ભારતમાં બીબીસીની ઑફિસોમાં ઇન્કમટૅક્સની તપાસ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?

ભારતીય આવકવેરા વિભાગ દ્વારા મંગળવારે સવારે આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રસારક બીબીસીની દિલ્હી અને મુંબઈસ્થિત ઑફિસોમાં સર્વેના અહેવાલને વિશ્વના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ પ્રમુખતાથી પ્રકાશિત કર્યો છે.

બીબીસી પ્રેસ ઑફિસે આ મામલે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે 'અમે અમારા કર્મચારીઓની મદદ કરી રહ્યા છીએ. અમને આશા છે કે સ્થિતિ જલદી જ સામાન્ય થઈ જશે.'

'અમારું આઉટપુટ અને પત્રકારત્વ સાથે જોડાયેલું કામ સામાન્ય દિવસોની જેમ યથાવત રહેશે. અમે અમારી ઑડિયન્સ માટે પ્રતિબદ્ધ છીએ.'

આ અહેવાલ લખાય છે ત્યાર સુધી આવકવેરા વિભાગના અધિકારીઓ બીબીસીની દિલ્હી અને મુંબઈ ઑફિસોમાં હાજર છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સ

અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યૂયૉર્ક ટાઇમ્સે આ ઘટના પર એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં અલગ-અલગ પક્ષો સાથે વાત કરવામાં આવી છે.

અહેવાલમાં લખવામાં આવ્યું છે, "ભારતના લઘુમતી મુસ્લિમ સમુદાય પ્રત્યે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વલણની ટીકા કરનારી ડૉક્યુમેન્ટરીના પ્રસારણને રોકવાનો પ્રયત્ન કરાયાના કેટલાક સપ્તાહ બાદ તેમની સરકારના આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઑફિસોમાં દરોડા પાડ્યા છે."

અખબારે એ પણ લખ્યું છે કે "નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સરકારી એજન્સીઓએ ઘણીવાર સ્વતંત્ર મીડિયા સંસ્થાનો, માનવાધિકાર સંગઠનો અને થિંક ટૅન્કો પર દરોડા પાડ્યા છે. સામાજિક કાર્યકર્તાઓ સરકાર દ્વારા તેમના ફંડિંગ સ્ત્રોતોને નિશાના બનાવવાને ટીકાત્મક અવાજોને દબાવવાના પ્રયત્નો તરીકે જુએ છે."

વૉશિંગ્ટન પોસ્ટ

અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટે આ ઘટના પર એક વિસ્તૃત વિશ્લેષણ પ્રકાશિત કર્યું છે. જેમાં ભારતમાં પ્રેસની સ્વતંત્રતાને લઈને વાત કરવામાં આવી છે.

આ વિશ્લેષણમાં લખવામાં આવ્યું છે, "આવકવેરા વિભાગના અધિકારીઓ બીબીસીની મુંબઈ અને દિલ્હીસ્થિત ઓફિસોમાં પહોંચવાથી વિશ્વભરનું ધ્યાન ભારતમાં પ્રેસ સ્વતંત્રતાની ખરાબ હાલત પર ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેને 'સર્વે' કહ્યો છે. જે ટૅક્સ રેડને વ્યક્ત કરવાની એક અલગ રીત છે. તેના ટાઇમિંગને લઈને પણ સવાલ છે."

"બ્રિટિશ પ્રસારકે ત્રણ સપ્તાહ પહેલાં જ એક ડૉક્યુમેન્ટરી રિલીઝ કરી હતી. જેમાં વર્ષ 2002માં ગુજરાતમાં થયેલાં સાંપ્રદાયિક રમખાણોમાં પીએમ નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકા તરફ ધ્યાન ખેંચાયું હતું. આ મામલે મોદીની ઘણા સંવેદનશીલ દેખાયા છે. તેમની સરકારે ડૉક્યુમેન્ટરી બ્લૉક કરવાથી લઈને સોશિયલ મીડિયાથી લઈને વિશ્વવિદ્યાલયોમાં તેની ક્લિપ્સ રોકવાનો પ્રયત્ન કર્યો છે."

વૉલસ્ટ્રીટ જર્નલ

અમેરિકન અખબાર વૉલસ્ટ્રીટ જર્નલે પણ આ ઘટનાના સમયને લઈને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

અહેવાલ પ્રમાણે, "બીબીસીની દિલ્હીસ્થિત ઑફિસમાં કામ કરતા એક કર્મચારીએ વૉલસ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે ટૅક્સ અધિકારીઓએ તેમનો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં રોક્યા હતા. જ્યારે આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેમના વિભાગે ટૅક્સને લગતાં દસ્તાવેજો વૅરિફાય કરવા માટે સરવે અભિયાન હાથ ધર્યું છે. તેમણે આ સિવાય અન્ય કોઈ જાણકારી આપી ન હતી."

આ અહેવાલમાં એ વાત પણ નોંધવામાં આવી છે કે "આ કાર્યવાહી મોદી સરકાર તરફથી બીબીસીની ડૉક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'ને અને તેના નાના-નાના અંશોને પ્રતિબંધિત કરવા માટે લાગુ કરાયેલા કાયદા અમલમાં આવ્યા તેનાં એક મહિનાથી પણ ઓછા સમયમાં કરવામાં આવી છે. સરકારી એજન્સીઓએ આ ડૉક્યુમેન્ટરીને વિશ્વવિદ્યાલયોમાં સામૂહિક રીતે જોવાનો પ્રયત્ન કરી રહેલાં વિદ્યાર્થીઓની પણ અટકાયત કરી હતી."

જર્મન પ્રસારક ડી ડબલ્યૂ

જર્મનીના પ્રસારક ડી ડબલ્યૂએ આ મામલે પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે 'જાન્યુઆરીમાં બીબીસીએ બે ભાગની ડૉક્યુમેન્ટરી રીલિઝ કરી હતી. જેનું શીર્ષક 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન' હતું.

આ ડૉક્યુમેન્ટરીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2002ના રમખાણોમાં પોલીસકર્મીઓને આંખ આડા કાન કરવાનો આદેશ આપ્યો હતો. આ રમખાણોમાં એક હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં મોટાભાગના લોકો મુસ્લિમ હતા.

ભારત સરકારે તેના ઇન્ફોર્મેશન ટેકનૉલોજી ઍક્ટમાં આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ડૉક્યુમેન્ટરી અને તેના અંશોને રજૂ કરતી ટ્વીટ્સ અને વીડિયો લિન્ક્સને બ્લૉક કરી દીધી હતી.

ધ ગાર્ડિયન

બ્રિટિશ ન્યૂઝ ગ્રૂપ 'ધ ગાર્ડિયન' દ્વારા આ મામલે પ્રકાશિત કરાયેલા અહેવાલમાં જણાવ્યું છે કે બ્રિટિશ સરકારે આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અહેવાલ મુજબ, "બ્રિટિશ સરકારે અત્યાર સુધી આ દરોડા અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તેમણે આ અંગે બીબીસી સાથે વાત કરી છે. આ પહેલાં પણ બીબીસી આવા મામલામાં રાજકીય સમર્થન લેવાનું ટાળતી જોવા મળી છે. કારણ કે તે પોતાને બ્રિટિશ સત્તાથી અલગ સંસ્થા તરીકે રજૂ કરે છે."

ભારતીય મીડિયામાં શું છપાયું છે?

ભારતીય મીડિયાના પ્રતિષ્ઠિત સંસ્થાનો તરફથી પણ આ મામલે સતત અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આવકવેરા વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે 'આ મામલો ટીડીએસ, ફૉરેન ટૅક્સેશનથી લઈને ઘણા મામલા સાથે જોડાયેલો હોઈ શકે છે. દરોડો હજી ચાલુ છે.'

અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી અને આવકવેરા વિભાગ સરવે પૂરો થયા બાદ તેને લગતી જાણકારી ઉપલબ્ધ કરાવશે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, "સરકારના અધિકારીઓનું કહેવું છે કે બીબીસી પર સરવેનો અર્થ એ બાબતની તપાસ કરવાનો છે કે અનધિકૃત લાભ મેળવવા માટે કિંમતોમાં હેરફેર કરાયો છે નહીં, જેમાં ટૅક્સમાં ફાયદો લેવાનું પણ સામેલ છે."

તેમણે આરોપ લગાવ્યો છે કે બીબીસીએ ટ્રાન્સફર પ્રાઇસિંગ રુલ્સ અંતર્ગત ગડબડ કરી છે, જાણી જોઈને અને સતત ટ્રાન્સફર પ્રાઇસિંગ નૉર્મ્સનું ઉલ્લંઘન કર્યું છે.

અંગ્રેજી અખબાર ધ હિંદુએ આ મામલે પ્રકાશિત કરેલા અહેવાલમાં અમેરિકન સરકારની પ્રતિક્રિયા છાપી છે.

અહેવાલ મુજબ, "અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું કે અમને બીબીસીની દિલ્હી ઑફિસ પર આઈટી વિભાગના તપાસ અભિયાનની જાણકારી છે. પણ આ વિશે હું તમને એમ કહેવા માગું છું કે વધુ જાણકારી માટે તમે ભારતીય અધિકારીઓનો સંપર્ક કરો."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કાર્યવાહી લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ છે? તો તેમણે કહ્યું,"હું એ ન કહી શકું. અમે સર્ચ ઑપરેશન સાથે જોડાયેલા તથ્યોથી વાકેફ છીએ, પરંતુ હું આ બાબતે ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો