You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોબલ શાંતિ પુરસ્કાર : આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર બેલારુસના એલેસ બિઆલિયાત્સ્કી સહિત ત્રણને સંયુક્ત રીતે અપાયો - પ્રેસ રિવ્યૂ
આ વખતે નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર બેલારુસના માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિઆલિયાત્સ્કી, રશિયાની માનવાધિકાર સંસ્થા 'મેમોરિયલ' અને યુક્રેનની માનવાધિકાર સંસ્થા 'સિવિલ લિબર્ટીઝ'ને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.
નોબલ શાંતિ પુરસ્કાર એ વ્યક્તિને આપવામાં આવે છે "જેણે દેશોમાં સૈનિકોની તહેનાતી ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા અથવા શાંતિ પ્રસ્તાવોને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે."
વર્ષ 2022માં, 300 થી વધુ ઉમેદવારો આ રેસમાં હતા. જો કે, આખી યાદી પચાસ વર્ષ સુધી તિજોરીમાં બંધ રહેશે. કિએવનું સ્વતંત્ર અખબાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને દેશનિકાલ કરાયેલા બેલારુસના વિપક્ષી નેતા સ્વેત્લાના તિખાનોવસ્કાયા આ રેસમાં સૌથી આગળ માનવામાં આવતા હતા.
ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેવાનું સીઆર પાટીલનું આમંત્રણ મનીષ સિસોદિયાએ સ્વીકાર્યું
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમને ખુશી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં શિક્ષણ રાજકીય ચર્ચા માટેનો એજન્ડા બન્યો છે.
તેમણે કહ્યું, "હું આશા રાખું છું કે તેઓ (પાટીલ) પોતાના વાયદાથી પાછા નહીં હઠે અને જલદી જ મારી મુલાકાત માટે તારીખ અને સમય નક્કી કરશે."
"ભાજપે સત્તાનાં 27 વર્ષમાં માત્ર 73 સરકારી શાળાઓમાં સુધારો કર્યો છે, જો તેઓ આ જ ગતિએ કામ કરશે તો રાજ્યની 40,800 સરકારી શાળાઓમાં સુધારો કરવામાં તેમને 15 હજાર વર્ષ લાગશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત તેમણે સીઆર પાટીલને પણ દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં કેવી રીતે આ શાળાઓની કાયાપલટ થઈ છે, તે નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે.
અગાઉ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે "ભાજપની સરકારમાં ગુજરાતની સરકારી શાળાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પાંચ વર્ષમાં શિક્ષણપ્રણાલીમાં સુધારો કરશે."
સીઆર પાટીલે મનીષ સિસોદિયાની આ ટિપ્પણીને લોકોને ગેરમાર્ગે દોરનારી ગણાવી હતી અને તેમને ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું.
ઉત્તરાખંડ હિમપ્રપાત : ગુજરાતના એક તાલીમાર્થીને બચાવાયો, વધુ 12 મૃતદેહો મળી આવ્યા
ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વતશિખર પર થયેલા હિમપ્રપાતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.
નહેરુ પર્વતારોહણ સંસ્થાને ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે હિમપ્રપાતના કારણે કુલ 29 લોકો ફસાયેલા હતા. જેમાં બે ઇન્સ્ટ્રક્ટર અને 27 તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.
સંસ્થાને જણાવ્યું કે 4 ઑક્ટોબરે કુલ ચાર મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે ઇન્સ્ટ્રક્ટર અને બે તાલીમાર્થી હતા.
રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન 6 ઑક્ટોબરે 12 તાલીમાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. રેસ્ક્યૂ ઑપરેશન હાલ પણ ચાલું છે પરંતુ પ્રતિકૂળ વાતાવરણના કારણે હેલીકૉપ્ટરની મદદ લઈ શકાઈ નથી.
ઉત્તરાખંડ પોલીસ પ્રમાણે બચાવવામાં આવેલા તાલીમાર્થીઓમાં ગુજરાતના દીપસિંહ સહિત આઠ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે 14 ઈજાગ્રસ્તોને પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
આ રેસ્ક્યૂ ઑપરેશનમાં નહેરુ પર્વતારોહણ સંસ્થાન, ભારતીય સેના, આઈટીબીપી, હાઈ ઍલ્ટિટ્યુડ વૉરફેર સ્કૂલ, વાયુ સેના, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની સાથેસાથે જિલ્લા તંત્ર પણ જોડાયેલ છે.
IMFની ચેતાવણી, વધી રહ્યો છે વૈશ્વિક મંદીનો ખતરો
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)નું કહેવું છે કે વૈશ્વિક મંદીનો ખતરો વધી રહ્યો છે.
આઈએમએફના પ્રબંધ નિદેશક ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યું છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ અને કોરોના મહામારીથી ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને સારું અનુમાન નથી.
તેમણે કહ્યું કે આઈએમએફ વિકાસદરના પોતાના હયાત અનુમાન 2.9 ટકાને ઘટાડશે. નવું અનુમાન આગામી અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
જૉર્જીવાએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થને સ્થિર કરવા માટે કામ કરવું જરૂરી બની ગયું ચછે. મોંઘવારી જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને પહોંચી વળવા પ્રયાસ કરવા જોઈએ.
તેમણે કહ્યું, "હાલની નાજુક સ્થિતિને સામાન્ય માનવાની ભૂલ ન કરવી જોઈએ. નીતિ-નિર્માતાઓએ એકસાથે મળીને કામ કરવું જોઈએ જેથી સ્થિતિ વધારે ખરાબ ન થઈ જાય."
જૉર્જીવાએ જણાવ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને દૃષ્ટિકોણ અંધકારમય છે અને વૈશ્વિક મંદીનો ભય વધી રહ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો