You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top news : 2043 કરોડનું લોન કૌભાંડ : બૅન્ક ઑફ મહારાષ્ટ્રના સીઈઓની ધરપકડ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર પૂના પોલીસની આર્થિક અપરાધ શાખાએ બુધવારે બૅન્ક ઑફ મહારાષ્ટ્રના એમડી અને સીઈઓ રવીન્દ્ર મરાઠે, કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર ગુપ્તા અને બે અન્ય અધિકારીઓની ધરપકડ કરી છે.
તેમના પર કથિતરૂપે ડીએસકે ડેવલપર્સ લિમિટેડને યોગ્ય પ્રકિયા કર્યા વિના આરબીઆઈના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાની લોન આપવાનો આરોપ છે.
પોલીસે જણાવ્યું છે કે આ ધરપકડ રૂ. 2043 કરોડ રૂપિયાની આર્થિક છેતરપિંડી મામલે કરવામાં આવી છે.
એમ પણ કહેવાય છે કે છેતરપિંડીને પૂનાના ડેવલપર્સ ડીએસ કુલકર્ણી ઉર્ફે ડીએસકે અને તેમની ગ્રૂપ કંપનીઓએ અંજામ આપ્યો છે. આ કેસમાં બૅન્કના ઝોનલ મેનેજર નિત્યાનંદ દેશપાંડેની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર કૌભાડની વિગત એવી છે કે ડીએસકે ગ્રૂપે કથિતરૂપે રોકાણકારો, બૅન્કો, ઘર ખરીદનારા અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 2043 કરોડ ઉઘરાવ્યા અને બાદમાં તેને અંકે કરી લીધા.
પેટ્રોલ-ડીઝલ પર 28 ટકા જીએસટી લગાડવાની વિચારણા
સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને 'ધ ઇકોનોમિક ટાઇમ્સ'ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પેટ્રોલ-ડીઝલ પર 28% જીએસટી ઉપરાંત સ્થાનિક સૅલ્સ ટૅક્સ કે વૅટ લગાવવાની વિચારણા ચાલી રહી છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે આ મામલે સૌથી વધુ જીએસટીના 28%ના માળખામાં રાખવામાં આવશે.
સરકાર જો આ નિર્ણય લે તો પેટ્રોલ અને ડીઝલ જે ભાવે મળે છે તે જ ભાવે મળશે અને જનતાને તેમા કોઈ રાહત નહીં મળે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના માળખામાં સમાવાય તો કિંમતોમાં રાહત મળે તેવી માગણીના પગલે આ વિચારણા કરાઈ રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, આ અંગેનો નિર્ણય લેતા પહેલાં સરકારે એ નક્કી કરવું પડે કે તે આ બન્ને ઇંધણ પર મળી રહેલી રૂ. 20 હજાર કરોડની ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ જતી કરવી કે કેમ?
અહેવાલમાં જીએસટી સાથે સંકળાયેલા અધિકારીને ટાંકીને જણાવાયું છે કે વિશ્વમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલ પર સ્પષ્ટ કહી શકાય એવું જીએસટીનું માળખું અમલમાં નથી.
અધિકારીએ સમાચાર સંસ્થાને એવું પણ જણાવ્યું છે કે પેટ્રોલનો જીએસટી હેઠળ સમાવેશ કરવા માટે કરાઈ રહેલી વિચારણા રાજકીય નિર્ણય હોઈ શકે છે.
પનામા પેપર્સ : નવા નામોમાં ટેલિકૉમ ક્ષેત્રના અગ્રણીના પુત્રનું પણ નામ
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલમાં નોંધ્યું છે કે, એપ્રિલ 2016માં પનામા પેપર્સ પ્રકાશિત થયા તેના 3 અઠવાડિયા પહેલા પનામેનિયન લૉ ફર્મ મોસાક ફૉન્સેકાએ ઇન્ટર્નલ ઈમેઇલમાં કેટલીક રજિસ્ટર્ડ કંપનીઓના યુબીઓ(છેવટના લાભાર્થી માલિકો)નાં નામો જાહેર કર્યા હતા.
જેમાં કેબીએમ ગ્લોબલ લિમિટેડનું નામ પણ હતું, જેના લાભાર્થી ટેલિકૉમ ક્ષેત્રના અગ્રણી સુનિલ ભારતી મિત્તલના પુત્ર અને હાઇક મેસેન્જરના સીઈઓ અને ફાઉન્ડર કવિન ભારતી મિત્તલ હોવાનું જાણવા મળે છે.
તેમના દિલ્હીના સરનામાનો પણ ઈમેઇલમાં ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળે છે.
અહેવાલ પ્રમાણએ કંપનીના સત્તાવાર સૂત્રોએ કવિન મિત્તલ વતી કહ્યું, "કેબીએમ ગ્લોબલ લિમિટેડ 2008માં ટેક સેક્ટરમાં બિઝનેસ ઍક્ટિવિટીઝ અને માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કવિન ભારતી મિત્તલ દ્વારા સ્થપાયેલી કંપની છે.”
“આ કંપનીના કવિન મિત્તલ એકમાત્ર લાભાર્થી શેરહોલ્ડર છે."
આ ઉપરાંત અન્ય નામોમાં બિઝનેસમૅન જલજ અશ્વિન દાણીનું નામ પણ છે. એપ્રિલ 2017માં એશિયન પેઇન્ટ્સના પોતાના પદેથી તે હટી ગયા હતા. જલજ અશ્વિન દાણી તથા તેમના પત્ની વિતા દાણી સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો પણ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય પણ મહત્ત્વના દસ્તાવેજો બહાર આવ્યા હોવાનું આ અહેવાલમાં નોંધ્યું છે.
મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું આપ્યું
એનડીટીવીની વેબસાઇટના અહેવાલ પ્રમાણે દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને બુધવારે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
ચાર વર્ષ સુધી આ કામગીરી સંભાળ્યા બાદ તેમણે અંગત કારણોસર મુખ્ય આર્થિક સલાહકારનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે નાણાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારની કેટલીક જવાબદારીઓ નિભાવવા માટે યુએસ જવા માગે છે.
2017માં તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થતા મેં તેમને કામગીરી ચાલુ રાખવા માટે કહ્યું હતું.
અરવિંદ સુબ્રમણ્યને મુખ્ય આર્થિક સલાહકારની તેમની કામગીરીને તેમના જીવનની શ્રેષ્ઠ નોકરી ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે નીતિ આયોગના વાઇસ ચેરમેન અરવિંદ પાનગરિયાએ પણ 2017માં રાજીનામું આપ્યુ હતુ અને યુએસ પરત જવાનો નિર્ણય કર્યો હતો.
જુલાઈ માસમાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત થઈ શકે છે
બ્લૂમબર્ગક્વીન્ટ વેબસાઇટના અહેવાલમાં પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની જુલાઈમાં મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની યુરોપ મુલાકાત દરમિયાન પુતિન સાથે મુલાકાત કરવા વિચારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નાટો સમિટ પહેલાં 11 જુલાઈએ અથવા 13 જુલાઇએ ટ્રમ્પની બ્રિટનની મુલાકાત દરમિયાન આ બન્ને રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક યોજાવવાની શક્યતા છે. જોકે આ અંગે વ્હાઇટ હાઉસે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.
જર્મનીમાં જી-20 સમિટ વખતે ટ્રમ્પ અને પુતિનની બે બેઠકો યોજાઈ હતી. ક્યુબેક ખાતેની જી-7 સમિટમાં પણ રશિયાને આઠ દેશોના સમૂહમાં ફરીથી સમાવવાનો પ્રસ્તાવ ટ્રમ્પે મૂક્યો હતો.
2014માં જી-8 દેશોમાંથી રશિયાને બાકાત કરાયા બાદ જી-7 સમૂહ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે પણ સિંગાપોરમાં મુલાકાત થઈ હતી, ત્યારબાદ હવે પુતિન સાથે મુલાકાત થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો