હૂતીઓએ છોડેલી મિસાઇલને સાઉદી સુરક્ષાબળોએ તોડી પાડી

ઇમેજ સ્રોત, AFP
સાઉદી અરેબિયામાં રિયાધ એરપોર્ટ પાસે જોરદાર ધડાકો સંભળાયો છે. સાઉદી અરેબિયાનો દાવો છે કે તેણે યમનમાંથી છોડવામાં આવેલી મિસાઇલ તોડી પાડી છે.
સાઉદી અરેબિયાના પ્રસારણકર્તા અલ-અરેબિયાએ રાષ્ટ્રના વાયુદળને ટાંકતા જણાવ્યું હતું કે મિસાઇલને દેશની રાજધાનીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં તોડી પડાઈ હતી.
યમનમાં હૂતી બળવાખોરો સાથે સંબંધ ધરાવતી એક ચેનલે દાવો કર્યો હતો કે રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટાર્ગેટ કરીને આ મિસાઇલ છોડવામાં આવી હતી.
અગાઉ પણ સાઉદી અરેબિયાના સુરક્ષાબળોએ હૂતીઓ દ્વારા છોડવામાં આવેલી મિસાઇલ્સ તોડી પાડી હોવાના દાવા કર્યા હતા, પરંતુ કોઈ મિસાઇલ ગીચ વસ્તી સુધી પહોંચી ન હતી.
સરકારી ન્યૂઝ ચેનલ અલ-અખબરિયાના અહેવાલ પ્રમાણે, મિસાઇલ 'નાના આકાર'ની હતી તથા તેનાથી કોઈ નુકશાન નથી થયું.

હિંસાગ્રસ્ત યમન

ઇમેજ સ્રોત, Getty Images
યમનમાં રાષ્ટ્રપતિ અબ્દરાબ્બુહ મંસૂર હાદીની સરકાર તથા હૂતી બળવાખોરો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
સાઉદી અરેબિયાએ પાડોશી રાષ્ટ્ર યમનમાં હૂતી વિદ્રોહીઓને હરાવવા માટે રચવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ગઠબંધનનું નેતૃત્વ લીધું છે. વર્ષ 2015થી સાઉદી અરેબિયા હૂતીઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે.
આ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મધ્યસ્થતામાં વાટાઘાટો થઈ હતી, પરંતુ તેનાથી યમનમાં લોહિયાળ સંઘર્ષ અટક્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઉદી અરેબિયાએ હાથ ધરેલી કાર્યવાહીને કારણે અત્યાર સુધી 8600થી વધુ લોકોનાં મૃત્યું થયાં છે. ઉપરાંત 50 હજારથી વધુ લોકો ઘાયલ થયાં છે.
આ લોહિયાળ સંઘર્ષને કારણે લગભગ બે કરોડથી વધુ લોકો પર સંકટ તોળાઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












