માનવ શરીરની આરપાર જોઈ શકાય એવો કેમેરો હવે બજારમાં

ઇમેજ સ્રોત, Getty Images
હાલ તમારા શરીરમાં અંગોની સ્થિતિ જાણવા માટે એક્સ-રે અને સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે. પરંતુ હવે શરીરનાં અંગોની આરપાર જોઇ શકાય તેવો કેમેરા વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો છે.
શરીરનાં આંતરીક અંગોની ચકાસણી કરવા માટે ડૉક્ટર્સ એન્ડોસ્કોપ્સ તરીકે જાણીતા સાધનોનો ઉપયોગ કરે છે. આ સાધનોનું શરીરમાં સ્થાન જોવા માટે ડૉક્ટર્સ વિવિધ પ્રકારનાં મોંઘા સ્કેન અને એક્સ-રે જેવી સુવિધાઓનો ઉપયોગ કરે છે. આ નવો કેમેરા ડૉક્ટર્સને એન્ડોસ્કોપી દરમિયાન એમના સાધનો ચોક્કસપણે શરીરમાં ક્યાં છે, તે જાણવામાં મદદરૂપ બનશે.
કેવી રીતે કામ કરે છે આ કેમેરા?
આ નવો કેમેરા એન્ડોસ્કોપ્સનાં છેડે રહેલી લાંબી ટ્યુબમાં લગાવેલા લેમ્પમાંથી શરીરનાં આંતરિક અંગોમાં પહોંચતા પ્રકાશનાં કણોને શોધી લે છે.
યુનિવર્સિટી ઑફ એડિબરાના પ્રોફેસર કેવ ઢાલીવાલ કહે છે, “આ કેમરાનો ઉપયોગ એક કરતાં વધુ રીતે, જુદાં જુદાં પ્રકારે કરી શકાય તેવી પુષ્કળ સંભાવનાઓ છે. જે રીતે વિવિધ રોગોની સારવારમાં ઓપરેશન વખતે અત્યંત ઓછી વાઢકાપ (મિનિમલ ઇન્વેસિવ) કરવાની પદ્ધતીનું ચલણ વધી રહ્યું છે, ત્યારે કોઇપણ સાધનનું શરીરમાં ચોક્કસ સ્થાન ક્યાં છે, તે જાણવાનું ખૂબ જ મહત્વનું છે.”
શરીરની માંસપેશીઓ અને અંગોમાં કામગીરી
આ કેમેરાના પ્રોટોટાઈપના પ્રારંભિક પરીક્ષણો દ્વારા એ સ્થાપિત થઇ ગયું છે કે સામાન્ય સ્થિતિમાં તે માંસપેશીઓની અંદર ૨૦ સેન્ટિમીટર સુધી પહોંચતા પ્રકાશને પણ શોધી શકે છે. માંસપેશીઓમાં આ પ્રકાશ એન્ડોસ્કોપનાં છેડે આવેલા લેમ્પમાંથી ફેલાતો હોય છે.
એન્ડોસ્કોપ્સમાંથી નીકળતા પ્રકાશનાં કિરણો શરીરમાંથી પસાર થાય છે ત્યારે છુટાં પડીને ફેલાઇ જાય છે. આ કિરણો શરીરમાંથી પસાર થાય ત્યારે માંસપેશીઓ અને અંગોમાંથી સીધા પસાર થઈ જવાને બદલે તેમની આસપાસથી આગળ વધી જાય છે. આથી કોઇપણ સાધનનું એ અંગ કે પેશીમાં ચોક્કસ સ્થાન ક્યાં છે, તેનું સ્પષ્ટ ચિત્ર જોવા નથી મળતું.

ઇમેજ સ્રોત, Getty Images
આ કેમેરા ફોટોન્સ તરીકે ઓળખાતાં છુટાં-છવાયાં રેલાતા પ્રકાશકણોને શોધી શકે છે. એ એટલું સંવેદનશીલ છે કે, માંસપેશીઓમાંથી પસાર થતાં નાનામાં નાના પ્રકાશકણોનું પગેરું પણ તે શોધી લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત આ કેમેરા પ્રકાશને શરીરમાંથી પસાર થવામાં કેટલો સમય લાગ્યો તે પણ માપી શકે છે. આથી તેની મદદથી એન્ડોસ્કોપ શરીરમાં ચોક્કસ કયા સ્થાને છે, તે પણ જાણી શકાય છે.
સંશોધકોએ આ નવા કેમેરાની શોધ એટલે કરી છે જેથી તેનો ઉપયોગ દર્દીના પલંગની બાજુએ લગાડીને થઇ શકે.
આ પ્રોજેક્ટમાં યુનિવર્સિટી ઑફ એડિનબરા અને હેરિઓટ-વૉટ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ફેફસાંનાં રોગોનાં નિદાન અને સારવાર માટે નવી ટેક્નોલોજી વિકસાવવા માટેનાં પ્રોટીયસ ઇન્ટરડિસિપ્લિનરિ રિસર્ચ કોલૅબરેશનનો એક ભાગ છે.












