You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ભારતીય મૂળના રાજકારણી સૂરજ પટેલ ટિન્ડર પર કરે છે ચૂંટણી પ્રચાર
- લેેખક, એન્થની ઝુર્ચર
- પદ, ઉત્તર અમેરિકા રિપોર્ટર
ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો દરેક પક્ષ ભરપૂર ઉપયોગ કરે છે. જેમાં ફેસબુક ટ્વીટર અને વૉટ્સઍપનો ઉપયોગ મોટાભાગના રાજકીય પક્ષો કે રાજકારણીઓ કરતા હોય છે.
રાજકારણીઓ લોકો સુધી પહોંચવા માટે સતત નવા નવા રસ્તાઓ શોધતા હોય છે. તેમા પણ યુવાનો સુધી પહોંચવા માટે ખરેખર સતત નવા વિચારોની જરૂર પડે છે.
ચૂંટણી પ્રચારમાં ડેટિંગ ઍપનો ઉપયોગ થઈ શકે ખરો? તેનો જવાબ છે હા, આવો જ આઇડિયા એક રાજકારણીને આવ્યો અને તેમણે ટિન્ડર પર શરૂ કર્યો છે ચૂંટણી પ્રચાર.
ડેટિંગ ઍપનો ચૂંટણીમાં ઉપયોગ કરી રહેલા આ ભારતીય મૂળના અમેરિકન રાજકારણી છે સૂરજ પટેલ.
શા માટે ટિન્ડરથી કરવો પડ્યો પ્રચાર?
અમેરિકામાં યુવાનો ભાગ્યે જ ફોન કૉલ રિસીવ કરતા હોય છે અને ટીવી, રેડિયો તથા ઇન્ટરનેટ પર આવતી જાહેરાતોને ફિલ્ટર કરી રાખતા હોય છે.
જેથી યુવાનો સુધી પહોંચવા માટે ન્યૂ યૉર્કના ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર સૂરજ પટેલ ટિન્ડર અને અન્ય ડેટિંગ ઍપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
હોટલ મૅનેજમૅન્ટ કંપનીના પ્રમુખ અને ઓબામાની પ્રચાર ટીમના સભ્ય રહી ચૂકેલા સુરજ પટેલે તાજેતરમાં 'ટિન્ડર બૅન્કિંગ' પાર્ટીનું આયોજન કર્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં તેમણે અને તેમના પ્રચારકોએ ડેટિંગ ઍપ્સ પર લોગ ઇન કર્યું હતું અને મતદારો સુધી પહોંચવાની નવી તરકીબ અજમાવી હતી.
આ પ્રચાર અભિયાનના પ્રવક્તા લિસ સ્મિથ કહે છે કે, ટિન્ડર બૅન્કિંગની મદદથી અમે મતદારોને તેમની જ જગ્યાએ શોધી શકીએ છીએ.
તેઓ એવું પણ ઉમેરે છે, "જિલ્લામાં 2016માં 18 થી 34 વર્ષની વયના ફક્ત 2 ટકા મતદારો જ મતદાન કરવા આવ્યા હતા."
"ફોન કૉલ્સ કરવા કે ઘરે-ઘરે પ્રચાર કરવા જવું, એ રીતે પ્રચાર કરવાનો કોઈ ફાયદો થતો નથી."
પ્રચારમાં કઈ રીતે ટિન્ડરનો ઉપયોગ છે
સુરજ પટેલની પ્રચારની રીત ટિન્ડરના સામાન્ય અકાઉન્ટ જેવી જ છે.
શરૂઆતની વાતચીત ઑટોમૅટેડ હોય છે, પછીથી વ્યક્તિ જવાબી વાતચીતમાં જોડાય છે.
ફૉલર અને ગુડમૅન કહે છે કે પ્રચાર માટે આશરે 30 થી 40 હજાર લોકોને મૅસેજ કર્યા હતા."
"પરિણામ એવું આવ્યું કે સૌથી વધારે યુવા મતદારો મતદાન કરવા આવ્યા. જેમાં 25 વર્ષના યુવાનોનું પ્રમાણ સૌથી વધારે હતું."
તેઓ કહે છે, "ટિન્ડર પર રાજનીતિની ચર્ચા એટલે ચાલી જાય છે. લોકો તમારા વિશે અંગત બાબતો જાણવા માટે આતુર હોય છે."
કોણ છે સૂરજ પટેલ?
સૂરજ પટેલની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે તેમનો જન્મ અમેરિકાના મિસિસિપીમાં થયો છે.
તેમના માતાપિતા ભારતીય મૂળના છે અને તેઓ રોજગારીની તકો અને સારા ભવિષ્ય માટે ભારતથી અમેરિકા ગયાં હતાં.
ન્યૂ યોર્કથી ચૂંટણી લડી રહેલા સૂરજ પટેલના પરિવારનો બિઝનેસ અમેરિકાના 14 રાજ્યોમાં ફેલાયેલો છે.
તેમણે સ્ટેનફૉર્ડથી પોલિટિકલ સાયન્સ, બાદમાં કાયદાનો અભ્યાસ અને કેમ્બ્રિજમાંથી પબ્લિક પૉલિસીમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.
ન્યૂ યોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં તેઓ બિઝનેસ એથ્કિસના ઍડજંક્ટ પ્રોફેસર તરીકે કાર્યરત હતા.
બાદમાં 2008માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાવા માટે તેમણે આ નોકરી છોડી દીધી હતી.
આ પ્રચારથી કોઈ ફાયદો થશે?
સુરજ પટેલના આ પ્રકાર પ્રચારન અંગે 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ' અહેવાલ પ્રકાશિત થયા બાદ ચર્ચા શરૂ થઈ હતી.
ડેઇલી કોસ વેબસાઇટના રાજકીય ડાઇરેક્ટરે ટ્વીટ કર્યું કે, "આ તો મતદારોને જીતવા માટે કપટનો ઉપયોગ કરવા જેવું છે."
કેલિફોર્નિયાના સ્પોર્ટ્સ બ્લૉગર અમાન્ડા સ્મિથ કે જેઓ ઘણી બધાં ડેટિંગ ઍપ પર અકાઉન્ટ ધરાવે છે, તેઓ કહે છે કે ટિન્ડરનો ઉપયોગ કરવાથી પ્રચાર બહુ ફાયદો નહીં થાય.
કારણકે ટિન્ડરનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગના અન્ય શહેરોના છે, જે અહીં ભણવા માટે આવ્યા છે.
તેઓ કહે છે કે, આ પ્રકારનો પ્રચાર ભયાનક અને કોઈનો ઉપહાસ કરવા સમાન છે. કારણકે તમે પોતાના માટે બીજાનો લાભ લઈ રહ્યા છો.
તેઓ કહે છે, "ડેટિંગ ઍપ પર અકાઉન્ટ ધરાવતી કોઈ મહિલા જ્યારે તમને રાઇટ સ્વાઇપ કરે છે, ત્યારે એ સામેની વ્યક્તિ પર વિશ્વાસ મૂકે છે કે એ તમારા સાથે કંઈ ખોટું નહીં કરે."
"દર વખતે તેનો દુરુપયોગ કરો છો અને એ તમને જેવા વિચારે છે તમે એવા છો જ નહીં."
લિસ સ્મિથ આ અંગે કહે છે કે, પ્રચાર માટે બનાવાયેલા અકાઉન્ટ્સની પ્રોફાઇલમાં તમામ હકીકત અમે જણાવી દઈએ છીએ. જેનો અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે."
"ડેટિંગ ઍપ્સના ઉપયોગથી અમે હજારો મતદારો સુધી પહોંચવામાં અને તેમનો હકારાત્મક પ્રતિસાદ મેળવવામાં અમે સફળ થયા છીએ."
પ્રચારની મજાક ઊડી રહી છે
લિસ સ્મિથ કહે છે, "ઘણા લોકો આવા પ્રચારની આ નવી તરકીબની મજાક ઉડાવે છે."
"એનાથી અમને નવાઈ નથી લાગતી. અમે જોખમો સ્વીકારીને આ કામ હાથમાં લીધું છે. લોકોને જોડવાની પ્રક્રિયામાં ક્યાય દંભ કર્યો નથી."
સ્મિથ કહે છે કે, વાતાવરણની દૃષ્ટીએ પણ ટિન્ડર પરનો પ્રચાર યોગ્ય ઉપાય છે.
તેમને ટિન્ડરનો ઉપયોગ કરવાનો વિચાર યુકેની લેબર પાર્ટીના ઉમેદવારના આઇડિયા બાદ આવ્યો હતો.
યરા રૉડરિગઝ ફૉલર અને કાર્લોટ ગુડમૅને મતદારો સુધી પહોંચવા ટિન્ડરનો ઉપયોગ કર્યો હતો.
જેનાથી લેબર પાર્ટીના એજન્ડા અને મતદાન મથકોની માહિતી મતદારો સુધી પહોંચાડી હતી.
સૂરજ પટેલના આ પ્રચાર અંગે અમે ટિન્ડરનો પણ મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ટિન્ડરના ઉપયોગની શરતો પ્રમાણે આ પ્રકારના પ્રચાર માટે વપરાતા બૉટ્સ અથવા થર્ડ પાર્ટી ઍપ્લિકેશન્સ પ્રતિબંધિત છે અને કોઈ પણ પ્રકારનો વેપારી ઉપયોગ કરવાની મનાઈ છે.
કંપનીએ ફૅક અકાઉન્ટ્સને પકડી પાડવાના પ્રયત્નો પણ કર્યા છે.
ટિન્ડર પર સાચી વ્યક્તિનું જ અકાઉન્ટ હોય એ જરૂરી છે. પણ ફૅક અકાઉન્ટને શોધવામાં અને રોકવામાં ટિન્ડરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
જે લોકો પ્રેમ કે ડેટિંગની શોધમાં અહીં આવે છે, એ લોકોને જ્યારે કંઈક અલગ જણાશે તો કદાચ એ લોકો તેનો ઉપયોગ કરવાનું ઓછું કરવા લાગશે.
અમાન્ડા સ્મિથ કહે છે, "રાજકારણીઓ પર કોઈને વિશ્વાસ રહ્યો નથી, આવું કરીને શું કરવા લોકોનો અવિશ્વાસ દ્રઢ કરો છો?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો