You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ : વિશ્વમાં કુપોષણનો સામનો કરી રહેલા 82 કરોડ લોકોમાંથી 22 કરોડ લોકો ભારતમાં
- ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 121 દેશોમાં ભારત 107મા ક્રમાંકે
- દક્ષિણ એશિયન દેશોમાં છેલ્લેથી બીજા ક્રમાંકે
- કુલ ચાર ધારાધોરણોથી માપવામાં આવે છે હંગર ઇન્ડેક્સ
- ભારતમાં ચાર પૈકી બે ધારાધોરણોમાં સુધારો જોવા મળ્યો
વર્ષ 2022નો 'ગ્લોબલ હંગર ઇન્ડેક્સ' રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેમાં ભારત કરતાં પાડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશની સ્થિતિ વધારે સારી છે.
121 દેશોના રેન્કિંગને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ભારત 107મા ક્રમાંકે છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન 99મા ક્રમે છે.
આ યાદીમાં દક્ષિણ એશિયામાં સૌથી સારી સ્થિતિમાં શ્રીલંકા છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં શ્રીલંકાને આ ઇન્ડેક્સમાં 64મું સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતના અન્ય પાડોશી દેશ નેપાળ 81મા અને બાંગ્લાદેશ 84મા સ્થાને છે.
માત્ર એક પાડોશી દેશ અફઘાનિસ્તાનને બાદ કરતાં તમામની સ્થિતિ હંગર ઇન્ડેક્સમાં ભારતથી સારી છે. અફઘાનિસ્તાન આ યાદીમાં 109મા ક્રમાંકે છે.
શું છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ?
ગ્લોબર હંગર ઇન્ડેક્સ વૈશ્વિક, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખને વ્યાપક રીતે માપવા અને તેના પર નજર રાખવાની એક રીત છે.
આ સ્કોર માપવાનાં મુખ્ય ચાર ધારાધોરણો છે. જેમાં કુપોષણ, શીશુઓમાં કુપોષણ, બાળકોના વિકાસમાં અડચણ અને બાળમૃત્યુદર સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો કુલ સ્કોર 100 પૉઇન્ટ હોય છે. એટલે કે જો કોઈ દેશનો સ્કોર શૂન્ય હોય તો તેની સ્થિતિ સારી કહી શકાય છે. જ્યારે 100 પૉઇન્ટ ધરાવતા દેશની સ્થિતિ સૌથી ખરાબ માનવામાં આવે છે.
ભારતનો સ્કોર 29.1 છે. જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે.
આ સિવાય કુલ 17 દેશો એવા છે જેમનો સ્કોર 'પાંચ'થી પણ ઓછો છે. આ દેશોમાં ચીન, તુર્કી, કુવૈત, બેલારુસ, ઉરુગ્વે અને ચિલે જેવા દેશો સામેલ છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની સ્થિતિની વાત કરીએ તો યુએઈ 18મા, ઉઝ્બેકિસ્તાન 21મા, કઝાખિસ્તાન 24મા, ટ્યૂનીશિયા 26મા, ઈરાન 29મા, સાઉદી અરેબિયા 30મા સ્થાને છે.
શું છે ભારતની સ્થિતિ?
ગ્લોબલ હંગર ઇન્ડેક્સનાં ચાર ધારાધોરણો પૈકી બાળકોમાં ગંભીર કુપોષણની વાત કરીએ તો ભારતમાં આ વખતે તે 19.3 ટકા મળી આવ્યું છે. 2014માં તે 15.1 ટકા હતું. આનો અર્થ એમ થાય છે કે ભારત આ મુદ્દે વધુ પાછળ ધકેલાયું છે.
જો કુલ કુપોષણની વાત કરવામાં આવે તો તે પણ ઘણું વધ્યું છે. આ પ્રમાણ દેશની કુલ વસતી ભોજનની કેટલી અછતનો સામનો કરી રહી છે, તેને દર્શાવે છે.
ઇન્ડેક્સ પ્રમાણે, ભારતમાં 2018થી 2020 વચ્ચે કુપોષણનો દર 14.6 ટકા હતો. જે 2019-21 દરમિયાન વધીને 16.3 ટકા થઈ ગયો છે. તેનો અર્થ થાય છે કે વિશ્વમાં કુલ 82.8 કરોડ લોકો કુપોષણનો સામનો કરી રહ્યા છે. જેમાંથી 22.4 કરોડ લોકો માત્ર ભારતમાં જ છે.
જોકે, આ ઇન્ડેક્સમાં ભારત માટે સારા સમાચાર પણ છે. આ ઇન્ડેક્સનાં બે ધારાધોરણોમાં ભારતની સ્થિતિ અગાઉ કરતાં સુધરી છે.
બાળકોના વિકાસમાં અવરોધ સાથે સંબંધિત ધારાધોરણમાં ભારતનો સ્કોર 2022માં 35.5 ટકા છે. જે 2014માં 38.7 ટકા હતો.
જ્યારે બાળમૃત્યુદર 4.6 ટકાથી ઘટીને 3.3 ટકા થયો છે. પણ ગ્લોબલ હંગર ઇન્ડેક્સના કુલ સ્કોરમાં ભારતની સ્થિતિ ખરાબ થઈ છે. 2014માં આ સ્કોર 28.2 હતો. જે આ વર્ષે ઘટીને 18.2 થયો છે.
આ રિપોર્ટમાં કુલ 44 દેશો એવા છે જેમની સ્થિતિ ખૂબ જ ખતરનાક સ્તર પર છે. જેમાં ભારત પણ સામેલ છે.
મોદી સરકાર પર પ્રહાર
ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ સામે આવ્યા બાદ કેન્દ્રની મોદી સરકારની ટીકા પણ શરૂ થઈ ગઈ છે.
પૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ટ્વીટ કર્યું છે કે, "માનનીય વડા પ્રધાન કુપોષણ, ભૂખ અને બાળકોમાં કુપોષણ જેવા મુદ્દાને ક્યારે જોશે."
ચિદમ્બરને આગળ લખ્યું, "ભારતના 22.4 કરોડ લોકો કુપોષિત હોવાનું માનવામાં આવ્યું છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ લગભગ સૌથી નીચે છે. 121 દેશોમાં 107મા સ્થાને."
સીપીએમ નેતા અને કેરળના પૂર્વ નાણામંત્રી થૉમસ ઇસાકે ટ્વીટ કર્યું છે કે, "ભારતને 2022માં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 107મું સ્થાન મળ્યું છે. દક્ષિણ એશિયન દેશોમાં માત્ર અફઘાનિસ્તાન જ આપણાથી નીચે છે. વર્ષ 2015માં ભારતનો રૅન્ક 93મો હતો. બાળકોમાં કુપોષણને લીધે ભારતની સ્થિતિ બગડીને 19.3 ટકા સુધી પહોંચી છે. જે વિશ્વમાં સૌથી વધુ છે."
સીપીએમ નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું કે "2014 બાદથી ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતની સૌથી ઝડપી નીચે સરકી રહ્યું છે. મોદી સરકાર ભારત માટે વિનાશકારી છે. સાડા આઠ વર્ષમાં ભારતને આ અંધકારમય યુગમાં લાવવા માટે સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ."
કેશવ પંથી નામના એક ટ્વિટર યુઝરે ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાના ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે, "તમારી આ ગંદી રાજનીતિ અને તમારા લોકોને કારણે આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 107મા સ્થાને છીએ. તમને શરમ આવવી જોઈએ."
ભારત વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ભારત જીડીપીના મામલે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.
બ્લૂમબર્ગના આંકડા પ્રમાણે ભારતે માર્ચ 2022ના અંતમાં બ્રિટનને પાછળ છોડી દીધું હતું. બ્લૂમબર્ગે આ તારણ આઈએમએફના આંકડા પરથી જાહેર કર્યું હતું.
બ્લૂમબર્ગના અનુમાન પ્રમાણે આગામી કેટલાંક વર્ષોમાં ભારત બ્રિટનની અર્થવ્યવસ્થાથી ઘણું આગળ નીકળી જશે.
આઈએમએફના તાજેતરના એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2022માં ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસદર 6.8 ટકા રહેશે. પહેલાં આ અનુમાન 7.4 ટકા હતો.
આઈએમએફનું એ પણ કહેવું છે કે 2023માં વિકાસદર ઘટી શકે છે અને તે 6.1 ટકા સુધી રહેવાની શક્યતા છે. જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી આગળ વધતી રહેશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો