ગ્રીસના જંગલમાં આગ: 74 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા

ગ્રીસના એથેન્સ નજીકના એટ્ટિકા પ્રાંતના જંગલમાં લાગેલી આગમાં કુલ 74 લોકોનાં મોત થયાં છે. આ આગને એક દાયકાની સૌથી ભયંકર આગ ગણાવવામાં આવી રહી છે.

રેડ ક્રોસના જણાવ્યા પ્રમાણે દરિયા કિનારે આવેલા માતી ગામના વિલાના યાર્ડમાંથી 26 મૃતદેહો મળી આવ્યા છે.

મૃત્યુ પામેલાંઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાં એ બધાએ આગની લપેટમાં આવી ગયાં પહેલાં એકબીજાને ભેટી પડ્યાં હોય એવી હાલતમાં તેમના મૃતદેહો મળ્યા છે.

મોટાપ્રમાણમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં લોકોને બચાવવા માટે બોટ અને હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગ્રીસની રાજધાની ઍથેન્સ પાસે લાગેલી આગ વિશે બોલતા વડા પ્રધાને કહ્યું કે આગ બુઝાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગ્રીસના વડા પ્રધાન એલેક્સિસ સિપ્રાસે બોસ્નિયાનો પ્રવાસ પણ રદ કરી દીધો છે.

આગને કારણે ખોવાયેલા 10 પ્રવાસીઓને શોધવા માટે સર્ચ ઑપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

માતીમાં કેવી પરિસ્થિતિ છે?

ઍથેન્સથી 40 કિલોમીટર દૂર આવેલા અને દરિયા કિનારાના માતી ગામમાં અનેક લોકો ફસાયાના અહેવાલ છે.

આ ગામ રાફિના વિસ્તારમાં આવેલું છે, જે સ્થાનિક પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે.

રોયટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અહીં નિવૃત થયેલાં લોકો અને બાળકો કૅમ્પ માટે આવે છે.

ગ્રીકની સ્કાઇ ટીવી સાથે વાત કરતાં એક મહિલાએ કહ્યું કે જાણે કે હાલ માતીનું અસ્તિત્વ જ મટી ગયું છે.

આગને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે તો સેંકડો લોકોને પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે.

સરકારે યુરોપના દેશો પાસેથી હેલિકૉપ્ટર અને વધારાના ફાયરફાઇટર્સને આગ બુઝાવવા માટે મોકલવાની વિનંતી કરી છે.

ઇટાલી, જર્મની, પૉલેન્ડ અને ફ્રાન્સ સહિતના દેશોએ પોતાના તરફથી ગ્રીસને મદદ મોકલી છે. તેમણે કહ્યું, "મેં ત્યાં અનેક મૃતદેહો જોયા છે, બળેલી કારો જોઈ છે, હું ભાગ્યશાળી છું કે હું જીવતી રહી ગઈ."

"સારું થયું કે ત્યાં દરિયો હતો જેના કારણે અમે દરિયામાં જતા રહ્યા હતા. દરિયામાં પણ જાણે અમારી પાછળ આગની જ્વાળાઓ આવી રહી હતી."

"અમારી પાછળ આગ લાગી હતી અને અમે દોડીને દરિયામાં જતાં રહ્યાં, એ સમયે મે બૂમ પાડી કે ઓહ ગોડ, આપણે બચવા માટે દરિયામાં જવું પડશે."

આટલી વિશાળ આગ લાગી શા કારણે?

ગ્રીસના એટ્ટીકા વિસ્તારમાં ગરમીની ઋતુ દરમિયાન આગની સામાન્ય ઘટનાઓ બનતી હોય છે.

જોકે, આ અઠવાડિયે જોરદાર પવનને કારણે આગ પ્રસરી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

એએફપી ન્યૂઝ એજન્સીને અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારના જંગલમાં ખાલી પડેલાં ઘરોને લૂંટવા માટે પણ કોઈએ આગ લગાડી હોય તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો