You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
C295 વડોદરા ઍરબસ : મહારાષ્ટ્રથી જે પ્રોજેક્ટ ગુજરાતમાં ખસેડાયો તે ખાસ કેમ છે?
- લેેખક, તેજલ પ્રજાપતિ
- પદ, બીબીસી ગુજરાતી
- વડા પ્રધાન મોદીએ વડોદરામાં સી295 ઍરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
- ફૉક્સકોન બાદ તાતા-ઍરબસનો મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં આવી ગયો છે
- આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ સરકારની ટીકા કરી છે કારણ કે ફોક્સકોન બાદ વધુ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને મળ્યો છે
- સંરક્ષણ મંત્રાલય અનુસાર આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય વાયુસેના માટે 56 સી-295 મેગાવોટનાં વિમાન ખરીદવામાં આવશે
- કેન્દ્ર સરકારનો દાવો છે કે, આ પ્રોજેક્ટથી મોટી સંખ્યામાં નોકરીઓ મળશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે વડોદરામાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ભારતીય વાયુસેના માટે કાર્ગો વિમાન બનાવવાનો આ પ્રોજેક્ટ 21,935 કરોડ રૂપિયાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં શિલાન્યાસ વખતે કહ્યું કે, "મેક ઇન ઇન્ડિયા, મેક ફૉર ગ્લોબ સાથે ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે."
તેમણે કહ્યું કે, "આવનારાં વર્ષોમાં રક્ષા અને ઍરોસ્પેસ સેક્ટર્સ ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વના બે સ્તંભ પુરવાર થશે. 2025 સુધીમાં આપણું રક્ષાક્ષેત્રનું ઉત્પાદન 25 અબજ ડૉલરને પાર થઈ જશે. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં સ્થાપિત થતા રક્ષા કૉરિડોરથી આમાં મદદ મળશે."
ચર્ચા થઈ રહી હતી કે આ પ્રોજેક્ટ નાગપુરના મિહાનમાં સ્થપાશે. મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી ઉદય સામંતે જાહેરાત કરી હતી કે, "આ પ્રોજેક્ટ નાગપુરમાં આવશે." આ અંગેની માહિતી તેમણે એબીપી માજાના એક કાર્યક્રમમાં આપી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, 22 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે તેમણે કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ હવે આ પ્રોજેક્ટ ગુજરાત જઈ રહ્યો છે.
આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ સરકારની ટીકા કરી છે કારણ કે ફૉક્સકોન બાદ વધુ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને મળ્યો છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે, "ખોખલી સરકારે વધુ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્ર બહાર શિફ્ટ કર્યો. હું જુલાઈ મહિનાથી સતત માગ કરી રહ્યો છું કે તાતા ઍરબસ પ્રોજેક્ટને મહારાષ્ટ્રની બહાર શિફ્ટ ન કરવો જોઈએ, પરંતુ એવું જ થયું. મહારાષ્ટ્રમાંથી છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રોજેક્ટ કેમ બહાર શિફ્ટ કરાઈ રહ્યા છે?"
આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે, "ઉદ્યોગોનો ખોખલી સરકારમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. શું ઉદ્યોગમંત્રી ઉદય સામંત હવે રાજીનામું આપશે? કેમ કે ચાર પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી જતા રહ્યા છે." તેમણે એવો સવાલ ઉઠાવ્યો.
તાતા-ઍરબસ પ્રોજેક્ટ શું છે
સંરક્ષણ મંત્રાલય અનુસાર આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય વાયુસેના માટે 56 સી-295 મેગાવોટનાં વિમાન ખરીદવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ડૉ. અજયકુમારે કહ્યું કે, "આ પ્રોજેક્ટ હેઠળ 16 સમગ્ર રીતે નિર્મિત વિમાન વાયુદળને આપવામાં આવશે, જ્યારે 40 વિમાન ભારતમાં તાતા દ્વારા નિર્મિત અને એસેમ્બલ કરવામાં આવશે."
આ એક ખાનગી ઍરક્રાફ્ટ મૅન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ભારતીય વાયુસેના માટે ભારતમાં વિમાન મૅન્યુફેક્ચરિંગનો પ્રથમ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21,935 કરોડ રૂપિયા છે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, 16 પૂર્ણ વિમાન સપ્ટેમ્બર 2023થી ઑગસ્ટ 2025 સુધી લૉન્ચ કરવામાં આવશે. જ્યારે ભારતમાં પ્રથમ મૅન્યુફેક્ચરિંગ વિમાન સપ્ટેમ્બર 2026 સુધી ઉપલબ્ધ થશે.
C-295 MW વિમાનની શું છે વિશેષતા ?
C-295 MW એક કાર્ગો વિમાન છે. તેની કાર્ગો લઈ જવાની ક્ષમતા 5થી 10 ટન છે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, C-295 MW વિમાન ભારતીય વાયુસેનાના જૂનાં AVRO વિમાનની જગ્યા લેશે. આ વિમાનની પાછળ એક દરવાજો છે. જેનો ઉપયોગ પૅરાટ્રૂપર્સ (સૈનિકો) અને સામાનને દરિયાઈ માર્ગે ઉતારવા માટે કરવામાં આવશે.
સરકારનો દાવો છે કે, ભારતીય વાયુસેનામાં સામેલ થનારા આ વિમાનોથી વાયુસેનાને ઘણો ફાયદો થશે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ તાતા-ઍરબસ પ્રોજેક્ટમાં ભારતમાં 13,400 ડિટેલ પાર્ટ્સ, 4600 સબ-ઍસેમ્બલી અને સાત પ્રમુખ ઍસેમ્બલીનું નિર્માણ કરવામાં આવશે.
શું આ પ્રોજેક્ટથી રોજગારી મળશે?
કેન્દ્ર સરકારનો દાવો છે કે, આ પ્રોજેક્ટથી મોટી સંખ્યામાં નોકરીઓ મળશે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, તાતાએ પ્રોજેક્ટ માટે સાત રાજ્યોમાં 125 નાની કંપનીઓ સાથે ગોઠવણ કરી છે. જેની પાસે વિમાન માટે વિવિધ પ્રકારના સ્પેર પાર્ટ્સ લેવામાં આવશે.
આ પ્રોજેક્ટ 600 વિશેષજ્ઞ માટે પ્રત્યક્ષ રોજગારી ઊભી કરશે. તો પરોક્ષ રીતે 3000 નોકરીઓ મળવા જઈ રહી છે. તેના માટે 240 ઍન્જિનિયરોને સ્પેનની ઍરબસ ફેકટરીમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
C-295નો ઉપયોગ ક્યાં-ક્યાં થાય છે?
ઍરબસ સી-295 લાઇટ અને મિડિયમ સેગમૅન્ટમાં ટેક્ટિકલ ઍરલિફ્ટર છે. જે રણથી લઈને સમુદ્ર સુધી, ખુબ ગરમીથી માંડીને ઠંડીમાં, બધી જ ઋતુમાં યુદ્ધ અભિયાનોમાં દિવસ-રાત કામ કરી શકે છે.
આ એક વિમાનમાં ઘણાં બધાં ફીચર્સ છે.
Armed/ Ground ISR- એરબસ ડોટ કોમની વેબસાઇટ અનુસાર, આ ઍરબસનો ઉપયોગ હવામાં ઉડતા રડાર તરીકે પણ થાય છે. જેનો ઉપયોગ ક્લોઝ-ઍર-સપોર્ટ ઑપરેશનમાં કરી શકાય છે.
તે જંગલની આગ સામે લડવા માટે પણ કુશળ સાધન છે, જે વૉટર બૉમ્બરનું કામ કરે છે.
આ વિમાન નેવીને પણ મદદરૂપ થાય છે, તે દરિયાઈ લડાઈ વચ્ચે લાંબા સમય માટે ઉપયોગી પૂરવાર થાય છે.
ઍરબોર્ન અર્લી વૉર્નિંગ માટે પણ સી-295મ ઉપયોગી છે, તે 360 ડિગ્રી હવાઈ વિસ્તારની આખી તસવીર આપે છે.
હવાથી હવામાં ઈંધણ ભરવું માટે તે રિમૂવેબલ રિફ્યૂલિંગ કિટ ધરાવે છે. જેનાથી 6000 કિલોગ્રામ જેટલું ઈંધણ બદલી શકાય છે.
વીઆઈપી પરિવહનમાં પણ તે ઉપયોગી છે, કેમકે તે પૅલેટાઇઝ્ડ વીઆઈપી-સીટ મોડ્યૂલ ધરાવે છે.
મેડિકલ ઇમર્જન્સીમાં પણ તે ઉપયોગી નીવડે છે. તેમાં 24 સ્ટ્રૅચર અને સાત મેડિકલ એટેન્ડન્ટ તેમાં આવી શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો