You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રિઝવી: પાક.માં બરેલવી રાજનીતિનો નવો ચહેરો
- લેેખક, હારુન રશીદ
- પદ, બીબીસી સંવાદદાતા ઇસ્લામાબાદ (પાકિસ્તાન)થી
આસિયા બીબીની મુક્તિથી નારાજ થયેલા પાકિસ્તાનના ધાર્મિક સંગઠન 'તહરીકે લબ્બૈક યા રસુલ અલ્લાહ'ની સરકાર અને આઈએસઆઈ સાથેની વાતચીત નિષ્ફળ ગઈ છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મજબૂત પકડ ધરાવતા તહરીકે લબ્બૈક સંગઠને શુક્રવારે સવારે પોતાનું આંદોલન વેગવંતું બનાવ્યું હતું.
શુક્રવારે સવારે થયેલી ટ્રાફિક સમીક્ષામાં લાહોર, ઇસ્લામાબાદના તમામ મુખ્ય ધોરી માર્ગો બંધ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
તહરીકે લબ્બૈકના જણાવ્યા મુજબ, જ્યાં સુધી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ આસિયા બીબીના કેસમાં પોતાનો ચુકાદો બદલશે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બુધવારે તૌહીન-એ-રિસાલત એટલ કે ઈશ્વરનિંદાના એક બનાવમાં ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને નિર્દોષ છોડ્યાં હતાં.
કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં બંધનું એલાન કરતા તહરીકે લબ્બૈક સંગઠનના ખાદિમ હુસેન રિઝવીએ જણાવ્યું:
"આસિયાએ પબ્લિક સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો."
"તેમ છતાં નવ વર્ષ બાદ કોર્ટે તેમને નિર્દોષ ઠેરવ્યાં છે. આનો અર્થ એવો છે કે ન્યાયીક વ્યવસ્થામાં ચૂક છે. આ ચૂકાદા પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાદિમ હુસૈન રિઝવી કોણ છે?
ખાદિમ હુસૈન રિઝવી ખુદને ધાર્મિક આંદોલનકારી તરીકે ઓળખાવે છે. તેઓ થોડા વર્ષો પહેલાં જ જાણીતા થયા.
પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ઠપકો આપતા કહ્યું કે ખાદિમ હુસેન રિઝવીને પૈસા ક્યાંથી મળે છે? તેમનો વ્યવસાય શું છે? સંસ્થાને નાણાકીય મદદ કોણ કરે છે? શા માટે તેની જાણકારી નથી.
ખાદિમ હુસેનની ખ્યાતિમાં વધારો વર્ષ 2017માં થયો હતો. તેમણે ઈશ્વરનિંદાના કાયદાની વિરુદ્ધ લાંબી લડાઈ લડીને સફળતા મેળવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
અગાઉ વર્ષ 2011માં ચોથી જાન્યુઆરીના રોજ મૃત્યુ પામેલા પંજાબના રાજ્યપાલ સલમાન તાસીરના હત્યારા મુમતાજ કાદરીની મોતની સજાના કેસમાં પણ રિઝવી ખૂબ જ સક્રિય હતા.
રિઝવીએ સલમાન તાસીરના ખૂનને યોગ્ય ઠેરવ્યું હતું તેમણે કહ્યું, 'સલમાને ઈશ્વરનિંદાના કાયદાને 'કાળો કાયદો' ગણાવ્યો હતો. જે અયોગ્ય નિવેદન હતું."
રિઝવીના આ નિવેદન બાદ પાકિસ્તાન વક્ફ બોર્ડે તેમને નોકરીમાંથી બરતરફ કર્યા હતા.
જોકે, આ બનાવ બાદ રિઝવીએ પોતાના કથિત ધાર્મિક આંદોલનને રાજકારણના રંગે રંગવાનો પ્રયાસ કર્યો હતો. હજુ સુધી રિઝવીની છબી એક સામાન્ય વ્યક્તિ તરીકેની જ છે.
બરેલવી રાજનીતિનો નવો ચહેરો
પાકિસ્તાનમાં લોકો તેમને ઈશ્વરનિંદા કાયદાના હિમાયતી તરીકે જુવે છે.
જોકે, વ્હિલ-ચૅર પર જીવતા રિઝવી ખુદને બરેલવી વિચારક ગણાવે છે. રિઝવી પાકિસ્તાનમાં બરેલવી રાજનીતિનો નવો ચહેરો છે.
વર્ષ 2017માં ખાદિમ હુસેન રિઝવીએ તહરીકે લબ્બૈકની કાયદેસર સ્થાપના કરી હતી. વર્ષ 2017માં જ તેમણે લાહોરની એક બેઠક પરથી પેટા ચૂંટણી પણ લડી હતી.
રાજનીતિના વિશ્લેષકોના મતે મુમતાજ કાદરીને ફાંસી બાદ બરેલવી રાજનીતિની વિચારધારા ઘરાવતા લોકો રાજકારણમાં વધુ સક્રિય બન્યા હતા.
વર્ષ 2012 બાદ પાકિસ્તાનમાં ઇસ્લામના વિવિધ પંથો વિશેષ રીતે દેવબંદી, બરેલવી, મુસલમાનો વચ્ચે આંતરિક અથડામણોની ઘટના તીવ્રતાથી વધી છે.
સેનાનું સમર્થન ?
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીના શાસનમાં ફૈઝાબાદમાં થયેલા ઘરણાની સફળતા વિશે એવી માન્યતાઓ હતી કે આ પ્રદર્શનો દરમિયાન રિઝવીના દેખાવોને સેનાનું પીઠબળ હતું.
જોકે, સેનાએ કાયમ આ વાતથી ઇનકાર કર્યો.
હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આસિયા બીબીની મુક્તિનો આદેશ આપ્યો, ત્યાર બાદ પાકિસ્તાનમાં થઈ રહેલા દેખાવો પાછળ કોણ છે? તહરીકે લબ્બૈકને કોનું પીઠબળ હાસલ છે? એક વાર ફરીથી આ સવાલ ઉભા થયા છે.
એવી વાયકાઓ છે કે રિઝવી અને તેમના સંગઠન તહરીકે લબ્બૈકના અન્ય વરિષ્ઠ નેતાઓ પાકિસ્તાની સેના અને સુપ્રીમ કોર્ટે વિરુદ્ધ જે ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે તેને જોતા એવું લાગે છે કે તેમનો આત્મવિશ્વાસ વધુ પડતો છે.
'પયગંબરે ઇસ્લામ ના ચોકીદાર'
વર્ષ 1990 બાદ પાકિસ્તાનની ભીડ અથવા લોકોએ ઈશ્વરનિંદાના આરોપસર 69થી વધુ લોકોનાં ખૂન કરી નાખ્યાં છે.
જોકે, રિઝવીના મતે પાકિસ્તાનમાં ઈશ્વરનિંદાના કાયદાનો દુરઉપયોગ થતો નથી.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ પૂરતું કવરેજ મળતું ન હોવાના લીધે આ સંગઠને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
ઉર્દૂ અને અંગ્રેજી ભાષાની વેબસાઇટ્સ ઉપરાંત સોશિયલ મીડિયા પર તહરીકે લબ્બૈકનાં અનેક એકાઉન્ટ છે.
રિઝવી ખુદને 'પયગંબર અને ઇસ્લામના ચોકીદાર' ગણાવે છે.
તહીરેકે લબ્બૈકના પ્રવક્તા એઝાઝ અશરફીએ જણાવ્યું:
"ખાદિમ હુસેન રિઝવીનો સંબંધ પાકિસ્તાનના પંજાબ સ્થિત અટક જિલ્લાથી છે. રિઝવીનો જન્મ વર્ષ 1966માં 22મી જુને થયો હતો."
"વિરોધ પ્રદર્શનોમાં તેમના બે દીકરા પણ જોડાયેલા છે. વર્ષ 2003માં થયેલા એક અકસ્માત બાદ રિઝવી વ્હીલ-ચૅર પર છે."
લોકોને રોડ પર ઉતારવાની તાકાત
એવી ચર્ચા છે કે રિઝવી જાહેરમાં કે મીડિયા સામે અંગત જીવન વિશે ચર્ચા કરતા નથી.
લાહોરના એક મદરેસામાંથી શિક્ષણ મેળવનારા રિઝવી પર અનેક કેસ નોંધાયેલા છે.
અશરફીએ વધુમાં જણાવ્યું " રિઝવી પર કેટલાં ગુના નોંધાયેલા છે તેની માહિતી નથી."
"પરંતુ જ્યારથી સંગઠનની રચના થઈ ત્યારથી લઈને આજદીન સુધી રિઝવીની કોઈ કેસમાં ધરપકડ થઈ નથી."
"આ ઘટના પાછળનું કારણ રિઝવીનો 'સ્ટ્રિટ પાવર' છે."
જાન્યુઆરી 2017માં રિઝવીએ લાહોરમાં એક ધરણા યોજ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેમના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો અને રિઝવીને નજરકેદ કર્યા હતા.
લાહોર પોલીસ અનુસાર રિઝવીએ મોટાપાયે થતી ગતિવિધિઓની માહિતી પોલીસને સોંપવી પડે છે.
આર્થિક સહયોગ ક્યાંથી?
આઈએસઆઈના એક અહેવાલ મુજબ રિઝવી પોતાના વડીલો સામે વિનમ્ર અને જુનિયરો સાથે કડક વલણ અપનાવે છે.
રિઝવી સંગઠન માટે આર્થિક સહયોગ ક્યાંથી મેળવે છે તેના અંગે કોઈ માહિતી નથી.
જોકે, ઇસ્લામાબાદમાં થયેલા દેખાવો બાદ તેમણે એલાન કર્યું હતું કે અનેક ગુમનામ લોકોએ તેમને લાખો રૂપિયાનો ફાળો આપ્યો છે.
ગત વર્ષે ધરણા બાદ આઈએસઆઈ તરફથી અદાલતમાં પ્રસ્તુત કરાયેલા અહેવાલ મુજબ, રિઝવી નાણાકીય વિષયોમાં અનિયમિત છે.આ બાબતમાં તેમની શાખ સારી નથી.
રિઝવીના જોશીલા ભાષણો પરથી જણાય છે કે તેમને પોતાની અને સંગઠનની તાકાત પર અભિમાન છે.
તેમના ભક્તો ગાળો પર પણ આંખ મીંચીને વાહ-વાહ કરે છે.
નિડર હોવાનું જોખમ
પોતાના ભાષણોમાં તેમણે ફક્ત સત્તામાં ઉંચા હોદ્દે બિરાજમાન લોકોને જ નહીં પરંતુ પાકિસ્તાનના લોકપ્રિય સામાજિક કાર્યકર્તા અબ્દુલ સતાર ઈધીને પણ આડે હાથે લીધા હતા.
તેમણે પાકિસ્તાન સરકારને કરજમાંથી મુક્ત થવા માટે આપેલી સલાહો હાસ્યાસ્પદ હોવાના લીધે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.
તહરીકે લબ્બૈકે પોતાના મિશન વિશે સોશિયલ મીડિયા પેજ પર લખ્યું છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને વિદેશી તાકાતોથી બચાવવા માગે છે.
રિઝવી હૉલૅન્ડની પત્રિકા શાર્લી હેબ્દો પર અણુ હુમલો કરવાની પણ વાત કરી છે.
વિતેલા દિવસોમાં રિઝવીએ સરકાર વિરુદ્ધ આપેલા ભાષણોને જોતા એવું લાગી રહ્યું છે કે જો તેમના પર કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ વધુ જોખમી થઈ શકે છે.
રિઝવીના મુદ્દે સમાધાન લાવવા માટે હવે સરકારે પ્રયાસો હાથ ધરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો