.

જ્યારે તેઓ બાથરૂમમાં ગયાં ત્યારે તેમનું ધ્યાન પહેલાં તસવીરો ઉપર ના ગયું. પછી ટૉઇલેટ પેપર કાઢતી વખતે તેમની નજર 'મહાદેવ'ની તસવીર ઉપર પડી. પછી તેમણે ચારેય બાજુ જોયું તો તેઓ અચંબામાં પડી ગયાં.

ટૉઇલેટની દીવાલો ઉપર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો લગાવવામાં આવી હતી. જેમાં ગણેશ, સરસ્વતી, કાલી અને શિવની તસવીરો હતી.

ક્લબમાં ફરિયાદ કરી

અંકિતા પોતાના બ્લૉગમાં લખે છે, "એક રીતે હું મંદિરમાં હતી પરંતુ ત્યાં બધું જ ઊંધું હતું. મેં ચપ્પલ પહેર્યાં હતાં, હું થૂંકતી હતી."

"આ દુર્ભાગ્યની વાત છે કે વસાહતીવાદનાં મૂળિયાં આટલા ઊંડે સુધી ઊતરેલાં છે."

"હું એક ભારતીય-અમેરિકન છું. હું પહેલાં પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છું."

"હું રૂબીન મ્યૂઝિયમ ઑફ આર્ટમાં ટીચર હતી જ્યાં મારી સંસ્કૃતિને કારણે મારા ઉપર કટાક્ષયુક્ત ટોણા મારવામાં આવતા હતા. પરંતુ આ વખતની ઘટનાને હું અવગણી શકી નહીં"

ક્લબથી આવીને અંકિતાએ આ વિષયમાં ઘણું વિચાર્યું. તેમણે સોશિયલ મીડિયા પર પણ આ વિશે જણાવ્યું અને પછી અંતે ક્લબમાં આની લેખિત ફરિયાદ કરી.

અંકિતાએ તેના મેઇલમાં લખ્યું, "સાર્વજનિક સ્થાન ઉપર શાંતિ જાળવી રાખવા માટે હું મારો અવાજ દબાવતી આવી છું."

"ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર હાઉસ ઑફ યસને મુદ્દે પોતાના અનુભવ વ્યક્ત કર્યા બાદ હું તમારી સાથે સીધી વાત કરવા ઇચ્છું છું."

"મને વિશ્વાસ છે કે હાઉસ ઑફ યેસ એવી જગ્યા છે જ્યાં મારો અવાજ સંભાળવામાં આવશે અને જ્યાં સુધારાની શક્યતા છે."

તેમણે લખ્યું, "હાઉસ ઑફ યેસ પબની સાથે મારી બહુ સુંદર યાદો જોડાયેલી છે."

"દોસ્તો સાથે અહીં પાર્ટી કરવી, ડાંસ કરવો અને સુંદર વાતાવરણ, બધી જ સરસ યાદો છે, પરંતુ શનિવારે જ્યારે હું અહીંયા આવી, ત્યારે મને સહેજ પણ ગમ્યું નહીં."

ક્લબે માંગી માફી

અંકિતાની ફરિયાદ બાદ હાઉસ ઑફ યેસ નાઇટક્લબના સહસંસ્થાપક અને ક્રિએટીવ ડાયરેક્ટર કે બર્ક દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો અને તેમણે મેઇલ ઉપર માફી પણ માંગી.

કે બર્કે લખ્યું, "ટૉઇલેટની દીવાલો ઉપર હિંદુ દેવતાઓના પેઈન્ટીંગ બનાવવાની તમામ જવાબદારી મારી છે."

"હું માફી માંગુ છું કે સંસ્કૃતિના ઇતિહાસ વિશે સંપૂર્ણપણે જાણ્યા વગર જ મેં ટૉઇલેટમાં આ રીતની સજાવટ કરી."

"મને ખૂબ જ દુ:ખ છે કે તમને હાઉસ ઑફ યેસ પબમાં પોતાની સંસ્કૃતિના અપમાનનો અનુભવ થયો."

"હું તમને ખાતરી આપું છું કે શક્ય એટલી ઝડપે દેવી-દેવતાઓની તસવીરો હટાવીને ટૉઇલેટને ફરીથી સજાવવામાં આવશે."

"મેં તમારા મેઇલનો એક-એક શબ્દ વાંચ્યો છે અને હું તમારો આભાર માનું છું કે તમે આ કાર્ય માટે સમય ફાળવ્યો. તમે અમારી ઉપર વિશ્વાસ કર્યો, એ માટે પણ હું આપનો આભારી છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો