જામનગરની હોટલમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા - પ્રેસ રિવ્યૂ

જામનગરમાં મોટી ખાવડી નજીક એક હોટલમાં ભીષણ આગ લાગી છે. આ આગ એલન્ટો નામની હોટેલમાં લાગી છે.

બીબીસીના સહયોગી દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર, અલગઅલગ મીડિયો અહેવાલો અનુસાર હોટલમાં આગને કારણે અનેક લોકો ફસાઈ ગયા છે.

આગના જે વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, તેમાં આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

તેમજ દૂર દૂર સુધી આગ ફેલાઈ હોય એવું પણ લાગી રહ્યું છે. આગને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગને ઓલવવા માટે ફાયરની ટીમ પણ આવી પહોંચી છે અને પાણીનો મારો ચલાવી રહી છે.

જામનગર જીજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારીએ કહ્યું, "સમાચાર એવા છે કે આગ મોટી છે. ખાવડીથી ફોન આવ્યો હતો કે 20થી 25 દર્દી અહીં મોકલી રહ્યા છીએ. દર્દીઓ અહીં આવી રહ્યા છે. ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ વગેરે તૈયારી કરી દેવામાં આવ્યો છે. અમારી પાસે સર્જરીના 4-5 ડૉક્ટરો હાજર છે. એ સિવાયનો સિનિયર ડૉક્ટર્સ અને નર્સિંગનો સ્ટાફ હાજર છે."

જગદીપ ધનખડે દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

જગદીપ ધનખડે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને ઉપરાષ્ટ્રપિતપદપદના શપથ અપાવ્યા.

શપથ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહ્યા હતા.

2019થી પશ્ચિમ બંગાલના રાજ્યપાલ રહેલા જગદીપ ધનખડે આ મહિને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર તરીકે વિપક્ષના ઉમેદવાર માગ્રરેટ અલ્વાને હરાવ્યાં હતાં.

રાજસ્થાન જિલ્લાના ઝુંઝુનૂ જિલ્લાના કિઠાણા ગામમાં 18 મે 1951ના જન્મેલા જગદીપ ધનખડે પ્રારંભિક અભ્યાસ (પાંચમા ધોરણ સુધી) ગામની સરકારી શાળામાં જ કર્યો હતો. ત્યાર બાદ, તેમણે સ્કૉલરશિપ હાંસલ કરીને ચિતૌડગઢના સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.

ધનખડે જયપુરના પ્રતિષ્ઠિત મહારાજા કૉલેજથી બીએસસી (ઑનર્સ0ની ડિગ્રી હાંસલ કરી હતી. તેમણે રાજસ્થાન વિશ્વવિદ્યાલયથી જ કાયદા( એલએલબી)નો અભ્યાસ કર્યો.

ધનખડની રાજકીય કારકિર્દી વર્ષ 1989થી શરૂ થઈ. એ વર્ષે તેઓ ભાજપના સમર્થન સાથે લોકસભા ચૂંટણી લડ્યા અને જીતીને પ્રથમ વખત સાંસદ બન્યા. તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા.

કેન્દ્ર સરકારે 20 જુલાઈ 2019ના ધનખડને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવ્યા હતા. રાજ્યપાલ તરીકે બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસની સાથે તેમના ટકરાવના સમાચાર આવ્યા હતા.

જમ્મુ કાશ્મીર: સેનાના કૅમ્પ પાસે ચરમપંથી હુમલો, ત્રણ જવાનો અને બે ચરમપંથીઓનાં મોત

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના દરહાલ વિસ્તારમાં ગુરુવાર સવારે ભારતીય સેનાના એક કૅમ્પ પાસે સુરક્ષાબળો અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટર થયું.

સેનાના વરિષ્ઠ અધિકારી અનુસાર આ ઍન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન માર્યા ગયા છે, અહીં બે ચરમપંથીઓનાં પણ મૃત્યુ થયાં છે.

ત્યાં જમ્મુના અતિરિક્ત પોલીસ મહાનિદેશક મુકેશ સિંહે એક લેખિત નિવેદન આપ્યું જેમાં તેમણે બે ચરમપંથીઓનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

મુકેશ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે સેનાનો કૅમ્પ દરહાલ પોલીસ સ્ટેશનથી લગભગછ કિલોમિટર દૂર છે.

આ જગ્યા પર અતિરિક્ત સુરક્ષાબળ મોકલવામાં આવ્યા છે અને વિસ્તારમાં હજી તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

'ગુજરાત જીત્યા તો મહિલાઓને 1,000 રૂ.ની સન્માન રાશિ પ્રતિમાસ અપાશે' : કેજરીવાલ

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે અમદાવાદમાં વાત કરતાં ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને મહિલાઓનો સહકાર મેળવવા માટે પ્રતિમાસ એક હજાર રૂપિયાની સન્માન રાશિ આપવાનો વાયદો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "જો આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સત્તા હાંસલ થાય તો તેઓ 18 વર્ષ કરતાં વધુ વયનાં તમામ મહિલાઓને પ્રતિમાસ એક હજાર રૂપિયાની સન્માન રાશિ આપશે."

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જોશમાં દેખાઈ રહ્યું છે. પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ મહિલાઓ, યુવાનો અને આદિવાસીઓ માટે કેટલીક આકર્ષક જાહેરાતો કરીને પક્ષનો પાયો મતદારોનાં મનમાં મજબૂત કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે.

અરવિંદ કેજરીવાલે વડા પ્રધાને તાજેતરમાં ચૂંટણી પહેલાં કરાતાં મફતની સુવિધાને લગતા વાયદાને 'ફ્રી રેવડી' ગણાવવાની વાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "તેઓ આને ફ્રી રેવડી કહે છે, આ કંઈ મફતની વસ્તુ નથી. આ તમારાં નાણાં છે, તે સ્વિસ બૅંક સુધી ન પહોંચવા જોઈએ."

અંકલેશ્વરમાં RTI ‌ઍક્ટિવિસ્ટ પર હુમલાના છ દિવસ બાદ નિધન

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ભરૂચ જિલ્લામાં બુધવારે સવારે 40 વર્ષીય માહિતી અધિકાર(આરટીઆઈ) કાર્યકર્તા સદાકત વાડીવાલાનું સરદાર પટેલ હૉસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

નોંધનીય છે કે તેમના પર ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ટાઉન ખાતે ત્રણ બંદૂકધારીએ હુમલો કર્યો હતો.

ચાર ઑગસ્ટના રોજ થયેલ આ હુમલા બાદ તેમનાં પત્ની અફસાનાએ ત્રણ સ્થાનિક બિલ્ડરો પર શંકા વ્યક્ત કરી હતી. કારણ કે વાડીવાલાની ફરિયાદ બાદ ગત મહિને તેમનું 'ગેરકાયદેસર અંડરકન્સ્ટ્રક્શન કૉમ્પલેક્સ' સીલ કરી દેવાયું હતું.

અફસાનાની ફરિયાદ પ્રમાણે, અંકલેશ્વર ટાઉન પોલીસે મોહમ્મદ શફી ઉર્ફે કાનાણી ગુલામ નબી શેખ, અઝહર રિયાઝ ઉર્ફે ભગવાન અને સલીમ ઉસ્માન શાહ વિરુદ્ધ FIR નોંધી હતી. આ ત્રણેય અલ નૂર કૉમ્પલેક્સના બિલ્ડરો અને ભાગ્યોદય સોસાયટીના રહીશો છે.

31 ઑગસ્ટથી ડૉમેસ્ટિક હવાઈ યાત્રાના દર પરની સરકારી મર્યાદા દૂર થશે, શું થશે અસર?

લાઇવ મિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે 31 ઑગસ્ટથી ડૉમેસ્ટિક હવાઈ મુસાફરીના ટિકિટ દર પરની સરકારી મર્યાદા દૂર થશે. નોંધનીય છે કે પાછલા 27 મહિનાથી આ મર્યાદા અમલમાં હતી. જોકે, હવે ઍરલાઇન્સ પોતાની મરજી અનુસાર ભાડાં નક્કી કરી શકશે.

પ્રભુદાસ લીલાદર પ્રાઇવેટ લિમિટેડનાં રિસર્ચ ઍસોસિએટ માનસી લાલે કહ્યું, "અમને આ સરકારનો હકારાત્મક નિર્ણય લાગી રહ્યો છે. આ નિર્ણય ત્યારે લેવાયો છે જ્યારે ઍરલાઇન્સ માટેના ફ્યુઅલના દરમાં સ્થિરતા આવી રહી છે અને હવાઈ મુસાફરીની માગ કોવિડ અગાઉના તબક્કા જેવી થવા જઈ રહી છે."

"અમને લાગે છે કે ઓછી મુસાફરીના સમયગાળામાં મોટા ભાગની કંપનીઓ ટિકિટ દર સ્પર્ધાને જોતાં પ્રમાણસર આકર્ષક અને ઓછા રાખશે. જોકે તહેવારોના સમયગાળામાં તેમાં વધારો જરૂર થઈ શકે છે."

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગેના હુકમની કૉપી ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "આ નિર્ણય રોજબરોજની માગના સતર્ક વિશ્લેષણ બાદ લેવાયો છે. આ ક્ષેત્રમાં સ્થિરતા આવી ચૂકી છે. અને અમને વિશ્વાસ છે કે સૅક્ટરમાં ડૉમેસ્ટિક મુસાફરીને ધ્યાને રાખતા નજીકના ભવિષ્યમાં માગ વધશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો