બીબીસીની ઓફિસોમાં આવકવેરાના અધિકારીઓની તપાસ

ભારતમાં બીબીસીનાં કાર્યાલયો પર આવકવેરાના અધિકારીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ કરતી ડૉક્યુમૅન્ટરી યુનાઇડેટ કિંગડમમાં રજૂ કરાયાનાં સપ્તાહો બાદ નવી દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આ તપાસ કરાઈ રહી છે.

બીબીસીએ જણાવ્યું છે કે તે તંત્રને 'પૂર્ણ સહકાર' આપી રહી છે.

બીબીસી પ્રેસ ઓફિસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે 'અમે આશા કરીએ છીએ ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે.'

બીબીસી પ્રેસ ઓફિસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ''આયકર વિભાગના અધિકારીઓ નવી દિલ્હી અને મુંબઈની ઑફિસમાં જ છે. સ્ટાફના કેટલાક સભ્યો ઑફિસથી બહાર નીકળી ગયા છે પરંતુ કેટલાક લોકોને રોકાવાનું કહેવામાં આવ્યું હતું અને તેઓ ચાલી રહેલી તપાસમાં સહકાર કરી રહ્યા છે. અમે આ સમયમાં સ્ટાફના સભ્યોની મદદ કરી રહ્યા છીએ અને આશા છે કે જલ્દી આનું સમાધાન આવશે. અમારું આઉટપુટ અને પત્રકારત્વનું કામ સમાન્ય દિવસોની જેમ ચાલી રહ્યું છે અને અમે ભારતમાં અમારા દર્શકો-વાચકોને માટે પ્રતિબદ્ધ છીએ.''

વિપક્ષ કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આવકવેરાવિભાગની કાર્યવાહી પર કહ્યું, "આ નિરાશાનો ધુમાડો છે અને એ દર્શાવે છે કે મોદી સરકાર ટીકાથી ડરે છે."

એમણે પોતાના નિવેદનમાં લખ્યું, "ડરાવવા-ધમકાવવાના આ પ્રયાસોની અમે આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. આ અલોકતાંત્રિક અને સરમુખત્યારી વલણ વધુ નહીં ચાલી શકે."

જોકે, ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બીબીસીને 'વિશ્વની સૌથી ભ્રષ્ટ સંસ્થા' ગણાવી. તેમણે કહ્યું, "ભારત એક એવો દેશ છે જ્યાં દરેક સંસ્થાને તક આપવામાં આવે છે, ત્યાં સુધી, જ્યાં સુધી આપ ઝેર ના ઓકો."

ગૌરવ ભાટિયાએ એવું પણ કહ્યું કે આ તપાસ કાયદાની મર્યાદામાં છે અને આના ટાઇમિંગની સરકાર સાથે કંઈ લેવાદેવા નથી.

આ દરમિયાન 'ઍડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા'એ જણાવ્યું છે કે તે આ તપાસને લઈને "ભારે ચિંતિત" છે.

ઍડિટર્સ ગિલ્ડે કહ્યું, "આ સરકારની નીતિઓ કે સરકારી સંસ્થાઓની ટીકા કરનારાં મીડિયા સંસ્થાનોને ડરાવવા માટે સરકારી એજન્સીઓના ઉપયોગના ચલણનો જ એક ક્રમ છે."

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ પણ નિવેદન જાહેર કરીને આ કાર્યવાહીની ટીકા કરી છે.

પ્રેસ ક્લબે સરકારની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આનાથી ભારતની છબિને નુકસાન પહોંચશે.

આ દરમિયાન માનવાધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ અધિકારીઓ પર બીબીસીને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

ડૉક્યુમૅન્ટરી

બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જોકે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.

આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલાય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.

કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને કૉલોનિયલ માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીબીસીએ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જોકે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

બીબીસીનું કહેવું છે કે "આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલાય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભાજપના લોકો સહિત કેટલાય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા."

ગત મહિને, દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો