You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાયરસ મિસ્ત્રી : અકસ્માત સમયે કાર ચલાવનારાં અનાહિતા પંડોલે કોણ છે?
ગત રવિવારે અમદાવાદ-મુંબઈ હાઇવે પર કાર અકસ્માતમાં દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને તાતા ગ્રૂપના ભૂતપૂર્વ ડાયરેક્ટર સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું.
બુધવારે મુંબઈના હિંદુ વર્લી સ્મશાનમાં તેમની અંતિમ વિધિ કરાઈ હતી.
તેઓ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતેથી પાછા ફરી રહ્યા હતા.
કારમાં તેમની સાથે જહાંગીર પંડોલે (જેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું), ડેરિયસ પંડોલે અને ડૉ. અનાહિતા પંડોલે હતાં.
ડેરિયસ અને અનાહિતા પતિ-પત્ની છે. તેમનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. અકસ્માત સમયે અનાહિતા કાર ચલાવી રહ્યાં હતાં અને ડેરિયસ તેમની બાજુની સીટ પર બેઠા હતા.
જ્યારે મૃતક સાઇરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળની સીટો પર બેઠા હતા.
54 વર્ષીય ડૉ. અનાહિતા પંડોલે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલનાં ગાયનેકૉલૉજિસ્ટ છે. ડેરિયસ જેએમ ફાઇનાન્સિયલ પ્રાઇવેટ ઇક્વિટીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ છે. આ ત્રણેય સાયરસનાં કૌટુંબિક મિત્રો હતાં.
સાયરસ સિવાયના અન્ય મૃતક જહાંગીર પંડોલે ડેરિયસના ભાઈ હતા. તેઓ ગ્લોબલ સ્ટ્રેટજી ગ્રૂપ કેપીએમજીના ડિરેક્ટર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંડોલે પરિવાર ડ્યૂક નામની સોફ્ટ ડ્રિંક ઉત્પાદન કંપની ધરાવતા હતા. જે વર્ષ 1994માં પેપ્સિકો દ્વારા ખરીદી લેવાઈ હતી.
સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદથી ઘણા બધા મુદ્દાની ચર્ચા થવા લાગી હતી. તે પૈકી એક મુદ્દો હતો અનાહિતા પંડોલે કોણ છે? જેઓ અકસ્માત વખતે ગાડી ચલાવી રહ્યાં હતાં.
અકસ્માત સમયે સાયરસ મિસ્ત્રીની કારનાં ડ્રાઇવર અનાહિત પ્રસિદ્ધ ડૉક્ટર છે
- અનાહિતા પંડોલે મુંબઈના પ્રખ્યાત ગાયનેકૉલૉજિસ્ટ છે
- સાયરસ મિસ્ત્રીનું જે કારમાં અકસ્માત થયું તે અનાહિતી ચલાવી રહ્યાં હતાં
- તેઓ ડૉક્ટર હોવા ઉપરાંત સક્રિયપણે પારસીઓ અને સામાન્ય નાગરિકો માટે કામ કરે છે
- તેમને પારસીઓ માટે ફર્ટિલિટીની સેવા સુલભ બનાવતા પ્રોગ્રામ 'જીયો પારસી'ને સાકાર કરવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી
- તેઓ અત્યાર સુધી ઘણાં વંધ્ય દંપતીને ફર્ટિલિટી સેવા રાહતદરે પૂરી પાડી ચૂક્યાં છે
અનાહિતા પંડોલે કોણ છે?
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અનાહિતા પંડોલે જસલોક હૉસ્પિટલ, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ, મસીના હૉસ્પિટલ અને બીડી પેટિટ પારસી જનરલ હૉસ્પિટલ સાથે સંકળાયેલાં છે. તેઓ મુંબઈના ટોચના ગાયનેકૉલૉજિસ્ટ પૈકી એક છે.
અહેવાલ અનુસાર અનાહિતાએ પારસીઓની ઘટતી જતી વસતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ કર્યા છે.
આ સિવાય પારસીઓને રાહત દરે ફર્ટિલિટી અંગેની સારવાર મળી રહે તે અંગેના પ્રયત્નો કરવા માટે તેમને રાષ્ટ્રીય સ્તરે નામના મળી હતી.
જાન્યુઆરી 2004માં ડૉ. પંડોલેએ બૉમ્બે પારસી પંચાયત સાથે મળીને 'ધ બૉમ્બ પારસી પંચાયત ફર્ટિલિટી પ્રોજેક્ટ'ની શરૂઆત કરી હતી. જેના કારણે ઘણા પારસીઓને આ ક્ષેત્રને લગતી નવીન સુવિધાઓ પ્રાપ્ત થઈ હતી.
તેમણે જીયો પારસી પ્રોગ્રામને વાસ્તવિક રૂપ આપવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. જીયો પારસી પ્રોગ્રામ એ સરકારી સહાયથી ચાલતી એક યોજના છે જેમાં વંધ્ય દંપતી માટે ફર્ટિલિટી અંગેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેથી તેઓ માતાપિતા બનવાનું સુખ મેળવી શકે.
આ સિવાય તેમણે પરઝોર ફાઉન્ડેશનની મદદથી કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય માટે ભારતમાં રહેતા તમામ પારસીઓનો ડેટાબૅઝ બનાવવામાં ભૂમિકા ભજવી હતી.
જીયો પારસી પ્રોગ્રામ અંગે રજૂ કરાતા ત્રિમાસિક રિપોર્ટમાં ડૉ. પંડોલેએ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ માસ સુધી 18 દંપતીને આ સારવાર પૂરી પાડી હતી. આ સિવાય તેઓ પારસી યુવાનો અને તેમનાં માતાપિતાને યોગ્ય ઉંમરે લગ્ન કરવા અને માતાપિતા બનવા માટે સમજાવવાનું કાર્ય કરે છે. આ સિવાય તેઓ આ હેતુ માટે તેઓ સ્વયંસેવકોને તાલીમ પણ આપે છે.
દાક્તરી સેવાઓ પૂરી પાડવા ઉપરાંત તેઓ સમાજ માટે કામ કરનાર અને આ હેતુને વરેલાં નાગરિક પણ છે.
તેઓ રસ્તા પર લાગતા ગેરકાયદેસર હૉર્ડિંગને લઈને ઘણી વાર અવાજ ઉઠાવી ચૂક્યા છે.
તેઓ હાઇવે પર લગાવાતા હૉર્ડિંગ અંગે ઘણી વાર ફરિયાદ કરી ચૂક્યાં છે. તેમનું કહેવું હતું કે આ હૉર્ડિંગના કારણે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો જોખમમાં મુકાય છે.
અહેવાલ અનુસાર તેઓ હાલ સારવાર હેઠળ છે.
અકસ્માત દરમિયાન શું થયું હતું?
તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી (54 વર્ષ) સાથે અન્ય પૅસેન્જરોને રવિવારના રોજ મહારાષ્ટના પાલઘર જિલ્લામાં માર્ગ અકસ્માત નડ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી જણાવ્યું કે તેમની કાર સડકના ડિવાઇડર સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના થઈ હતી.
તેમણે જણાવ્યું કે સાયરસ મિસ્ત્રી દુર્ઘટના સમયે મર્સીડીઝ કારમાં અમદાવાદથી મુંબઈની યાત્રા કરી રહ્યા હતા.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર લખે છે, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર પૂરપાટ જઈ રહી હતી અને પાછળની સીટ પર બેસેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મૃત્યું થયું હતું. બન્નેએ સીટ બેલ્ટ નહોતા બાંધ્યા.
આ સિવાય કારમાં અકસ્માત સમયે ઍરબૅગ સમયસર ખૂલી હતી કે કેમ તે અંગે પણ હજુ સુધી કંઈ ખબર પડી શકી નથી. તેમજ જો સમયસર ઍરબૅગ ખૂલી હોત તો તે પરિસ્થિતિમાં બંને મૃતકોના જીવ બચાવી શકાયા હોત કે કેમ તે પણ હાલ તબક્કે કહી શકાય એમ નથી.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસસૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાલઘરમાં ચારોટી ચૅકપોસ્ટ પરથી મર્સીડીઝ કાર બપોરે 2:21 વાગ્યે પસાર થઈ હતી જ્યારે અકસ્માત બપોરે 2:30 વાગ્યે સૂર્યા નદી પર આવેલા પુલ પર થયો હતો, જે ચૅકપોસ્ટથી લગભગ 20 કિલોમિટર દૂર છે.
જેના આધારે ગાડીએ 20 કિલોમિટરનું અંતર માત્ર નવ મિનિટમાં કાપ્યું હોવાનું પીટીઆઈ પોલીસના હવાલેથી જણાવે છે.
આ ઉપરાંત ગાડી ચલાવી રહેલાં ડૉ. અનાહિતાથી ચૂક (ઍરર ઑફ જજમૅન્ટ) થઈ હોવાનું પણ પોલીસનું માનવું છે.
ઇકૉનોમિક ટાઇમ્સ સૂત્રોને ટાંકીને લખે છે, 'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોડ ઇજનેરી કે વાહનમાં કોઈ ખામી નહોતી. આગળની સીટ પર બેસેલી બન્ને વ્યક્તિ માટે ઍરબૅગ ખૂલી હતી. જ્યારે પાછળની સીટમાં આવી કોઈ ઍૅરબૅગ જોવા નહોતી મળી. એ ઉપરાંત પાછળ બેઠેલી વ્યક્તિઓએ સીટ બેલ્ટ પણ નહોતો બાંધ્યો.'
સાયરસ મિસ્ત્રી અને અન્ય ત્રણ અંતિમ વિધિ માટે ગુજરાતના વલસાડ ખાતેના ઉદવાડા ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરી રહ્યાં હતાં.
પારસીઓના ધર્મગુરુ ખુરશીદજી વડા દસ્તૂરના જણાવ્યા પ્રમાણે સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારે રવિવારે સવારે ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાત લીધી હતી.
ઈરાનશાહ આતશ બહેરામ ભારતમાં પારસી ધર્મનાં આઠ અગ્નિમંદીરો પૈકીનું એક અને પ્રથમ મંદીર છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો