આંતરિક યુદ્ધગ્રસ્ત સીરિયાના ભારત સાથે કેવા સંબંધો છે?

સીરિયા જીરા અને ક્રૂડ ઓઇલના ઉત્પાદન માટે જાણીતું છે, પણ યુદ્ધના પગલે ઉત્પાદનને માઠી અસર પહોંચી છે.

અમેરિકાએ સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલા કર્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સીરિયા સંકટના ગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

યુદ્ધના પગલે સીરિયાને ઘણી માઠી અસર પહોંચી છે. ખરેખર સીરિયા કેવું છે અને તેની શું ખાસિયત છે?

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સીરિયા સંબંધિત જાહેર કરાયેલ 2017ના અહેવાલ અનુસાર 2011 પહેલાં સીરિયાથી ભારતમાં ક્રૂડ ઓઇલ અને ચામડું તથા મોતી (આર્ટિફિશ્યલ)ની આયાત થાય છે.

વળી 2011 બાદ તેની સાથે સાથે કોમૉડિટીમાં સીરિયાથી બદામ, ઊન,જીરું અને કાળા તલની પણ ભારતમાં આયાત થાય છે.

અહેવાલ અનુસાર 2016માં સીરિયાથી ભારતમાં 17 મિલિયન ડોલરના મૂલ્યની સામગ્રીની આયાત થઈ હતી.

તેની સામે ભારતમાંથી સીરિયામાં 167 મિલિયન ડોલરની નિકાસ કરવામાં આવી હતી, જેમાં ચોખા અને કાપડ તથા દવાઓની મુખ્યત્વે નિકાસ કરવામાં આવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સીરિયાની રાજધાની તેના સ્ટીલ માટે પણ જાણીતી રહી ચૂકી છે. તેનું સ્ટીલ મુખ્યત્વે છરી, તલવાર અને અન્ય હથિયારો બનાવવા માટે વાપરવામાં આવતું હતું.

સીરિયા સાથે ગુજરાતનું કનેક્શન?

અત્રે નોંધવું રહ્યું કે, સીરિયા સાથે ગુજરાતનાં જીરાનું પણ કનેક્શન છે.

જીરાનાં મુખ્ય ઉત્પાદન કરનારા દેશોમાં તુર્કી અને સીરિયાનો પણ સમાવેશ થાય છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સીરિયા અને તૂર્કીમાં પ્રવર્તતી રહેલા સંકટને પગલે ત્યાં જીરાના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે, જેને પગલે ગુજરાતનાં જીરાની માગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી છે.

ગુજરાતના મહેસાણામાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

સીરિયાનાં છ સ્થળ યુનોસ્કોની હેરિટેજ સાઇટ

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં સીરિયાનાં છ સ્થળો સામેલ છે.

તેમાં અલેપ્પો, બોસરા, દમાસ્કસ, ઉત્તરી સીરિયા અને પેલીમ્રા તથા ક્રેક દેસ શેવેલિયર્સ અને કલાત સલાહ એલ-દીનના સ્થળોનો સમાવેશ થાય છે.

એલેપ્પોનો ગઢ, બોસરાનું પ્રાચિન ઓપન થિયેટર, દમાસ્કસનું પ્રાચિન આર્કિટેક્ચર અને ઉત્તર સીરિયાના સુંદર પ્રાચીન ગામ ઉપરાંત પેલીમ્રામાં આવેલા બેનમૂન માળખાં યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સામેલ છે.

દમાસ્કસમાં આવેલી ઉમય્યાદ મસ્જિદ વિશ્વની સૌથી પ્રાચિન મસ્જિદોમાંની એક છે.

અલેપ્પોનો ગઢ(કિલ્લો) વિશ્વના સૌથી પ્રાચિન અને વિશાળ કિલ્લાઓની યાદીમાં સ્થાન ધરાવે છે.

મધ્ય યુગમાં સીરિયાની રાજધાની દમાસ્કસ એશિયામાંથી ઉદભવતા સિલ્ક રોડનું મહત્ત્વનું કેન્દ્ર હતું.

તેને દમાસ્ક નામના ઊનના દોરાના નામ પરથી દમાસ્કસ નામ આપવામાં આવ્યું હતું.

સીરિયા પર રોમન, મોગોલ્સ અને ક્રુસેડર્સ તથા ટર્ક્સ ભૂતકાળમાં રાજ કરી ચૂક્યા છે.

અહીં મોટા ભાગની વસતી મુસ્લિમ છે. જેમાં કુર્દ, ક્રિસ્ચિયન અને આરબના સુન્નીનો પણ સમાવેશ થાય છે.

1946માં આધુનિક સીરિયાએ ફ્રાન્સથી આઝાદી મેળવી હતી. પરંતુ વિવિધ રાજકીય જૂથોના હિતોના આંતરિક ટકરાવોને કારણે ત્યાં શરૂઆતથી જ રાજકીય અસ્થિરતા રહેતી આવી છે.

સીરિયામાં 21.1 મિલિયનની વસતી છે અને મુખ્યત્વે અરેબિક ભાષા બોલવામાં આવે છે.

જ્યારે ધર્મની બાબતે અહીં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મને અનુસરતા લોકો રહે છે.

સીરિયામાં કોની સત્તા છે?

2000થી અહીં બશર-અલ-અસદની સત્તા છે. તેમને તેમના પિતા તરફથી આ સત્તા આપવામાં આવી હતી. આ પૂર્વે તેમના પિતા શાસન કરતા હતા.

પણ સીરિયામાં તેમા શાસન સામે વિરોધને પગલે દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ભારત અને સીરિયા વચ્ચેના સંબંધોની વાત કરીએ તો બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધો હંમેશાં સારા રહ્યા છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા 2017માં જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ ભારતે છેલ્લાં દશ વર્ષોમાં સીરિયાને 100 મિલિયન ડોલર્સથી વધુની સહાય કરી છે.

સીરિયા મામલે ભારતનું વલણ

વળી ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ મામલે પણ સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યા છે.

અત્રે નોંધવું રહ્યું કે સીરિયા અને ઇઝરાયલ વચ્ચે ગોલન હાઇટ્સ નામના પ્રદેશને લઈને ભૂતકાળમાં યુદ્ધ થયુ હતું.

જેમાં સીરિયા ઇઝરાયલ પાસેથી ગોલ્ડન હાઇટ્સ પરત મેળવવામાં સફળ રહ્યું હતું. આ મામલે પણ ભારતનું સીરિયાને સમર્થન હતું.

ભારત સરકાર અનુસાર 2008માં બશર-અલ-અસદે ભારતની મુલાકાત લીધી હતી.

મુલાકાત વેળા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સાથેની સંયુક્ત પરિષદમાં તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, "સીરિયાને પુનઃ ઊભું કરવા માટે ભારતની સક્રિય ભૂમિકાને તેમની સરકાર આવકારશે."

જ્યારે ભારત તરફથી 2016માં તત્કાલીન વિદેશમંત્રી એમ. જે. અકબરે સીરિયાની મુલાકાત લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો