કેલિફોર્નિયાના જંગલોમાં અત્યાર સુધીની ભયાનક આગ

કેલિફોર્નિયાના વાઇન બનાવવા માટે જાણીતા વિસ્તારમાં ભયાનક આગ લાગી છે.

આ આગ ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધી દસ લોકોનાં મોત થઈ ગયા છે.

રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ વિસ્તારના કેટલાય લોકો લાપતા છે.

આગ લાગ્યા બાદ નાપા, સોનોમા અને યૂબાના આશરે 20 હજાર લોકોને વિસ્તારમાંથી હટાવાયા છે. આ વિસ્તારમાં દ્રાક્ષની ખેતી થાય છે.

કેલિફોર્નિયાના ગર્વનર જેરી બ્રૉને નાપા, સોનોમા અને યૂબામાં ઇમરજન્સી જાહેર કરી છે. આગને તાપમાનનો પારો ઊંચે જવા લાગ્યો છે.

યૂબાના એક નિવાસીએ આપવીતી વર્ણવી. તેમણે કહ્યું "આખાય વિસ્તારમાં આગની લાલ જ્વાળાઓ દેખાતી હતી. પવન 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો."

"હું ખૂબ દુ:ખી છું. મારા પાડોસીઓના ઘર બળી ગયા. મેં પોતાની જાતને બચાવી લીધી."

કેલિફોર્નિયાના વન વિભાગ અને અગ્નિશામક દળના પ્રમુખ કિમ પિમલોટે કહ્યું છે કે લગભગ દોઢ હજાર ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે હજુ સુધી એ ખબર નથી પડી શકી કે આ આગ લાગી કઈ રીતે. મેંડસિનો કાઉંટીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વેલીના હજારો એકર ખરાબ રીતે સળગી ગયા છે.

લોકોને અહીંથી સુરક્ષિત બહાર લઈ જવામાં આવી રહ્યા છે.

સમાચાર પ્રમાણે દ્રાક્ષના બગીચામાં કામ કરનાર ડઝનો લોકોને હેલિકૉપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા છે. ઝડપથી ફૂંકાતો પવન, ગરમ અને સૂકા હવામાનને કારણે આગ જલ્દી ફેલાઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રીય હવામાન સેવાએ સાન ફ્રાન્સિસ્કો સુધી આગ ફેલાવાની ચેતવણી આપી છે.

આગને કારણે કેટલાય રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે લોકોને સમસ્યા પડી રહી છે.

તંત્રનું કહેવું છે કે જ્યાં સુધી પવનની ગતિ ઓછી ન થાય ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો