You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહુઆ મોઇત્રા : તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદની દેવી કાલી પરની ટિપ્પણીથી વિવાદ, FIR નોંધાઈ
- કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્ર દ્વારા સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચ્યાની ફરિયાદ ઊઠી છે
- ટ્વિટર પર ઘણા લોકો આ પોસ્ટરને ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરનાર ગણાવીને કાયદાકીય કાર્યવાહીની માગ કરી રહ્યા છે
- તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં દેવી કાલીને લઈને ટિપ્પણી કરી હતી
- તેમની ટિપ્પણી બાદ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને ધરપકડની માગ કરવામાં આવી
તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા મંગળવારે એક નિવેદન આપીને વિવાદમાં ફસાઈ ગયાં છે.
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે માંસ ખનારા અને દારૂ પીનાર કાલી દેવીની કલ્પના કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાના ભગવાન અને દેવીની પોતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે.
દેવી કાલી પરના કથિત વિવાદાસ્પદ નિવેદન બાદ ભોપાલમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં તેમની સામે IPCની કલમ 295A હેઠળ નોંધવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કાલી દેવી પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ટિપ્પણીની નિંદા કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મહુઆ મોઇત્રાના નિવેદનથી હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કોઈ પણ કિંમતે સહન કરવામાં નહીં આવે."
ભાજપે મહુઆ મોઇત્રાના આ નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા પૂછ્યું હતું કે શું બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીનો પણ આ જ મત છે?
નિવેદન પર પ્રતિક્રિયા
ભાજપે કહ્યું કે આ હિંદુ દેવી અને દેવતાઓનું અપમાન છે. તૃણમૂલ કૉંગ્રેસે આ વિવાદમાં ખુદને પોતાના સાંસદની ટિપ્પણીથી અલગ કરી લીધું છે અને મહુઆ મોઇત્રાના નિવેદનની ટીકા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર બેઠકથી લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં મંગળવારે કહ્યું હતું કે આ વ્યક્તિગત અધિકાર છે કે પોતાના આરાધ્યને કયા રૂપમાં જુએ છે.
મહુઆએ કહ્યું હતું, "આપ ભૂતાન અને સિક્કિમમાં જાઓ તો તેઓ પૂજામાં પોતાના આરાધ્યને વ્હિસ્કી આપે છે પણ જો આપ ઉત્તર પ્રદેશમાં જઈને પ્રસાદ તરીકે વ્હિસ્કી આપવાની વાત કરશો તો લોકો તેને ઇશનિંદા ગણશે."
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે લોકોને અધિકાર છે કે તેઓ પોતાના આરાધ્યની કલ્પના પોતાની રીતે કરે.
તેમણે કહ્યું, "મારા માટે કાલી એક માંસ ખાનારી અને દારુ સ્વીકારનારી દેવી છે અને જો તમે તારાપીઠ (પશ્ચિમ બંગાળમાં બીરભૂમ જિલ્લામાં આવેલ શક્તિપીઠ) જશો તો સાધુઓ સ્મોકિંગ કરતા જોવા મળશે. કાલીની પૂજા કરનારા આપને અલગ-અલગ લોકો મળશે. "
"હિંદુ ધર્મમાં કાલીના ઉપાસક તરીકે મને અધિકાર છે કે હું મારી દેવીની કલ્પના મારી રીતે કરી શકું. આ મારી આઝાદી છે."
મોઇત્રાએ આ નિવેદન કાલી પર બનાવવામાં આવેલી વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપ્યુ હતું.
મોઇત્રાએ કહ્યું હતું કે જે રીતે તમને શાકાહારી અને સફેદ વસ્ત્રમાં ઈશ્વરની પૂજા કરવાની આઝાદી છે, તે જ રીતે મને પણ માંસાહારી દેવીની પૂજા કરવાનો અધિકાર છે.
આ ટિપ્પણી ગણતરીના કલાકોમાં વાઇરલ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે આરએસએસ પર હુમલો કરતા એક સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું.
મહુઆએ ટ્વીટમાં કહ્યું હતું, "આ તમામ સંઘીઓ માટે છે. જુઠ્ઠું બોલવાથી તમે સારા હિંદુઓ બની શકતા નથી."
"મેં ક્યારેય કોઈ ફિલ્મ કે પોસ્ટરનું સમર્થન કર્યું નથી અને સ્મોકિંગ શબ્દનો ઉપયોગ પણ કર્યો નથી. હું આપને સલાહ આપીશ કે ક્યારેક તારાપીઠમાં મા કાલીના દર્શન કરવા જાઓ અને જુઓ કે ત્યાં ભોગમાં શું ચઢાવવામાં આવે છે. જય મા તારા."
જોકે, ટીએમસીએ મહુઆ મોઇત્રાના આ નિવેદનથી પોતાને અલગ કરી લીધાં છે.
ટીએમસીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી મંગળવારે ટ્વીચ કરવામાં આવ્યું, "ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં મહુઆ મોઇત્રાએ દેવી કાલીને લઈને જે કંઈ પણ કહ્યું એ તેમના અંગત વિચાર છે."
"તેમની આ ટિપ્પણીથી ન તો પાર્ટી સહમત છે અને ન તો એ પાર્ટીનું સત્તાવાર વલણ છે. તૃણમૂલ કૉંગ્રેસ મહુઆ મોઇત્રાની ટિપ્પણીની ટીકા કરે છે."
કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભને મહુઆ મોઇત્રા અને ફિલ્મ કાલીના પોસ્ટર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ વિશે કંઈ પણ કહેવા માગતા નથી. આ તેમનો આંતરિક મામલો છે.
શું છે વિવાદ?
કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્રની સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગ્યાની ફરિયાદ ઊઠી છે.
કૅનેડામાં ભારતીય ઉચ્ચાયોગે આને લઈને નારાજગી વ્યક્ત કરતી રજૂઆત કરી છે.
ટ્વિટર પર ઘણા લોકો આ પોસ્ટરને ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરનાર ગણાવીને કાયદાકીય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
કાલિકાદેવીની જેમ કપડાં ધારણ કરેલ એક મહિલાની સિગારેટ પીતી તસવીરવાળા પોસ્ટરને લઈને કૅનેડામાં ઓટાવાસ્થિત ભારતીય ઉચ્ચાયોગે વિરોધ વ્યક્ત કર્યો છે.
ઉચ્ચાયોગે એક નિવેદન જાહેર કર્યું, જેમાં કહેવાયું હતું કે, "અમને કૅનેડાના હિંદુ સમુદાયના નેતાઓ તરફથી એક ફિલ્મના પોસ્ટર અંગે દેવી-દેવતાઓના અપમાનજનક પ્રસ્તુતિકરણને લઈને ફરિયાદ મળી છે જે ટૉરન્ટોના અગાખાન મ્યુઝિયમના 'અંડર ધ ટૅન્ટ પ્રોજેક્ટ'નો ભાગ છે."
કૅનેડા સિવાય ભારતમાં લોકો આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર તો આ એક ફિલ્મનું પોસ્ટર છે, જેનાં નિર્દેશિકા લીના મણિમેકલાઈ છે. શનિવારે લીનાએ પોતાની ફિલ્મ 'કાલી'નું એક પોસ્ટર ટ્વીટ કર્યું હતું, જે અનુસાર આ એક પરફોર્મન્સ ડૉક્યુમૅન્ટરી છે.
હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા ઘણા લોકો આ પોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની ધાર્મિક ભાવનાઓને આનાથી ઠેસ વાગી છે.
પોસ્ટર શૅર કર્યા બાદ સોમવારે લીના મણિમેકલાઈનું નામ ભારતમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની ધરપકડની પણ માગ કરી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો