You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આપના ઉમેદવાર જગમાલ વાળાનું નિવેદન, 'આપણે દારૂ પીએ તો ખરાબ નથી, પણ જ્યારે...'
આમ આદમી પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાની બેઠક પરથી જાહેર કરાયેલા ઉમેદવાર જગમાલ વાળાએ એક જાહેરસભામાં દારૂબંધીને લઈને આપેલા નિવેદનના કારણે વિવાદ ઊભો થયો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, તેમણે જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે "જ્યાં સુધી આપણે દારૂ પીએ છીએ તો એ ખરાબ નથી, પણ જ્યારે તે આપણને પીવાનું શરૂ કરી દે છે, તો ઠીક નથી."
જગમાલ વાળાએ વધુમાં કહ્યું, "મોટા તબીબો, આઈએએસ અને આઈપીએસ ઑફિસરો લોકોને દારૂના બંધાણી ન બનવાનું કહે છે પણ ખુદ દારૂ પીવે છે. વિશ્વના 196 દેશોમાં 800 કરોડથી વધુ લોકો રહે છે."
"આ બધામાં ક્યાંય નહીં પણ માત્ર 130-140 કરોડની વસતી ધરાવતા ભારતમાં 6.5 કરોડ વસતી ધરાવતા ગુજરાતમાં દારૂબંધી છે. આ પરથી સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી."
તેમના આ નિવેદન બાદ ભાજપ તરફથી આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને ગુજરાતના લોકોની માફી માગવાનું કહેવાયું હતું.
જોકે, અહેવાલ મુજબ જગમાલ વાળાએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેમણે લોકોને દારૂ પીવા ઉશ્કેર્યા ન હતા.
તેમણે જણાવ્યું, "ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લોકો દારૂ પીવે જ છે. જો તેમને છૂટ આપવામાં આવે તો સરકારને ટૅક્સના પૈસા પણ મળે અને લોકોએ દારૂ માટે વધારે પૈસા પણ ન ચૂકવવા પડે."
સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં રશિયા યુક્રેન યુદ્ધ વિશે વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના ભાષણની શરૂઆત રશિયા-યુક્રેન યુદ્ધથી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. તેની અસર છેવાડાના વિસ્તારો સુધી અનુભવી શકાય છે. આપણે સૌએ તેના કારણે ભાવવધારો અને જીવન જરૂરિયાતની વસ્તુઓની અછતનો સામનો કર્યો છે.
એસ. જયશંકરે કહ્યું, "માનવાધિકારો કે આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનને યોગ્ય ઠેરવી શકાય નહીં. જ્યાં પણ આ પ્રકારની ઘટના બને ત્યાં જરૂરી છે કે તેની નિષ્પક્ષ અને સ્વતંત્રપણે તપાસ થાય. બૂચામાં થયેલી હત્યાઓ મામલે અમે આવું જ કંઈક કર્યુ હતું."
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ ઍપ્રિલ મહિનામાં જ બૂચાથી આવેલા અહેવાલોની સ્વતંત્ર તપાસ માટે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ માગ મૂકી હતી.
એસ. જયશંકરે કહ્યું કે સમયની માગ છે કે સંઘર્ષને ખતમ કરવામાં આવે અને વાતચીતને ફરીથી શરૂ કરવામાં આવે. આ કાઉન્સિલ મુત્સદ્દીગીરીનું સૌથી શક્તિશાળી પ્રતીક છે.
આ સિવાય તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન આધારિત આતંકવાદીઓની યાદી પર રોક લગાવવા ચીન પર શાબ્દિક હુમલો કર્યો હતો.
ભારત-ઑસ્ટ્રેલિયા ટી20 સિરીઝની છેલ્લી મૅચની ટિકિટ લેવા પડાપડી, સાત લોકો ઇજાગ્રસ્ત
હૈદરાબાદના જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગુરુવારે ક્રિકેટ પ્રશંસકો વચ્ચે થયેલી ભાગદોડમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી10 સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચ રમાનારી છે. અંદાજે ત્રણ વર્ષ બાદ રમાનારી મૅચની ટિકિટ લેવા માટે ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, ઑફલાઇન ટિકિટો પણ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી.
હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે ત્યાં એકત્ર લોકોને જણાવવામાં આવ્યું કે તમામ ઑફલાઇન ટિકિટ વેચાઈ ગઈ છે અને બાકીની ટિકિટ ઑનલાઇન જ જાહેર કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે લાઇનમાં ઉભા રહેલા લોકોને પોલીસે પાણી અને સમોસા આપ્યા. લોકોને જ્યારે ટિકિટ વેચાઈ ગઈ હોવાનું જણાવ્યા બાદ પોલીસે મેદાનમાં એકઠા થયેલા લોકોને પાછા મોકલવાના શરૂ કર્યા.
ત્યાર બાદ ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને ભાગદોડમાં સાત લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.
તેલંગણાના રમતગમતમંત્રી વી. શ્રીનિવાસ ગૌડાએ કહ્યું કે ટિકિટને લીધે થયેલી ભાગદોડની સમીક્ષા કરવામાં આવશે.
હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ મોહમ્મદ અઝહરુદ્દીન અને અન્ય અધિકારીઓ સાથે પોલીસ આ સમીક્ષામાં હશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો