વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ ગુજરાત સરકાર સામે કેમ આંદોલન છેડ્યું?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
  • પ્રહ્લાદ મોદી ગુજરાત ફેયરપ્રાઇસ શૉપ્સ ઍન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર ઍસોસિયેશનના પ્રમુખ છે
  • તેમણે દાવો કર્યો કે સરકારી રૅશનની દુકાનોમાં ડુપ્લિકેટ સૉફ્ટવેરથી કામ ચાલી રહ્યું છે
  • કેટલીક વખત ગ્રાહકના અંગૂઠાના નિશાન મૅચ નથી કરતા એટલે ઑનલાઇન રૅશન આપવામાં મુશ્કેલી થાય છે
  • તેમણે આરોપ મૂક્યો કે સરકારે ખોટા આધાર કાર્ડ લિંક કર્યા છે જેમને સુધારવાનું કામ નથી થઈ રહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ ગુજરાત સરકાર સામે પોતાની માગોને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.

પ્રહ્લાદ મોદી ગુજરાત ફૅરપ્રાઇસ શૉપ્સ ઍન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર ઍસોસિયેશનના પ્રમુખ છે.

તેમણે દાવો કર્યો કે સરકારી રૅશન વિતરણને લઈને રાજ્યમાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે સરકારી રૅશનની દુકાનોમાં ડુપ્લિકેટ સૉફ્ટવેરથી કામ ચાલી રહ્યું છે અને આ વાત સરકારી અધિકારીઓને પણ ખબર છે.

પ્રહ્લાદ મોદીની માગ છે કે સીબીઆઈને આ અંગેની તપાસ સોંપવામાં આવે.

તેમણે કહ્યું કે સરકારે જૂના રૅશનકાર્ડ પાછા લઈને નવાં બાયોમેટ્રિક રૅશનકાર્ડ આપ્યા છે પરંતુ નવા કાર્ડ બનાવવાનું કામ પ્રાઇવેટ એનજીઓને આપ્યું છે. આ પ્રક્રિયામાં રૅશન દુકાનદારો સાથે વાત કરવામાં નથી આવી. 

તેમણે દાવો કર્યો કે કેટલીક વખત ગ્રાહકના અંગૂઠાના નિશાન મૅચ નથી કરતા એટલે ઓનલાઇન રૅશન આપવામાં મુશ્કેલી થાય છે. તેમની માગ છે કે ઑનલાઇન રૅશન વિતરણને મંજૂરી આપવી જોઈએ.

આ સિવાય તેમણે આરોપ મૂક્યો કે સરકારે ખોટા આધાર કાર્ડ લિંક કર્યા છે જેમને સુધારવાનું કામ નથી થઈ રહ્યું.

સરકારે આદેશ આપીને એક સપ્ટેમ્બરથી ઝોનલ અધિકારીઓને રૅશનની દુકાનો ખોલવા અને બંધ કરવાથી જોડાયેલો રૅકર્ડ રાખવાની જવાબદારી આપી છે. આનો પણ પ્રહ્લાદ મોદીએ વિરોધ કર્યો છે.

'પીએમ સાથે સીધા સંપર્કમાં નથી'

પ્રહ્લાદ મોદી અનુસાર, તેમનો પીએમ મોદી સાથે કોઈ સંપર્ક નથી એટલે તેઓ રસ્તા પર રહીને લડાઈ લડી રહ્યા છે અને તેમણે વડા પ્રધાનને ક્યારેય સીધી આ બાબતે વાત કરી નથી.

તેઓ કહે છે કે, "અમારા ભાઈએ 1970માં ઘર છોડ્યું હતું, તેઓ ભારતમાના લાલ બની ગયા છે. હીરાબાના લાલ હવે માત્ર કહેવા માટે જ છે, કોઈ સારા કે ખરાબ સમયે તેઓ નથી આવતા."

પ્રહ્લાદ મોદીનું કહેવું છે કે વડા પ્રધાન પાસે સીધા જવાનો વિચાર પણ તેમના મનમાં નથી આવતો. પ્રહ્લાદ મોદી આની પહેલાં દિલ્હીના જંતર-મંતર પર પણ વિરોધ કરી ચૂક્યા છે. જોકે તેમનું કહેવું છે કે તેઓ વિરોધ માત્ર વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં નથી કરતા પરંતુ પાછલી સરકારોની સામે પણ તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે.

તેમણે કહ્યું કે, "મનમોહનજીની સરકારમાં જે થઈ રહ્યું હતું, તેની સામે અમે નક્કી કર્યું હતું કે સરકાર બદલવી છે, બધાએ મળીને કામ કર્યું અને ભાજપની સરકાર બની પરંતુ અમારી અપેક્ષાઓ પર વાત ન થઈ."

વડા પ્રધાનઆવાસ કેમ નથી જતા

વડા પ્રધાનના આવાસ પર કેમ નથી જતા એવું પૂછવા પર તેમણે કહ્યું કે પીએમ હાઉસ કોઈ શાકમાર્કેટ નથી એટલે મને નથી ખબર કે મારે ત્યાં જવું જોઈએ કે નહીં. પીએમ હાઉસથી નિમંત્રણ આવશે તો જઈશ."

જોકે તેમનું કહેવું છે કે અત્યાર સુધી તેમને કોઈ નિમંત્રણ નહોતું મળ્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે. કેટલાક લોકોનું માનવું છે કે પ્રહ્લાદ મોદીના આ રીતે વિરોધ કરવાથી નરેન્દ્ર મોદીની છબિ પર અસર પડી શકે છે અને ભાજપને નુકસાન થઈ શકે છે.

તેના જવાબમાં પ્રહ્લાદ મોદી કહે છે કે, "જે લોકો આવું કહે છે તેઓ સામે આવે અને જણાવે કે હું ખોટો છું, હું તેમની સાથે વાત કરીશ."

તેમણે કહ્યું કે "ગુજરાતમાં કેટલાય કામ થયાં છે પરંતુ રૅશન દુકાનદારોની માગ પર ધ્યાન નથી આપવામાં આવતું."

તેઓ કહે છે કે, " કોવિડના સમયે સરકારે આદેશ આપ્યો હતો, કામ અમે કર્યું, રૅશન દુકાનદારોએ કર્યું, અધિકારીઓએ કર્યું. કોવિડ પીડિતોને પણ તેમના હાથમાં રૅશન આપ્યું હતું."

આગળની રણનીતિને લઈને તેમણે કહ્યું કે જો સરકાર અમારી માગણીઓ નહીં સાંભળે તો બીજી ઑક્ટોબરથી રાજ્યના તમામ વ્યાજબી ભાવની દુકાન ધરાવતા લોકો વિતરણ કાર્યથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવશે.

જો વિરોધ પ્રદર્શનની પરવાનગી નહીં અપાય તો? આ પ્રશ્નના જવાબમાં પ્રહ્લાદ મોદીએ કહ્યું, "જો તેઓ પ્રદર્શનની મંજૂરી નહીં આપે તો અમે દંડા ખાઈશું પણ દુકાનો નહીં ખોલીએ. લોકો રૅશન લેવા આવશે તો તેમને પાછા મોકલીશું પણ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાઈ ગયો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો