પેશાવરમાં પેટાચૂંટણીથી દુનિયામાં ચિંતા કેમ?

હાફિઝ સઈદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શુમૈલા જાફરી
    • પદ, પેશાવર, પાકિસ્તાન

પેશાવરમાં પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં ભારતવિરોધી આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતા એક નવા રાજકીય પક્ષની હાજરીને કારણે પાકિસ્તાનમાં અને વિદેશમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

આતંકવાદી જૂથોના સફાયા માટે પૂરતી કાર્યવાહી ન કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનની ટીકા કરી છે. આ પરિસ્થિતિમાં નવા પક્ષને કરાણે પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનોને મુખ્યધારામાં ભેળવવા સંબંધી ચર્ચા શરૂ થઈ છે.

ઓગસ્ટ, 2017માં પાકિસ્તાનમાં એક નવા રાજકીય પક્ષની રચના કરવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

એ જ સમયગાળા દરમ્યાન અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે તેની અફઘાન નીતિની જાહેરાત કરી હતી.

એ ઉપરાંત ઉગ્રવાદી જૂથો પર વધારે સખ્તાઈથી તૂટી પડવા પાકિસ્તાનને જણાવ્યું હતું.

મિલ્લિ મુસ્લિમ લીગ(એમએમએલ)એ સ્પષ્ટતા કરી હતી કે હાફિઝ સઈદ રાજકારણમાં ભાગ નહીં લે, પણ પક્ષ હાફિઝ સઈદના દૃષ્ટિકોણ અને જમાત ઉદ દાવા(જેયુડી)ની વિચારધારાને વળગી રહેશે.

હાફિઝ સઈદ પર 2008ના મુંબઈ પરના હુમલાનો મુખ્ય કાવતરાખોર હોવાનો ભારતનો આરોપ છે.

હાફિઝ સઈદને પકડવા માટે એક કરોડ ડોલરનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

પક્ષની રચના કરવામાં આવી રહી હતી ત્યારે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપસર ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

તેમણે નેશનલ એસેમ્બ્લીમાંની તેમની લાહોર બેઠક ખાલી કરવી પડી હતી.

એ સાથે નવરચિત એમએમએલે તેના અસ્તિત્વના થોડા સપ્તાહમાં જ પ્રચારની તક ઝડપી લીધી હતી.

line

બે પક્ષ વચ્ચે ખરી ટક્કર

ઈમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ખરી લડાઈ પાકિસ્તાનના બે મોટા રાજકીય પક્ષ - નવાઝ શરીફની મુસ્લિમ લીગ અને ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ વચ્ચે લડાવાની છે.

આ હકીકત જાણતા હોવા છતાં એમએમએલે આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરી છે.

નવાઝ શરીફને ગઢમાં તેમની સામે લડવાનો વિચાર એમએમએલ માટે એકદમ લલચામણો છે.

તેથી એમએમએલે રાજકીય પક્ષ તરીકે રજિસ્ટ્રેશન કરાવવા જોરદાર મહેનત કરે છે.

લાહોરવાસી હોવાને કારણે હાફિઝ સઈદ કે તેમના જેયુડીને હું બરાબર જાણું છું.

તાજેતરનાં વર્ષોમાં તેમનું અસ્તિત્વ શહેરના જીવનનો હિસ્સો બની ગયું છે.

સજ્જડ સલામતી ધરાવતી તેમની મસ્જિદ-એ-કદ્દાસિયા લાહોરના કેન્દ્રમાં ઐતિહાસિક મોગલ સ્મારક ચૌબુરજીની નજીક આવેલી છે.

જાન્યુઆરીમાં અટકાયતમાં લેવામાં આવ્યા પહેલાં હાફિઝ સઈદ આ મસ્જિદમાંથી જ દર શુક્રવારે ધાર્મિક પ્રવચન આપતા હતા અને પ્રસંગોપાત રેલીઓને સંબોધતા હતા.

line

એમએમએલની આશ્ચર્યજનક ઝુંબેશ

નવાઝ શરીફ

ઇમેજ સ્રોત, Getty Images

એમએમએલ વિશે માહિતી મેળવવા માટે થોડા સપ્તાહ પહેલાં હું લાહોર ગઈ હતી.

એ વખતે એમએમએલનું કદ અને તેમની વ્યવસ્થિત ઝુંબેશ નિહાળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

તેઓ મુખ્ય ધારામાંના તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓને બરાબર ટક્કર આપતા હતા.

રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવાની એમએમએલની અરજી બાબતે દેશના ચૂંટણી પંચે ત્યારે કોઈ નિર્ણય કર્યો ન હતો.

રાજકારણમાં ભાગ લેવા માટે તમામ રાજકીય પક્ષોએ કાયદા અનુસાર ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.

જોકે, આ કિસ્સામાં રજિસ્ટ્રેશન ન થયું હોવા છતાં એમએમએલને 'પરોક્ષ રીતે' ચૂંટણી લડતાં અટકાવી શકાઈ નથી.

તેમના ઉમેદવારો સંસદીય બેઠકની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે એમએમએલના સત્તાવાર ટેકા સાથે લડ્યા હતા.

line

આંતરરાષ્ટ્રીય મીડિયા ઉત્સુક

સલમાન તાસીર

ઇમેજ સ્રોત, Getty Images

ગયા મહિને યોજાયેલી લાહોરની પેટાચૂંટણી પરત્વે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચાવાનું એકમાત્ર કારણ એમએમએલની ઉડીને આંખે વળગે તેવી હાજરી જ ન હતી.

ધર્મનિંદાવિરોધી પક્ષ તેહરિક-એ-લબૈક પાકિસ્તાન(ટીએલપી)ના ઉમેદવાર બાબતે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

ટીએલપી ભૂતપૂર્વ ગવર્નર સલમાન તાસીરની હત્યાના આરોપીને ટેકો આપે છે.

line

પાકિસ્તાનમાં જોરદાર ચર્ચા

લશ્કરનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

લાહોરની પેટાચૂંટણીએ પાકિસ્તાનમાં જોરદાર ચર્ચા છેડી છે.

એમએમએલ અને ટીએલપીને કેટલાક જમણેરી ઉગ્રવાદી સંગઠનોને મુખ્યધારામાં લાવવાનો પાકિસ્તાનના શક્તિશાળી લશ્કરી તંત્રનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે.

લશ્કરના નિવૃત્ત જનરલ અમજદ શોએબ આ ચર્ચાના કેન્દ્રમાં છે.

તેઓ કહે છે કે ઉગ્રવાદીઓને મુખ્યધારામાં લાવવાની લશ્કરી તંત્રની એક દરખાસ્તની તેમને ખબર છે.

ગયા વર્ષે એપ્રિલમાં યોજાયેલી નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટીની એક બેઠકમાં એ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

અમજદ શોએબે બીબીસીને જણાવ્યું હતું કે પ્રતિબંધિત જૂથોના સભ્યો હોય, પણ કોઈ ગુનો ન આચર્યો હોય તેવા હજ્જારો સાથે કામ પાર પાડવા સંબંધી દરખાસ્તો અને સૂચનો રજૂ કરવા લશ્કરી તંત્રે સરકારને જણાવ્યું છે.

અમજદ શોએબના જણાવ્યા મુજબ, એ પૈકીનું એક સૂચન ઉગ્રવાદી જૂથોના રાજકીય મુખ્યધારામાં લાવવાનું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ''આ મુદ્દે ચર્ચા કરવાની અને અન્ય નિરાકરણ રજૂ કરવાની જવાબદારી સરકારની છે, પણ સરકારે એવું કર્યું નથી.''

line

પેટાચૂંટણીના પરિણામથી રાજકીય પંડિતોને આઘાત

નવાઝ શરીફ

ઇમેજ સ્રોત, Getty Images

લાહોરની પેટાચૂંટણીના પરિણામથી રાજકીય પંડિતોને આઘાત લાગ્યો હતો.

એમએમએલ અને ટીએલપીએ કુલ મતદાન પૈકીના દસ ટકા મત મેળવ્યા હતા.

નવા પક્ષોને મતદારો તરફથી આટલું સમર્થન મળવાની અપેક્ષા ન હતી.

વિશ્લેષકો કહે છે કે ઉગ્રવાદી જૂથોની શક્તિ અને તેમને મળતા ટેકામાં વધારો થઈ રહ્યાનો આ સંકેત છે.

રાજકીય ક્ષેત્રે પ્રવેશથી ઉગ્રવાદી જૂથોની તાકાત વધવાનો વિશ્લેષકોને ભય છે.

line

લશ્કરે નકાર્યો આક્ષેપ

જોકે, પાકિસ્તાની સૈન્ય આવા પક્ષોને પ્રોત્સાહન આપી રહ્યું હોવાના આક્ષેપને એક લશ્કરી પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં નકારી કાઢ્યો હતો.

મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે ''એ સરકારનો વિશેષાધિકાર છે. નિર્ણય સરકારે કરવાનો છે.

કાયદા અનુસાર દરેક નાગરિકને રાજકીય પ્રવૃત્તિમાં જોડાવાનો અધિકાર છે.''

પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે કાશ્મીરની રાજકીય ચળવળ સ્વયંભૂ છે.

બિન-સરકારી લોકો તેને પોતાની ગણાવવાનો પ્રયાસ કરશે તો તેનો હેતુ માર્યો જશે.

તેમણે ઉમેર્યું હતું કે હિંસાના ઉપયોગનો વિશેષાધિકાર માત્ર સરકારનો છે.

રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવાની એમએમએલની દરખાસ્તને ચૂંટણી પંચે થોડા દિવસ પછી ફગાવી દીધી હતી.

line

પેશાવરની પેટાચૂંટણી

સૈનિકોનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

તેમ છતાં એમએમએલે પેશાવરની પેટાચૂંટણી માટે અન્ય 'અપક્ષ' ઉમેદવારને ટેકો આપ્યો છે.

હાજી લિયાકત અલી સ્થાનિક બિઝનેસમેન છે.

પોતાને એમએમએલનો ટેકો હોવાની વાત તેઓ છૂપાવતા નથી.

તેમણે બીબીસીને કહ્યું હતું કે ''એમએમએલ ચૂંટણી પંચના નિર્ણયને કોર્ટમાં પડકારશે.

સુપ્રીમ કોર્ટ એમએમએલની તરફેણમાં ચુકાદો આપશે એવી મને આશા છે.''

line

વિશ્લેષકોને શંકા

હાફિઝ સઈદ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, વિશ્લેષક આમિર રાણાને શંકા છે.

તેઓ માને છે કે હાફિઝ સઈદની વિચારધારાને અનુસરતા રાજકીય પક્ષને પાકિસ્તાનમાં સત્તાવાર માન્યતા મળે એવું કોર્ટ થવા નહીં દે.

આમિર રાણાએ ઉમેર્યું હતું કે કોર્ટનો નિર્ણય ભલે ગમે તે હોય, એમએમએલને રાજકારણથી દૂર કરી નહીં શકાય.

તેમણે કહ્યું હતું કે ''અમે સરકારને પૂછેલું કે ઉગ્રવાદી જૂથો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતાં તમને કોણ રોકે છે?

એ સવાલનો જવાબ અમે ક્યારેય મળ્યો નથી.

કોઈ નીતિ જ નથી એ સમસ્યા છે.''

line

કોઈ દરખાસ્ત નથી?

જે રીતે ચર્ચા ચાલી છે તેની પણ આમિર રાણાએ ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે ''એક જૂથ આ બાબતને એકત્રીકરણનો મોટો પ્રયાસ ગણાવી રહ્યું છે, જે ખોટું છે.''

તેમણે ઉમેર્યું હતું કે ''લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા રાજકારણમાં ટકવાનો સંઘર્ષ કરી રહ્યાં છે. એ માત્ર તેમના માટે છે.

ઉગ્રવાદી જૂથોને મુખ્યધારામાં લાવવાની દરખાસ્ત બાબતે ક્યારેય વિચારણા થઈ નથી.''

line

નિરાકરણ શું છે?

જોકે, અમજદ શોએબ ભારપૂર્વક જણાવે છે કે આ જૂથો વર્તમાન સ્વરૂપમાં જે કંઈ કરે છે એ ચાલુ રહેશે તો પણ કોઈ ઉકેલ નહીં મળે.

તેમણે કહ્યું હતું કે ''દેશને બીજી કોઈ દરખાસ્ત વધારે યોગ્ય લાગતી હોય તો એ આવકાર્ય છે, પણ તેમને વર્તમાન સ્વરૂપમાં રહેવા દેવા એ યોગ્ય નથી.''

પાકિસ્તાને આકરી કસોટીનો ઉકેલ શોધવાનો છે. ઉગ્રવાદીઓને મુખ્યધારામાં લાવવાથી તેઓ વધુ શક્તિશાળી બનશે અને તેઓ દેશને હિંસાના માર્ગે વધુ આગળ લઈ જશે.

તેમના સફાયાના પ્રયાસ કે તેમની સદંતર અવગણનાથી દેશમાં વધારે મુશ્કેલી સર્જાઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો