You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'26 જાન્યુઆરીના કાર્યક્રમમાં ગયા તો ગોળી મારી દઈશું'
ભારત પ્રશાસિત કાશ્મીરમાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં શાળાના આચાર્ય અને વિદ્યાર્થીનીઓને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ન જવા માટે ધમકી આપવામાં આવી છે.
આ મામલો પુલવામાની ગવર્નમેન્ટ ગર્લ્સ હાયર-સેકેન્ડરી સ્કૂલનો છે.
શાળાના આચાર્ય ગુલામ મોહીઉદ્દીન શેખે વીડિયોની પુષ્ટિ કરતા જણાવ્યું કે બુધવારની સવારે એમના નિવાસ્થાને બે લોકો આવ્યા હતા અને તેમને માફી માગવા માટે કહેવામાં આવ્યું હતું.
બંન્ને કથિત બંદૂકધારીઓ વિદ્યાર્થીનીઓને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મોકલવા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
રજા પર ગયા આચાર્ય
શેખ અનુસાર, "આ ઘટના સવારે સાત વાગ્યે બની હતી." તેમના ઘરે હથિયારો સાથે બે યુવાનો આવ્યા થયા હતા.
તેમણે શેખને કહ્યું હતું કે તેઓ 26 જાન્યુઆરીની પરેડ માટે છોકરીઓને તૈયાર કરી રહ્યા છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ.
શેખે આ બંદૂકધારી યુવાનોને કહ્યું કે તેઓ સરકારી કર્મચારી છે અને સરકારી આદેશનું પાલન કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
પરંતુ તે બંન્ને યુવકો શેખની ઉપરોક્ત વાત સાથે સહમત ન હતા અને ફરીથી તેમણે શેખને કહ્યું કે તેમણે આવું ન કરવું જોઈએ.
ઉપરોક્ત થયેલી ઘટના પછી જ્યારે શેખને પૂછવામાં આવ્યું કે તેમણે હવે શું નક્કી કર્યું છે?
તો શેખે જવાબ આપ્યો, "મેં હાલમાં કોઈ નિર્ણય નથી લીધો પરંતુ મેં સ્કૂલમાં 2 દિવસની રજા લીધી છે."
પુલવામાની આ ગર્લ્સ સ્કૂલમાં 1,000થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે.
ગોળી મારી દેશું, ઘર સળગાવી દેશું
દક્ષિણ કાશ્મીરને ઉગ્રવાદીઓના ગઢ તરીકે ઓળખવામાં આવે છે.
ગત વર્ષે આ વિસ્તારમાં ઉગ્રવાદીઓના મોટા ગજાના નેતાઓને મારી નાખવામાં આવ્યા હતા.
વાઇરલ થયેલા આ વીડિયોમાં બંને બંદૂકધારીઓ કાશ્મીરી ભાષા બોલતા દેખાય છે.
તેઓ શેખને ચેતવી રહ્યા છે, "જો તેમની (શેખ જે શાળામાં પ્રિન્સિપાલ છે) શાળાની કોઈપણ છોકરી 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં ભાગ લેશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે અને તેમનું ઘર સળગાવી દેવામાં આવશે."
ત્યારબાદ બંન્ને કથિત બંદૂકધારીઓ પ્રિન્સિપાલ શેખને કહે છે, "તેઓ જનતાની માફી માગે અને વિદ્યાથીનીઓ નિર્દેશ આપે કે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ ન લે."
કાશ્મીર બંધનું એલાન
વીડિયોમાં શેખને એવું પણ પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ માત્ર 40,000 રૂપિયા માટે શું કામ આવું કરી રહ્યા છે?
પોલીસે આ મામલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરી દીધી છે.
પુલવામાના પોલીસ અધિક્ષક ચૌધરી અસલમે કહ્યું, "વીડિયોમાં દેખાતા લોકો ઉગ્રવાદી હોઈ શકે છે."
જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ ગણતંત્ર દિવસના અવસરે કાશ્મીર-બંધનું એલાન આપ્યું છે.
સાથે સાથે ઉગ્રવાદીઓએ કાશ્મીરમાં 26 જાન્યુઆરીને 'કાળા દિવસ' તરીકે મનાવવાનું આવાહન કર્યું છે.
કડક સુરક્ષાના પ્રબંધો
ચરમપંથીઓએ 26 જાન્યુઆરીના દિવસે શુક્રવારની નમાઝ બાદ લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા અપીલ કરી છે.
26 જાન્યુઆરીના દિવસે ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષાના કડક પ્રબંધો કરવામાં આવ્યા છે.
શહેરની અંદર-બહાર જતા દરેક મુખ્ય મથક પર નાકાબંધી કરવામાં આવી છે અને આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો