You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં દિવાળીની રાત્રે કોમી અથડામણ પથ્થરમારો, આગચંપી
- વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો
- નજીવા વિવાદમાં બે જૂથ સામસામે આવી ગયાં
- પોલીસ પર પણ પેટ્રોલ બોમ્બ નાખવામાં આવ્યો
દિવાળીની રાત્રે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ફટાકડાના અવાજ પોલીસની સાયરનોના અવાજમાં દબાઈ ગયા હતા. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના ટોળા વચ્ચે આગચંપી અને પથ્થરમારા જેવી હિંસક અથડામણ થઈ. જેને રોકવા માટે દોડ આવેલી પોલીસ પર પણ પેટ્રોલ બોમ્બથી હુમલો થયો હતો.
આ અથડામણ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના ટોળાં વચ્ચે થઈ હોવાને કારણે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે.
બીબીસીના સહયોગી રાજીવ પરમારના જણાવ્યા અનુસાર, પાણીગેટના હરણખાના રોડ વિસ્તારમાં આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો શરૂ થયો તે પહેલાં જ સ્ટ્રીટલાઈટ બંધ થઈ ગઈ હતી.
સ્થાનિક રિપોર્ટ પ્રમાણે નજીવા વિવાદમાં બે જૂથ સામસામે આવી ગયાં હતાં અને પરિસ્થિતિ વણસી હતી.
તો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
રસ્તા પર આગનાં દૃશ્યો
આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર આગનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
તો કેટલુંક નુકસાન પણ થયું હોવાનું જોઈ શકાતું હતું. સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
વડોદરાના ડીસીપી યશપાલ જગણિયાએ સમગ્ર ઘટના અંગે મીડિયાને માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "મુસ્લિમ મેડિકલ પાસે જે પથ્થરમારાની ઘટના ઘટી છે, તેમાં પોલીસે તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરી છે."
"જે પથ્થરમારો થયો છે એ કયા કારણે થયો છે અંગે અમે સીસીટીવી વગેરેની તપાસ કરીશું અને આગળની કાર્યવાહી કરીશું."
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. તો પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા નહોતા.
હાલમાં તો વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ઠેર ઠેર પોલીસનો કાફલો નજરે ચડી રહ્યો છે.
પોલીસ આ ઘટના મામલે કેટલાક પ્રત્યક્ષદર્શીઓને પૂછીને પણ ઘટનાની તપાસ કરી રહી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો