જાપાનમાં બનશે 36 હજાર કરોડના ખર્ચે લાકડાંની બિલ્ડિંગ, કેવી હશે ખાસિયતો?

ઇમેજ સ્રોત, SUMITOMO FORESTRY
જાપાનની એક કંપની 2041માં પોતાની 350મી વર્ષગાંઠ પૂરી થવાના મોકા પર દુનિયાની સૌથી ઊંચી લાકડાની ઇમારત બનાવવાની તૈયારી કરી રહી છે.
70 માળના 'ડબ્લ્યૂ 350' ટાવરનો 10 ટકા હિસ્સો સ્ટીલથી બનાવવામાં આવશે અને તેમાં 1 લાખ 80 હજાર ઘન મીટર સ્થાનિક લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે આ ગગનચૂંબી ઇમારતમાં 8000 જેટલાં ઘર હશે અને દરેક માળની બાલ્કનીમાં વનસ્પતિ ઉગાડવામાં આવશે.
તેમનું કહેવું છે કે ટોક્યોમાં વારંવાર આવતા ભૂકંપ સામે ઝીંક ઝીલે તેવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. તેમાં લાકડાં અને સ્ટીલના સ્તંભો વાળું 'બ્રેસ્ડ ટ્યૂબ સ્ટ્રક્ચર' હશે.

ગગનચુંબી ઇમારત પાછળ કેટલો ખર્ચ?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રોજેક્ટ પાછળ 600 બિલિયન યેન(જાપાની ચલણ) એટલે કે અંદાજે 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રકારની સામાન્ય બિલ્ડિંગ કરતાં આનો ખર્ચ બે ગણો હશે.
જોકે, કંપનીનું કહેવું છે કે તેમને આશા છે કે 2041 સુધી ટેક્નોલોજીમાં પ્રગતિ થવાના કારણે તેમના ખર્ચમાં ઘટાડો થશે.

શું આ નવો કૉન્સેપ્ટ છે?
જાપાને 2010માં એક કાયદો બનાવ્યો હતો જેના અંતર્ગત કન્સ્ટ્રક્શન કંપનીઓ જો ત્રણ માળથી ઊંચી બિલ્ડિંગ બનાવે તો તેમણે ફરજીયાત લાકડાંનો ઉપયોગ કરવો પડે છે.
વિશ્વ માટે પણ આ નવી વાત નથી કારણ કે ઘણી જગ્યાઓ પર લાકડાંની ગગનચુંબી ઇમારતો બનાવવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિનીપલીસમાં લાકડાંની 18 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જેમાં ઘણી ઑફિસો કાર્યરત છે. એવી જ રીતે વેનકુંવરમાં 53 મીટર ઊંચા સ્ટૂડન્ટ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ પણ લાકડાંથી બનેલી ઊંચી ઇમારત છે.

પર્યાવરણ માટે કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંક્રિટ અને સ્ટીલની બિલ્ડિંગ્સના કાર્બન ફુટપ્રિન્ટ રહી જાય છે. માનવામાં આવે છે આવી બિલ્ડિંગ્સથી ક્રમશઃ 8 ટકા અને 5 ટકા જેટલું કાર્બન ઉત્સર્જન થાય છે.
બીજી તરફ લાકડામાં કાર્બન સ્ટોર થાય છે. લાકડું વાતાવરણમાં કાર્બન છોડતું નથી.
જાપાનમાં ઘણાં જંગલો છે અને તે દેશના બે તૃતીયાંશ હિસ્સામાં ફેલાયેલાં છે.

કયા પડકારો હશે?
લાકડાંની ઇમારતને અગ્નિ પ્રતિરોધક બનાવવી એ સૌથી મોટો પડકાર હશે.
આજકાલ ક્રૉસ લેમિનેટેડ ટિંબરનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. આ લાકડું સ્ટીલની જેમ આગ પ્રતિરોધક હોય છે અને ઊંચા તાપમાનમાં પણ સ્થિર રહે છે.
લાકડાંની ઊંચી બિલ્ડિંગ બનાવવાનું કામ ખૂબ જ ખર્ચાળ છે એટલે તમને તમારી આસપાસ ભાગ્યે જ આવી કોઈ બિલ્ડિંગ જોવા મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












