You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમારના શરણાર્થીઓને બાંગ્લાદેશના હિંદુઓએ આશરો આપ્યો
સાંજ થવામાં છે અને બાંગ્લાદેશ-મ્યાનમારની સરહદે વસેલા એક ગામમાં લોકો રાંધવાની હાંડી પર નજર તાકીને બેઠા છે.
બાળકોના ચહેરા પર ઉત્સાહ વધારે છે, કારણ કે તેમને સૌથી પહેલાં જમવાનું મળવાનું છે. બાજુમાં એક હેન્ડ પમ્પ લગાવવામાં આવ્યો છે, જેમાંથી પાણી ભરવા માટે અનેક લોકો કતારમાં ઊભા છે.
પણ એ કતારથી થોડે દૂર એક ગર્ભવતી યુવતી ચૂપચાપ બેઠી છે.
અનીતાની ઉંમર માત્ર 15 વર્ષની છે, પણ તેણે આટલી નાની વયમાં આખી જિંદગી જીવી લીધી હોય એવું લાગે છે.
તમને આ પણ વાંચવું ગમશે
વાત કરતી વખતે તેની પીડા હ્રદયના ઊંડાણમાંથી નિકળીને બહાર આવે છે.
અનીતા રૂંધાયેલા અવાજે કહે છે, ''કાળી બુકાની પહેરીને કેટલાક લોકો આવ્યા હતા. તેમણે લૂંટફાટ કરી હતી અને મારા પતિને ઉઠાવી ગયા હતા. તેમને મૃતદેહ બીજા દિવસે બાજુના જંગલમાંથી મળી આવ્યો હતો. તેમનું માથું ધડથી અલગ હતું અને હાથ ન હતા."
આગળ બોલતા તે કહે છે કે મારા ગર્ભમાં વિકસતા બાળકનો વિચાર કર્યા વિના હું ત્યાંથી નાસી છૂટી હતી. ત્રણ દિવસ સુધી ભૂખ્યા પેટે ગાઢ જંગલમાંથી પંથ કાપીને અહીં પહોંચી શક્યા છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંદાજે સાડા ચાર લાખ રોહિંગ્યા મુસલમાનોની માફક હિંદુઓ પણ આ રીતે દોઢ મહિના પહેલાં ભાગીને બાંગ્લાદેશ આવ્યા છે.
રખાઈન પ્રાંતના રોહિંગ્યા મુસલમાનોની માફક લઘુમતી હિંદુઓ પાસે પણ નાગરિકત્વ નથી.
દોઢેક મહિના પહેલાં મ્યાનમારથી ભાગીને આવેલા 500 હિંદુઓ પૈકીના લગભગ બધાનું કહેવું છે કે તેઓ કોમી હિંસાના શિકાર બન્યા એટલે નાસી છૂટ્યા હતા.
એ શરણાર્થીઓમાં શોભા રુદ્રનો પણ સમાવેશ થાય છે. પોતાની સાથે પોતાનો પરિવાર પણ જીવતા ભાગી નિકળવામાં સફળ થયો એ વાતનો જ શોભાને સંતોષ છે.
શોભા કહે છે, ''હર્યોભર્યો પરિવાર હતો અમારો. એક સાંજે મારા કાકાના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગોળી મારવામાં આવી હતી."
તે કહે છે, "મારી પિતરાઇ બહેનની બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી હતી. અમારે ભાગવું પડ્યું હતું અને આ બધું એટલું પીડાદાયક છે કે અમે પાછા ક્યારેય નહીં જઈએ. અમે અહીં શાંતિથી રહીએ છીએ. અમને કોઇ અહીંથી ભગાડતું નથી.''
બીજી તરફ મુસ્લિમ રોહિંગ્યાનું કહેવું છે કે મ્યાનમાર સરકારે તેમનો સફાયો કર્યો છે. તેમના અનેક લોકોને મારી નાખવામાં આવ્યા છે.
મુસ્લિમ રોહિંગ્યા લોકોના આક્ષેપને નકારતા મ્યાનમાર સરકાર કહે છે કે તેમણે મુસ્લિમ ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરી છે. મુસ્લિમ ઉગ્રવાદીઓએ હિંદુ રોહિંગ્યાને નિશાન બનાવી કેટલાક લોકોની હત્યાઓ કરી છે.
પરંતુ હિંદુ રોહિંગ્યા પર હુમલો કરનાર હુમલાખોરોને આ લોકો ઓળખી શક્યા ન હતા.
વાસ્તવમાં સરહદે આવેલા આ ગામમાં 25 હિંદુ પરિવારો રહે છે, જેમણે આ લોકોને આશ્રય આપ્યો છે.
જોકે, સ્થાનિક લઘુમતી હિંદુઓ સાધનસંપન્ન જણાતા નથી, પણ તેમણે અન્ય સંસ્થાઓની મદદ વડે ગામના એક મરઘાં ઉછેર કેન્દ્રમાં મોટી છાવણી બનાવી છે.
સવાર-સાંજ ત્યાં ભોજન બનાવવામાં આવે છે અને સૌને આપવામાં આવે છે. છાવણીની ચારે તરફ આવેલાં ઘરોમાં મહિલાઓ તથા બાળકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ગામમાં જન્મેલા બાબુલના પરિવારમાં ચાર લોકો છે. બાબુલે પણ પાંચ શરણાર્થીઓને પોતાના ઘરમાં જગ્યા આપી છે.
બાબુલે કહ્યું હતું, ''આ લોકો બેઘર છે અને તેમને મદદની જરૂર છે એ અમે જોયું હતું. મારી માલિકીની કોઇ જમીન નથી કે એ હું તેમને ઘર બનાવવા આપી શકું. એટલે મેં તેમને મારા ઘરમાં શરણ આપ્યું છે.''
ભાગીને આવેલા શરણાર્થીઓ પૈકીના લગભગ બધાને અહીં પહોંચવામાં દિવસો લાગ્યા હતા.
પોતાની જન્મભૂમિ છોડવાની સાથે તેમણે તેમના પોતાના લોકોને ગૂમાવ્યા છે, પણ હવે પારકા દેશમાં તેમને કમસેકમ તેમના જેવા લોકોનો સહારો મળી ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો