You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવાર જાહેર કર્યાં - પ્રેસ રિવ્યૂ
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી બાદ હવે AIMIMએ ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે.
AIMIMના સંયોજક અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.
AIMIM દ્વારા અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પરથી AIMIMના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા અને દાણીલીમડા બેઠક પરથી કૌશિકાબહેન પરમારને ટિકિટ આપવામાં આવી છે.
જ્યારે સુરત પૂર્વ બેઠક પરથી વસીમ કુરેશીને ટિકિટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે AIMIM સિવાય આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
ગુજરાત : લમ્પી વાઇરસથી 6,000 પશુનાં મૃત્યુ, 1.71 લાખથી વધુ ચેપગ્રસ્ત
'ડેક્કન હેરાલ્ડ' અનુસાર, ગુજરાતમાં ફાટી નિકળેલા જીવલેણ લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી)થી છેલ્લા બે મહિનામાં 6,000થી વધુ પશુઓનાં મૃત્યુ થયાં છે અને આમાં મોટા ભાગની ગાયો છે. આ બીમારીનું કેન્દ્ર કચ્છ છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે શનિવાર સુધીમાં 1.71 લાખ પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયાં હોવાના અહેવાલ છે.
રાજ્યના પશુપાલન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા પાયે રસીકરણની ઝુંબેશ સહિત અનેક પગલાંથી છેલ્લાં બે અઠવાડિયાંમાં વાયરસનો ફેલાવો ધીમો પડ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં 60 લાખ ગૌવંશને રસી આપવામાં આવી હતી. લગભગ 200 પશુચિકિત્સકો અને 550 પશુધન નિરીક્ષકો સારવાર અને રસીકરણના કામમાં જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓ જ્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલમાં મોટા ભાગના કેસ નોંધાયા છે.
પશુપાલન વિભાગના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે અખબારને જણાવ્યું કે હાલમાં સક્રિય કેસોની સંખ્યા લગભગ 3000 છે, જેની તેમની ટીમો દ્વારા કાળજી લેવામાં આવી રહી છે. લમ્પી વાયરસનો ચેપ, મચ્છર, માખીઓ અને ભમરી દ્વારા કે દૂષિત ખોરાક, પાણી તથા સીધા સંપર્ક દ્વારા પશુઓમાં ફેલાય છે.
નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે 25 સપ્ટેમ્બરે રાજસ્થાન કૉંગ્રેસની બેઠક
'ડેક્કન હેરાલ્ડ' અનુસાર, 'એક વ્યક્તિ, એક પદ'નું ધોરણ જળવાઈ રહે એવી રાહુલ ગાંધીની સ્પષ્ટતા વચ્ચે કૉંગ્રેસે રવિવારે સાંજે રાજસ્થાનમાં તેના વિધાયકદળની બેઠક બોલાવી છે, કારણ કે મુખ્ય મંત્રી અશોક ગેહલોત પક્ષના અધ્યક્ષપદની ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર છે.
કૉંગ્રેસ હાઈકમાન્ડે રવિવારે સાંજે 7 વાગ્યે કૉંગ્રેસ વિધાનમંડળપક્ષ (સીએલપી)ની બેઠકમાં હાજરી આપવા માટે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મહાસચિવ અને રાજ્યના પ્રભારી અજય માકન સાથે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
જોકે, એ સ્પષ્ટ નથી કે રાજસ્થાનમાં આગામી મુખ્ય મંત્રી કોણ હશે. આ અંગેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવશે કે પાર્ટી અધ્યક્ષને નિર્ણય લેવા માટે અધિકૃત કરાશે એની પણ પણ સ્પષ્ટતા કરાઈ નથી.
20 સપ્ટેમ્બરે ગેહલોતે બેઠક બોલાવ્યા બાદ આ બીજી સીએલપી બેઠક છે, જે મુખ્ય મંત્રીના નિવાસસ્થાને યોજાશે.
જો ગેહલોત કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાય તો મુખ્ય મંત્રીપદ છોડવા માટે સંમત થયાની પૃષ્ઠભૂમિ સામે આ બેઠક થઈ છે. સચિન પાઇલોટ તેમના અનુગામી બનવા પર તેમણે વાંધો વ્યક્ત કર્યો હતો પરંતુ કૉંગ્રેસ મોવડી મંડળ યુવા રાજકારણીની તરફેણ કરી રહ્યું છે.
પોતે પાઇલટને મુખ્ય મંત્રી બનાવવાની તરફેણમાં છે એવું રાહુલ ગાંધીએ ગેહલોતને જણાવ્યું હોવાનું જાણવા મળે છે.
ગેહલોત માટે કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી રાજસ્થાનમાં પાઇલોટને મુખ્ય મંત્રી બનાવવા એ પાર્ટીમાં તેમમાં ઘટતા પ્રભાવ તરીકે જોવામાં આવશે.
સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે કેમ થર્ડ પાર્ટી ઑડિટ માંગે છે?
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં નિરીક્ષણો દરમિયાન, 'કમિશનર ફૉર મેટ્રો રેલવે સેફ્ટી' (સીએમઆરએસ)એ સંખ્યાબંધ 'ખામીઓ' જોઈ હતી જેની સીધી અસર કામગીરીની સલામતી પર છે અને તેણે ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન (જીએમઆરસી)ને 'સુધારણાનાં પગલાં' લેવા જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે તેમ છતાં સીએમઆરએસે થર્ડ પાર્ટી ઑડિટ માટે કહ્યું છે.
ઉદ્ઘાટન થનારા માર્ગોમાં ટનલ સેગમેન્ટ અને વાયડક્ટ તથા એલિવેટેડ સેક્શનમાં માળખાકીય શક્તિ અને ગુણવત્તા સામે સવાલો છે.
સીએમઆરએસ દ્વારા મેટ્રોના ભૂગર્ભ વિભાગમાં ટનલ વેન્ટિલેશન સિસ્ટમનું ટેકનિકલ ઑડિટ પણ માગવામાં આવ્યું હતું. તેણે ટ્રેન પાટા પરથી ઊતરી જવા સામે થાંભલાઓ માટે સલામતીનો અભાવ જેવી 'ખામીઓ' તરફ ધ્યાન દોર્યું હતું અને મોક ડ્રીલ દરમિયાન મુસાફરોને ખાલી કરવા માટે ભૂગર્ભ વિભાગમાં લાગેલા સમય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સીએમઆરએસના પત્ર ટાંકીને અહેવાલમાં લખાયુ છે કે અમદાવાદ-ભાવનગરની ઉત્તર-દક્ષિણ કૉરિડોર ભારતીય રેલવેલાઈનને અડીને આવેલા 'સંવેદનશીલ ઝોન'માંથી પસાર થાય છે અને નીચેની રેલવેલાઇન પર પાટા પરથી ઊતરી જવાની સંભાવનામાં મેટ્રોના થાંભલાઓને સુરક્ષિત રાખવા 'કોઈ વિશેષ સુરક્ષા' પ્રદાન કરવામાં આવી નથી..
સીએમઆરએસે ધ્યાન દોર્યું હતું કે 2-3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર-દક્ષિણ કૉરિડોરના નિરીક્ષણ દરમિયાન તેણે થાંભલા અને વાયડક્ટમાં 'તિરાડો સહિત ખામીઓ' ધ્યાનમાં લીધી હતી.
અધિકૃતતા પત્રમાં જણાવાયું છે કે "લાંબા ગાળાની સ્થિરતા અને સલામતી માટે, ત્રણ મહિનામાં IIT પાસેથી થર્ડ પાર્ટી ઑડિટ કરાવીને માળખાકીય મજબૂતાઈ અને વાયાડક્ટ અને થાંભલાઓની ગુણવત્તાની પર્યાપ્તતાની પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવે છે."
પૂર્વ-પશ્ચિમ કૉરિડોરમાં સીએમઆરએસે નિર્દેશ કર્યો કે વોડાફોન સિવાય, ટનલ અને ભૂગર્ભ સ્ટેશનોની અંદર કોઈ મોબાઇલ નેટવર્ક કવરેજ નથી મળતું. તેમણે કહ્યું છે કે "ટનલની અંદર ટ્રેનમાં સતત સંચાર હોવો જોઈએ."
તેણે કામની ડિઝાઇન અને ગુણવત્તાને માન્ય કરવા માટે સ્ટીલ ગર્ડર્સ માટે ત્રીજા પક્ષે ઑડિટની પણ માંગ કરી હતી.
વિદેશ મંત્રાલયે નકલી આઈટી નોકરી કૌભાંડ પર એડવાઈઝરી જારી કરી
'ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, વિદેશ મંત્રાલયે શનિવારે ભારતીય નાગરિકોને શંકાસ્પદ આઈટી કંપનીઓ દ્વારા થાઇલૅન્ડમાં "સારા પગારની નોકરીઓ" ઑફર કરતા નકલી જોબ રૅકેટ સામે ચેતવણી આપતી એક ઍડવાઈઝરી જારી કરી હતી.વિદેશ મંત્રાલયે નિવેદનમાં લખ્યું છે:
"થાઇલૅન્ડમાં શંકાસ્પદ આઇટી કંપનીઓ દ્વારા 'ડિજિટલ સેલ્સ ઍન્ડ માર્કેટિંગ ઍક્ઝિક્યૂટિવ્સ'ની પોસ્ટ માટે ભારતીય યુવાનોને લલચાવવા માટે આકર્ષક નોકરીઓ ઑફર કરતી નકલી જોબ રૅકેટના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. "
"તાજેતરમાં બૅંગકૉક અને મ્યાનમારમાં આઈટી કંપનીઓ કૉલ સેન્ટર કૌભાંડ અને ક્રિપ્ટો-કરન્સી કૌભાંડમાં લિપ્ત હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે."
મંત્રાલયે ઍડવાઇઝરીમાં જણાવ્યું છે કે "આ રેકેટના 'ટાર્ગૅટ' આઇટી યુવાનો છે જેઓ સોશિયલ મીડિયાની જાહેરાતો દ્વારા તેમજ દુબઇ અને ભારતસ્થિત એજન્ટો દ્વારા થાઇલૅન્ડમાં આકર્ષક ડેટા એન્ટ્રી નોકરીઓના નામે છેતરાય છે."
ઍડવાઈઝરીમાં મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે પીડિતોને ગેરકાયદેસર રીતે સરહદ પાર મોટા ભાગે મ્યાનમાર લઈ જવામાં આવે છે અને કઠોર પરિસ્થિતિઓમાં કામ કરવા માટે કેદમાં રાખવામાં આવે છે.
મંત્રાલયે નોકરી માટે વિદેશ જવા ઇચ્છુક યુવા ભારતીય નાગરિકોને સલાહ આપી હતી કે, કોઈ પણ નોકરીની ઑફર સ્વિકારતાં પહેલાં વિદેશમાં સંબંધિત મિશન દ્વારા વિદેશી નોકરીદાતાઓનાં ઓળખપત્રો અને રિક્રુટિંગ એજન્ટો તેમજ કંપનીની પૂરતી તપાસ કરી લેવી જોઈએ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો