You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેજરીવાલે ભારતીય ચલણી નોટો ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો છાપવાની કેન્દ્ર સરકારને અપીલ કરી- પ્રેસ રિવ્યૂ
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને ભારતીય રૂપિયાની ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરની સાથે સાથે ગણેશ અને લક્ષ્મીની તસવીરો પણ છાપવાની માંગણી કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કેજરીવાલ જણાવ્યું હતું કે, "હું કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને અપીલ છે કે ભારતીય કરન્સી (ચલણી નોટ) પર એક બાજુ ગાંધીજીની તસવીર છે, એ એમ જ રહેવી જોઈએ, પરંતુ બીજી બાજુ શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીજીની તસવીરો ભારતીય કરન્સી પર લાગવી જોઈએ. "
આ સાથેના વીડિયોમાં કેજરીવાલને એમ કહેતાં જોઈ શકાય છે કે, "ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા, ભારતને આગળ પ્રગતિ કરાવવા માટે ઘણાં બધા પ્રયત્નોની જરૂર છે, પરંતુ તેની સાથે સાથે દેવી-દેવતાઓના આશિર્વાદની પણ જરૂરિયાત છે."કેજરીવાલે ચલણી નોટ પર મહાત્મા ગાંધી સાથે લક્ષ્મી અને ગણેશની તસવીરની માગ કરી
સૌરાષ્ટ્રમાં ભાજપને જીતાડવા અમિત શાહની મેરેથોન મિટિંગ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડવાના હેતુસર સૌરાષ્ટ્રના ભાજપનેતાઓને મળ્યા હતા.
અહેવાલ પ્રમાણે આ મિટિંગ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યોજાઈ હતી, અને સવારે 11 કલાકે શરૂ થયેલી મિટિંગ બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી એટલે કે લગભગ સાડા ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી.
મિટિંગમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને સુધારવાની વાત કેન્દ્રસ્થાને હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 48 સૌરાષ્ટ્રમાં છે.
આ મિટિંગમાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર હતા.
આ ઉપરાંત પાર્ટીના હાલના અને ભૂતકાળના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રદેશ ભાજપના સત્તાધિકારીઓ અને સિનિયર નેતાઓ પણ વેરાવળ ટાઉનના માર્કેટ યાર્ડમાં યોજાયેલ આ મહત્ત્વપૂર્ણ મિટિંગમાં સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે આ વખતે ભાજપ વર્ષ 1985ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે બનાવેલા 149 બેઠક મેળવવાના રેકૉર્ડને તોડવા માગી રહી છે. ભાજપની નજર 150 બેઠકો મેળવવા પર છે.
બ્રિટન : ભારતીયોની ટીકા કરનારાં સુએલા બ્રેવરમૅન ફરી બન્યાં ગૃહમંત્રી
ઋષિ સુનકે પોતાની નવી કૅબિનેટમાં સુએલા બ્રેવરમૅને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
તેઓને ભૂતપૂર્વ વડાં પ્રધાન લિઝ ટ્રસની કૅબિનેટમાં પણ ગૃહમંત્રી બનાવાયાં હતાં. તેમના પદ છોડવા અને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ વિદ્રોહ કર્યા બાદ જ ટ્રસે રાજીનામું આપવું પડ્યું હતું.
સુએલા બ્રેવરમૅન ભારતીય મૂળનાં છે. તેમણે પોતાના પાછલા કાર્યકાળમાં ભારત સાથે થઈ રહેલ વેપાર સમજૂતીને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ભારત સાથે વેપાર સમજૂતીના કારણે બ્રિટનમાં આવનારા દિવસોમાં ભારતીયોની સંખ્યા વધી શકે છે અને આના કારણે બ્રૅક્ઝિટના હેતુને પણ નુકસાન પહોંચી શકે છે.
તેમણે આ નિવેદન ધ સ્પેક્ટેટર મૅગેઝિનના ઇન્ટરવ્યૂમાં કર્યું હતું. બ્રેવરમૅનનું આ નિવેદન બ્રિટનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન લિઝ ટ્રસના વલણથી અલગ હતું.
લિઝ ટ્રસ ઇચ્છતાં હતાં કે ભારત સાથેની વેપાર સમજૂતીને આ વર્ષે જ દિવાળી સુધીમાં પૂરી કરાય.
ધ સ્પેક્ટેટરને આપેલ ઇન્ટરવ્યૂમાં બ્રેવરમૅને કહ્યું હતું કે, "મને ભારત સાથે ખુલ્લી સીમાની નીતિને લઈને ચિંતા છે કારણ કે મને લાગે છે કે લોકોએ જ્યારે બ્રેક્ઝિટ પર મહોર મારી હતી, ત્યારે તેમણે આ હેતુ માટે મત નહોતો આપ્યો."
સુએલાએ કહ્યું હતું કે બ્રિટનમાં વિઝા સમાપ્ત થયા બાદ સૌથી વધારે ભારતીય પ્રવાસી જ રહે છે. સુએલાએ એવું પણ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અને કારોબારીઓ માટે અમુક પ્રમાણમાં નરમ વલણ દાખવી શકાય.
ચૂંટણી અગાઉ માછીમાર સમુદાયને ગુજરાત સરકારની રાહત
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે માછીમારો માટે ડીઝલ-કેરોસીનનો ક્વોટા વધારવાની જાહેરાત કરી છે.
અહેવાલ અનુસાર ગુજરાતના ઓછામાં ઓછા નવ જિલ્લામાં પ્રભાવ ધરાવતો માછીમાર સમુદાય ભાજપથી દૂર જઈ રહ્યો હોવાની આશંકાને લીધે સમુદાયને આકર્ષવા માટે આ જાહેરાત કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.
અગાઉના નિયમ પ્રમાણે માછીમારો ગુજરાત ફિશરીઝ કો-ઑપરેટિવ ઍસોસિયેશન કે તેની સાથે સંકળાયેલ કો-ઑપરેટિવ સોસાયટીઓ મારફતે જ રાહત દરે ડીઝલની ખરીદી કરી શકતા. પરંતુ હવે તેઓ કોઈ પણ સરકારમાન્ય પેટ્રોલપંપ પરથી ડીઝલ ખરીદી શકશે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર માછીમારોને વૅલ્યૂ એડેડ ટૅક્સ (વૅટ)માં રાહતરૂપે માછીમારોને પ્રતિ લિટર વધુમાં વધુ 15 રૂપિયા સુધીની સબસિડી આપે છે.
કેરોસીનના કિસ્સામાં ઓન-બોર્ડ મોટર બોટ માટે સબસિડી પ્રતિ લિટર 25 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવાઈ છે.
આ સિવાય પેટ્રોલ વડે ચાલતી ઓન-બોર્ડ મોટર બોટને પણ આ સબસિડીની રાહતમાં સમાવી લેવાની જાહેરાત કરાઈ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો