અવકાશમાંથી આટલી બધી અલગ કેમ દેખાય છે ભારતની હવા?

ઇમેજ સ્રોત, COPERNICUS DATA 2018/BIRA-IASB
- લેેખક, જોનાથન અમોસ
- પદ, બીબીસી સાયન્સ સંવાદદાતા
ભારત અને દક્ષિણ એશિયામાના તેની આસપાસના દેશો પરની હવા થોડી અલગ છે. એવું એટલા માટે છે કે ભારતની હવામાં ફૉર્મલડિહાઇડ છે.
ફૉર્મલડિહાઇડ એવો રંગવિહોણો વાયુ છે, જે સામાન્ય રીતે વનસ્પતિ દ્વારા છોડવામાં આવે છે પરંતુ સાથે સાથે તે પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓ દ્વારા પણ પેદા થાય છે.
યુરોપના નવા ઉપગ્રહ સેન્ટનલ-5પીએ ભારતના વાયુમંડળમાં રહેલા આ ગેસની જાણકારી આપી હતી.
આ ઉપગ્રહને દુનિયાભરની હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે ગયા ઑક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.
આ ઉપગ્રહથી મળતી માહિતી પ્રમાણે વાતાવરણને સ્વચ્છ કરવાની નીતિઓ ઘડવામાં આ માહિતી ઉપયોગી સાબિત થશે.

શું છે ફૉર્મલડિહાઇડ?

ઇમેજ સ્રોત, COPERNICUS DATA 2018/BIRA-IASB
રોયલ બેલ્જિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ એરોનોમીનાં ડો. ઇસાબેલ દ સ્મેટના જણાવ્યા મુજબ, નાઇટ્રોજન અને ઑક્સીજન જેવા મોટા ઘટકોની સરખામણીએ ફૉર્મલડિહાઇડના સંકેત વાસ્તવમાં ઘણા નાના છે.
હવાના પ્રત્યેક અબજ કણોમાં તેનું પ્રમાણ જૂજ હશે, પણ એ પ્રદૂષણની સમસ્યાનો સંકેત આપે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસાબેલ દ સ્મેટે બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "ફૉર્મલડિહાઇડ કોલમ વિવિધ પ્રકારનાં વિષમ બંધારણનાં દ્રવ્યોથી બનેલી હોય છે. તેનો સ્રોત વનસ્પતિ સૃષ્ટિ તથા આગ અને પ્રદૂષણ હોઈ શકે છે."
"તે પ્રદેશ આધારિત હોય છે, પણ 50થી 80 ટકા સંકેતોનું મૂળ બાયૉજેનિક છે."
"પ્રદૂષણ અને આગ ઉપરાંત કોલસા બાળવાથી કે દવ લાગવાથી પણ એ સર્જાઈ શકે છે. ભારતમાં નકામી કૃષિ સામગ્રીને બાળવાનું પ્રમાણ વધારે છે."
ભારતીય ઘરોમાં રાંધવા અને ગરમાટો મેળવવા માટે સારા એવા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારત પર કોઈ ખતરો છે?

ઇમેજ સ્રોત, COPERNICUS DATA 2018/BIRA-IASB
હિમાલયની પર્વતમાળા મેદાની વિસ્તાર પરની હવાને કઈ રીતે રોકી રાખે છે અને ઉત્તર તરફ આગળ વધતી રોકે છે એ જુઓ.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફૉર્મલડિહાઇડનું સરખામણીએ ઓછું પ્રમાણ રાજસ્થાનના રણપ્રદેશ પર કેન્દ્રીત થયેલું છે, જ્યાં વનસ્પતિ કે લોકોનું પ્રમાણ દેખીતી રીતે ઘણું ઓછું છે.
નાઇટ્રોજન ડાયૉક્સાઇડ સાથે વિષમ બંધારણવાળાં દ્રવ્યો અને સૂર્યપ્રકાશ ભળે તેનાથી ગ્રાઉન્ડ લેવલે ઓઝોન સર્જાય છે.
એ શ્વાચ્છોશ્વાસમાં મુશ્કેલી સર્જી શકે છે અને પરિણામે આરોગ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.

અસરકારક ટ્રોપૉમી ઇન્સ્ટ્રુમેન્ટ

ઇમેજ સ્રોત, ESA
યુરોપિયન સ્પેસ એજન્સીએ યુરોપિયન સંઘના કૉપરનિક્સ અર્થ મૉનિટરિંગ પ્રોગ્રામ માટે સેન્ટિનલ-ફાઇવ પી સૅટેલાઇટ મેળવ્યો છે અને લૉન્ચ કર્યો છે.
આ સૅટેલાઇટનું ટ્રોપૉમી ઇન્સ્ટ્રુમેન્ટ ફૉર્મલડિહાઇડ ઉપરાંત ડાયૉક્સાઇડ, ઓઝોન, સલ્ફર ડાયૉક્સાઇડ, મિથેન, કાર્બન મૉનોક્સાઇડ અને એરોસોલ સહિતના વાયુઓના અંશોને વાતાવરણમાંથી શોધી શકે છે.
આ બધા વાયુઓની અસર આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના પર અને તેથી આરોગ્ય પર થાય છે. ઘણા વાયુઓ ક્લાયમેટ ચેન્જમાં પણ ભૂમિકા ભજવે છે.
ડો. ઇસાબેલ દ સ્મેટે કહ્યું હતું, "અમારી પાસે બહુ સારી માહિતી એકત્ર થઈ છે અને એ ઉચ્ચ ગુણવત્તાવાળી છે."
"નવા નકશામાં ચાર મહિનાના ડેટા છે. ઓમી નામની સ્પેક્ટ્રોમીટર સિસ્ટમ જે કામ છ મહિનામાં કરતી હતી એ કામ ટ્રોપૉમી એક મહિનામાં કરી શકે છે.
"અમે ઝીણામાં ઝીણી વિગત હવે ઝડપભેર મેળવી શકીએ છીએ. આ પ્રકારના સિગ્નલ્સ અમને અગાઉ મળતાં ન હતાં. દાખલા તરીકે તહેરાનની આસપાસના ઉત્સર્ગની માહિતી મેળવવામાં અમને દસ વર્ષ લાગ્યાં હતાં."
એક ટેસ્ટ અને કમિશનિંગની તબક્કા પછી આ મહિનાના અંત સુધીમાં સેન્ટિનલ-5પી વાતાવરણમાંના નાઇટ્રોજન ડાયૉક્સાઈડ તથા કાર્બન મૉનોક્સાઈડની માહિતી મેળવવા માટે સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















