You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રેડ પે શું છે અને ગુજરાત સરકારને પોલીસનો ગ્રેડ-પે વધારવા સામે શો વાંધો છે?
- ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓને પગારવધારો આપવા માટે 550 કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું
- પરંતુ ઘણા પોલીસકર્મચારીઓ અને નેતાઓએ આ પગલા અંગે નારાજગી વ્યક્ત કરી?
- તેમની દલીલ છે કે ગ્રેડ-પેમાં વધારો નથી કરાયો, તો જાણીએ કે ગ્રેડ-પે શું છે અને સરકારને પોલીસના ગ્રેડ-પેમાં વધારા સામે શું વાંધો છે?
ગુજરાતમાં પાછલા ઘણા સમયથી પોલીસ દ્વારા પોતાના પગાર અંગેનો ગ્રેડ-પે વધારવા મામલે માગ ઉઠાવાઈ રહી હતી. આખરે ગત 14 ઑગસ્ટના રોજ ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસના પગારમાં વધારા માટે 550 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું હતું.
આ વધારા બાદ પોલીસને મળતાં વાર્ષિક વેતનમાં વધારો થયો હોવાના અનેક અહેવાલો જોવા મળ્યા હતા.
તેમ છતાં વિપક્ષ અને સરકારની જોગવાઈથી નારાજ કેટલાક લોકો આ વધારાને સંવેદનશીલ પગલું નહીં પરંતુ માત્ર 'લૉલીપૉપ' ગણાવી રહ્યા છે.
ગુજરાત સરકારના આ નિર્ણયને પોલીસના ઘણા ઉચ્ચ અધિકારીઓ, સરકારના મંત્રીઓ અને હોદ્દેદારોએ પોલીસ માટે કલ્યાણકારી અને સંવેદનશીલ ગણાવ્યો છે.
બીજી તરફ સરકારના નિર્ણયની ટીકા પાછળ એવી દલીલ અપાઈ રહી છે કે ગુજરાત પોલીસના કર્મચારીઓની માગણી ગ્રેડ-પેમાં વધારાની હતી. જોકે, સરકારે તેમાં વધારો ન કરી ભથ્થાંમાં વધારો કરીને, કર્મચારીઓના મતે 'લૉલીપૉપ' આપવાના પ્રયાસ કર્યા છે.
આ દલીલ સાથે જ એવો પ્રશ્ન ચર્ચાવા લાગ્યો છે કે આખરે ગ્રેડ-પે શું છે અને સરકાર પોલીસના ગ્રેડ-પેમાં કેમ વધારો નથી કરી રહી?
ગ્રેડ-પે શું છે?
ભારતના છઠા પગારપંચ દ્વારા પોતાની ભલામણોમાં રનિંગ પે-બૅન્ડ અને ગ્રેડ-પેની વ્યવસ્થા સૂચવાઈ હતી.
જે અનુસાર પે-બૅન્ડનો બૅઝિક પગાર અને ગ્રેડ-પેના સરવાળા થકી નોકરી સાથે સંલગ્ન અન્ય લાભો જેમ કે, મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, મુસાફરી ભથ્થું અને પ્રકીર્ણ ભથ્થાં નિશ્ચિત ટકાવારી અનુસાર નક્કી કરાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વ્યવસ્થા અંતર્ગત પગાર મેળવતા કર્મચારીનો પગાર નક્કી કરે છે.
સાતમા પગારપંચની ભલામણ બાદ આ વ્યવસ્થાના સ્થાને પે મેટ્રિક્સ વ્યવસ્થા લાગુ કરાઈ છે. જોકે ઘણી રાજ્ય સરકારો છઠા પગારપંચની જોગવાઈ પ્રમાણે ગ્રેડ-પે વ્યવસ્થા જ ચાલુ રાખી છે.
પોલીસની ગ્રેડ-પેની માગણીનો સ્વીકાર કેમ નહીં?
ગુજરાત પોલીસ માટે ગ્રેડ-પેમાં વધારાની માગણી ઉઠાવતાં સામાજિક કાર્યકર અશ્વિન પંચાલ જણાવે છે કે, "ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓની માગણીને માન નથી આપ્યું. માગ ગ્રેડ-પેમાં વધારાની હતી. પરંતુ સરકારે માત્ર ભથ્થાંમાં વધારા કર્યા."
ગુજરાત પોલીસના ગ્રેડ-પેમાં વધારાની માગ કેમ પૂરી કરાતી નથી તે અંગે તેઓ પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "સરકાર ગ્રેડ-પેમાં વધારો કરે તો પોલીસને તેનો લાભ અન્ય તમામ ભથ્થાંમાં પણ વધુ પ્રમાણમાં મળે જે હાલમાં પૅકેજ અંતર્ગત મળેલ વધારા કરતાં વધુ થઈ જાય. અને સરકારને આ બાબત પોતાના પરના નાણાકીય બોજામાં વધારા સમાન લાગતી હોઈ તે ગ્રેડ-પેમાં વધારો મંજૂર કરી નથી રહી."
તેઓ આગળ કહે છે કે, "ગુજરાત સરકારે ભથ્થાં વધાર્યાં પરંતુ તેની અસર ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા પોલીસ જવાનો અને શહેરી વિસ્તારમાં કામ કરતાં પોલીસજવાનોના પગાર પર સમાન રહેવાની નથી. ગ્રામીણ પોલીસને આનાથી ઓછો લાભ થશે. તેમજ મુદ્દો નીચલા વર્ગના તમામ પોલીસ કર્મચારીઓનો ગ્રેડ-પે વધારીને તેમને એકસમાન પગારના ધોરણમાં લાવી શકાય. અત્યારે જુદાં જુદાં ખાતાંમાં કામ કરતા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે અલગ-અલગ છે."
પોલીસ માટે ગ્રેડ-પે વધારાના આંદોલનમાં સંકળાયેલ રાહુલ રાવલ જણાવે છે કે, "સરકાર જો પોલીસના ગ્રેડ-પેમાં વધારો કરે તો તેમના પર નાણાકીય બોજો વધે અને પગારપંચની ભલામણો પ્રમાણે સમયસર પગાર સંબંધિત વધુ નાણાકીય લાભ આપવાના થાય, જે કારણે સરકાર પોતે નાણાકીય જવાબદારીથી બચવા માટે ભથ્થાંમા વધારો કરીને છૂટવા માગે છે. અમારી માગ ગ્રેડ-પેમાં વધારાની છે."
તેઓ ગુજરાત સરકારના પગલાની ટીકા કરતાં કહે છે કે, "સરકારે આ વખત મોટો વધારો લોકરક્ષક દળના કર્મચારીઓને આપ્યો છે. જેમની સંખ્યા ખૂબ ઓછી છે. આમ, સરકારે અન્ય વર્ગ-3ના પોલીસ કર્મચારીઓ, જેમની સંખ્યા વધુ છે તેમને વધારે લાભથી વંચિત રાખ્યા છે."
આ સિવાય તેમણે સરકાર સમક્ષ માગ કરી છે કે પોલીસની નોકરીમાં રજા નથી હોતી તેને જોતાં કર્મચારીઓ માટે સાતમા પગારપંચ મુજબ રજાનો પગાર મળે, તેમણે રિફ્રેશમેન્ટ ભથ્થું, પેટ્રોલિંગ ભથ્થા અને વૉશિંગ ભથ્થામાં વધારા જેવી માગણીઓ અંગે સરકારે ધ્યાન ન આપ્યું હોવાની વાત કરી હતી.
ગુજરાતના પોલીસકર્મચારીઓનો પગાર કેટલો વધ્યો?
કૉંગ્રેસ-આપે શું કહ્યું?
ગુજરાતની સરકારની આ જાહેરાત બાદ વિપક્ષ કૉંગ્રેસની પણ પ્રતિક્રિયા આવી છે, આ મામલે તેમણે ભાજપની ટીકા કરી છે.
કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના આ નિર્ણયની આકરી ટીકા કરતા કહ્યું કે, "જેમના માથે રાજ્યની સુરક્ષાની જવાબદારી છે એવા 65 હજાર પોલીસકર્મચારીઓ માટે 550 કરોડના ભથ્થા વધારવાની જાહેરાત કરાઈ છે, જે એક લૉલિપૉપ છે."
"ગ્રેડ પે પોલીસકર્મીઓનો અધિકાર છે અને જે રાજ્યો ગુજરાત કરતાં આર્થિક દૃષ્ટિએ પાછળ છે, ત્યાં પણ ગુજરાત કરતાં વધારે ગ્રેડ પે ચૂકવવામાં આવે છે. તો પછી એમાં વધારો કેમ કરાતો નથી."
"બીજાં રાજ્યોમાં 4200 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1800 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે છે."
આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગે ગુજરાતના પોલીસકર્મીઓને અભિનંદન પાઠવ્યાં છે.
સાથે જ તેમણે કહ્યું કે, "અરવિંદ કેજરીવાલની એક જાહેરાત બાદ ગુજરાતની ભાજપ સરકાર સફાળી જાગી અને પોલીસકર્મીઓનાં ભથ્થાંમાં વધારો કર્યો."
"પોલીસકર્મીઓની ગ્રેડ પેની માગ છે, વર્ષોથી ગુજરાતના પોલીસકર્મીઓનું શોષણ થાય છે. સરકારે ભથ્થાં વધારીને આ વાત સાબિત પણ કરી દીધી."
"જોકે હજી પણ પોલીસકર્મીઓ ઇચ્છે છે કે ગ્રેડ પેમાં વધારાની અમારી માગ છે. ગ્રેડ પેમાં વધારો થાય તો પોલીસકર્મીઓને પૂરતો લાભ મળવાપાત્ર છે."
"મારી ગુજરાત સરકારને વિનંતી છે કે પોલીસકર્મીઓને ગ્રેડ પેમાં વધારો કરે
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગે એક ટ્વીટ કરીને માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે, "પોલીસવિભાગના કર્મચારીઓની રજૂઆતોને ધ્યાને લઈ સમિતિની રચના કરાઈ હતી."
"મારી તથા ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી અનેક બેઠકોમાં આ અનુસંધાને ચર્ચા-વિચારણા થઈ હતી."
"પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસવિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું."
ગુજરાત સરકારના જુદા જુદા હોદ્દેદારો, પોલીસકર્મીઓએ ગુજરાત સરકારના નિર્ણયને સંવેદનશીલ ગણાવ્યો હતો. અને તેને ગુજરાતના પોલીસકર્મીઓ માટે કલ્યાણકારક ગણાવી વધાવી લીધો હતો.
જોકે, ગ્રેડ-પે વધારની માગ કરનારા હજુ પણ પોતાની માગ અંગે આગળ લડત ચાલુ રાખવા જણાવી રહ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો