You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : પોલીસ કૉન્સ્ટેબલે પત્ની-પુત્રી સાથે 12મા માળેથી ઝંપલાવ્યું, સુસાઇડ નોટમાં શું લખ્યું?
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલની આત્મહત્યા
- પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે 12મા માળેથી કૂદીને કરી આત્મહત્યા
- આત્મહત્યા કરતા પહેલાં કથિતપણે ચિઠ્ઠી લખી, પે-ગ્રેડ મુદ્દાનો પણ ઉલ્લેખ
- ચિઠ્ઠીમાં આઈપીએસ અધિકારીઓ પર આરોપ, પોલીસે કથિત ચિઠ્ઠીના મામલાને રદિયો આપ્યો
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા પોલીસ કૉન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે મંગળવારે મોડીરાત્રે પોતાની પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે 12મા માળે આવેલા પોતાના ઘરેથી કૂદીને આત્મહત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે કુલદીપસિંહ 2016થી પોલીસખાતામાં છે અને હાલ તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
પાડોશીઓના કહેવા પ્રમાણે કુલદીપસિંહ અને તેમના પરિવારના તમામ સભ્યો મળતાવડાં સ્વભાવનાં હતાં અને સોસાયટીમાં જ્યારે પણ કોઈને મળે ત્યારે હસતા મોઢે વાત કરતા હતા.
તેઓ ગોતા વિસ્તારમાં આવેલ દીવા હાઇટ્સમાં 12મા માળે તેમની પત્ની રિદ્ધિબહેન અને ત્રણ વર્ષીય પુત્રી આકાંક્ષા સાથે રહેતા હતા.
તેમનાં સગાં બહેન પણ 12મા માળે આવેલા તેમના ફ્લૅટની બાજુમાં જ રહેતાં હતાં.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
કેવી રીતે બની ઘટના?
રાત્રે દોઢેક વાગ્યે અચાનક તેમના ઍપાર્ટમૅન્ટમાં રહેતાં લોકોને જોરથી કંઈક પડવાનો અવાજ આવ્યો હતો.
લોકો જોવા માટે બહાર નીકળ્યા એટલામાં જ ફરી એક વખત વધુ જોરથી કંઇક પડ્યું અને ત્યાં જઇને જોતા લોહીના ખાબોચિયામાં ત્રણ લોકોના મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ત્રણ મૃતદેહો કુલદીપસિંહ, તેમનાં પત્ની રિદ્ધિબહેન અને પુત્રી આકાંક્ષાના હતા. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે 12મા માળેથી કૂદકો માર્યો હોવાથી મૃતદેહો એકદમ વિકૃત થઈ ગયા હતા અને લોકોએ ચાદરો લાવીને તેને ઢાંક્યા બાદ પોલીસને જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે સૌથી પહેલાં રિદ્ધિબહેન બાલકનીમાંથી કૂદ્યાં હતાં. ગણતરીની મિનિટો બાદ કુલદીપસિંહ ત્રણ વર્ષીય દીકરી આકાંક્ષા સાથે કૂદ્યા હતા.
શું હતું કથિત અંતિમચિઠ્ઠીમાં?
સ્થાનિક મીડિયા તેમજ તેમને ઓળખતા લોકોનું કહેવું છે કે આત્મહત્યા કરતા પહેલાં તેમણે વૉટ્સઍપ પર એક ગણતરીના લોકોને એક મૅસેજ મોકલ્યો હતો અને વૉટ્સઍપ સ્ટેટસ પર એક લાગણીસભર મૅસેજ મૂક્યો હતો.
આ ચિઠ્ઠીમાં તેમણે પોતાના મિત્રો, પરિવારજનો અને સહકર્મીઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેમને નિરાશ ન થવા કહ્યું હતું. આ ઉપરાંત આત્મહત્યા કરવા પાછળ તેઓ ખુદ જવાબદાર હોઈ તેમાં વધુ તપાસ ન કરવા પણ કહ્યું હતું.
કથિત મૅસેજમાં તેમણે પોલીસના ગ્રેડ-પેના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આઇપીએસ અધિકારીઓ પૈસા ખાતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
જોકે, પોલીસ દ્વારા આ પ્રકારની કોઈ ચિઠ્ઠી કે મૅસેજ તપાસમાં મળી આવ્યો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પોલીસનું શું કહેવું છે?
અમદાવાદ એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર જી. એસ. શ્યાને મંગળવારે બપોરે આ ઘટના સંદર્ભે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016થી પોલીસખાતામાં કામ કરતા કુલદીપસિંહ ભરતસિંહ યાદવ તાજેતરમાં વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ઍકાઉન્ટ હેડ તરીકે કામ કરતા હતા.
તેમણે કહ્યું, "બાજુમાં જ રહેતાં તેમનાં સગાં બહેનની પૂછપરછમાં જાણવા મળ્યું કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી અને તેમનાં બહેને ઘણી વખત સમાધાન કરાવ્યું છે."
"મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સ્થાનિકોને કંઈક પડવાનો અવાજ સંભળાયો અને ત્યાં જઈને જોતાં કુલદીપસિંહ, તેમનાં પત્ની અને પુત્રીએ કૂદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું."
પાડોશીઓની પૂછપરછ પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે પહેલાં કુલદીપસિંહનાં પત્ની રિદ્ધિબહેન કૂદ્યાં હતાં અને બાદમાં કુલદીપસિંહ ખુદ પોતાની પુત્રી સાથે કૂદી પડ્યા હતા.
તેઓ આગળ કહે છે, "પોલીસને આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને મૃતદેહોને પોસ્ટમૉર્ટેમ માટે ખસેડીને તપાસ શરૂ કરી છે."
જોકે, પત્રકારપરિષદમાં કથિત અંતિમ ચિઠ્ઠી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે તેમણે લખેલી કોઈ ચિઠ્ઠી હજી સુધી મળી નથી પરંતુ તપાસ ચાલી રહી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો