BBC Top 5 News: લોકજુવાળને પગલે બ્રાઝિલમાં ડીઝલના ભાવ ઘટ્યા

રસ્તા પર ટ્રક

ઇમેજ સ્રોત, Reuters

દક્ષિણ અમેરીકન દેશ બ્રાઝિલ હાલમાં ચર્ચામાં છે. દેશની અધિકૃત ઓઇલ કંપની 'પેટ્રોબ્રાસ'એ ડીઝલની કિંમતોમાં 10 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

ડીઝલની કિંમતોમાં ભારે વધારાને પગલે દેશના અમૂક શહેરોમાં ટ્રક ડ્રાઇવરો દ્વારા વિરોધ પ્રદર્શનો હાથ ધરવામાં આવ્યા હતા.

ગુસ્સે ભરાયેલા ટ્રેક ડ્રાઇવરોએ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ કરી દીધા, જેને કારણે અવ્યવસ્થાનું વાતાવરણ સર્જાયું છે.

આ વિરોધને પગલે જાહેર જીવન પર ભારે અસર પડી છે.

કોર્ટ દ્વારા બળ પ્રયોગ કરીને રસ્તો ખાલી કરવાને મંજૂરી આપવામાં આવી છે, જેથી સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બને તેવી શક્યતા છે.

line

આયર્લૅન્ડમાં ગર્ભપાત સંદર્ભે જનમત

મતદાનમાં ભાગ લેવા માટે ઉત્સાહિત મહિલાઓ

ઇમેજ સ્રોત, Supplied

વિશ્વભરના આઇરિશ લોકો વતન પરત ફરી રહ્યાં છે, જેથી તેઓ ગર્ભપાત સંબંધિત એક જનમત સંગ્રહમાં મતદાન કરી શકે.

એક અંદાજ મુજબ, લગભગ 40 હજાર લોકો બહારથી આવીને આ જનમત માટે મતદાન કરશે.

બંધારણમાં આઠમા સુધાર દ્વારા મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાનો પ્રસ્તાવ છે.

સોશિયલ મીડિયા પર #HomeToVote ટ્રેન્ડ થઈ રહ્યું છે, જેમાં બહારથી આવનારાં નાગરિકોને કાર શેરિંગ, રાત્રિ રોકાણ વગેરે જેવી સુવિધા ઓફર થઈ રહી છે.

2015માં પણ આયર્લૅન્ડમાં આ પ્રકારની જ ઝુંબેશ શરૂ થઈ હતી. તે સમયે સમલૈંગિક વિવાહને કાયદેસર કરવા માટે જનમત યોજવામાં આવ્યો હતો.

line

KKR પહોંચ્યું ક્વૉલિફાયર-ટુમાં

ક્વોલિફાયર મેચની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે આઈપીએલ-11નો એલિમિનેટર રાઉન્ડ રમાયો હતો. જેમાં KKRએ 25 રને રાજસ્થાન રોયલ્સને પરાજય આપ્યો હતો.

KKRએ 170 રનનું લક્ષ્યાંક આપ્યું હતું, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં ચાર વિકેટે માત્ર 144 રન બનાવી શક્યું હતું.

ગુરૂવારે KKRનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ થશે. બંનેમાંથી જે ટીમ વિજેતા થશે તે રવિવારે ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે ટકરાશે.

line

લન મસ્ક મીડિયાથી નારાજ

ઇલન મસ્કની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઇલન મસ્કે મીડિયાની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉઠાવ્યા છે.

ગુરૂવારના રોજ તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને મીડિયા પર હુમલો કર્યો હતો.

સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેઓ એક એવી વેબસાઇટ લૉન્ચ કરશે, જે સમાચાર અને તેના સ્ત્રોતની વિશ્વસનીયતાની ખાતર કરી શકે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેમની કંપની ટેસ્લા અંગે સમાચાર છપાયા હતા, જે તેમના મતે ગેજવાજબી હતા. ત્યારબાદ તેમણે આ નિર્ણય લીધો હતો.

મસ્કે કહ્યું, "પત્રકારો કામને લઇને ખૂબ જ દબાણ અનુભવતા હોય છે. ત્યારે તેમણે એવું કન્ટેન્ટ લખવું પડે છે જે જાહેરાત લાવે અને પૈસા કમાઈ આપે. જો તેઓ આવું ના કરે તો તેમને નોકરી છોડવાનો વારો આવે છે."

line

વધુ રોકાવાનું ટ્રમ્પનું કારણ

ગોલ્ફ રમી રહેલા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ જુલાઈ મહિનામાં યુનાઇટેડ કિંગ્ડમની મુલાકાતે જવાના છે, ત્યારે સ્કૉટલૅન્ડમાં ગોલ્ફ રમી શકાય તે માટે તેઓ યુકે ખાતેનું રોકાણ લંબાવે તેવી શક્યતા છે.

ઉપરાંત તેઓ લંડન સિવાયના સ્થળોએ મુલાકાત ગોઠવવાનો પ્રયાસ કરશે, એવી આશંકા છે કે લંડનની મુલાકાત સમયે તેમનો વ્યાપક વિરોધ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તા. 11 તથા 12 જુલાઈના તેઓ નાટો રાષ્ટ્રોની બેઠકમાં ભાગ લેશે, જ્યારે 13મીએ યુકેના વડાં પ્રધાન થેરેસા મે સાથે મુલાકાત કરશે.

સત્તાવાર મુલાકાતે ન હોવા છતાંય ટ્રમ્પ ઇંગ્લૅન્ડનાં ક્વીન એલિઝાબેથ સથે મુલાકાત કરે તેવી શક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો