You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનિયા ગાંધીએ એવું શું કહ્યું કે રાજકારણમાંથી નિવૃત્તિની અટકળો વહેતી થઈ?
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના 85મા અધિવેશનમાં કહ્યું કે, 'ભારત જોડો યાત્રા સાથે જ મારી ઇનિંગ પૂર્ણ થઈ.'
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં યોજાયેલા કૉંગ્રેસના 85મા રાષ્ટ્રીય મહાધિવેશનમાં સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને સંબોધિત કરતાં કહ્યું કે, "કૉગ્રેસની ભારત જોડો યાત્રા મારી રાજકીય પારીનો અંતિમ પડાવ હોઈ શકે છે, જે કૉંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ છે."
રાયપુરથી બીબીસી માટે અહેવાલ આપતા આલોક પ્રકાશ પુતુલ અનુસાર, કૉંગ્રેસ પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરમાં આયોજિત કૉંગ્રેસ અધિવેશનમાં પોતાની રાજકીય ઈનિંગને લઈને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
અધિવેશનના બીજા દિવસે શનિવારે કૉંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓને સંબોધતા તેમણે કહ્યું કે મારા માટે સન્માનની વાત છે કે મેં વર્ષ 1998માં કૉંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું. 25 વર્ષમાં પાર્ટીએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ પણ કરી અને નિરાશા પણ મળી.
સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે મનમોહનસિંહના નેતૃત્વમાં 10 વર્ષ સુધી ખૂબ સારી સરકાર આપી. આપણે લોકશાહીને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ.
તેમણે કહ્યું કે 2004 અને 2009માં આપણી જીત તેમજ ડૉ. મનમોહનસિંહના સક્ષમ નેતૃત્વથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો, પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થયો. જે કૉંગ્રેસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ.
સોનિયા ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસ અને કૉંગ્રેસીઓની સાથે દેશ માટે આ પડકારનો સમય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ, આરએસએસનું ગઠબંધન દરેક સંસ્થા પર કબજો કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે વર્તમાન માહોલમાં દેશમાં લોકતંત્ર સામે ખતરો છે. ભાજપ સરકાર બંધારણના આત્માને ઠેસ પહોંચાડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ નેતાએ કહ્યું કે વિપક્ષના અવાજને દબાવવાની સાથે નફરતની આગ પણ ભડકાવવામાં આવી રહી છે. ભાજપ દેશમાં નફરત ફેલાવી રહી છે. લઘુમતી, દલિત, આદિવાસીઓ અને મહિલાઓને નિશાન બનાવાઈ રહ્યાં છે.
તેમણે કહ્યું કે આ ભારે સંઘર્ષનો સમય છે. આ મુશ્કેલ અવસરે કૉંગ્રેસની વિશેષ જવાબદારી છે. કૉંગ્રેસ એ રાજકીય પક્ષ નથી, પરંતુ તે દેશની એકતા અને સમાનતાની ધરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો