મુખ્તાર અબ્બાસ નકવીનું કેન્દ્ર સરકારમાં મંત્રીપદેથી રાજીનામું - પ્રેસ રિવ્યૂ

કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ મંત્રીપર પરથી રાજીનામું આપ્યું છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર સાથે મુલાકાત કરી હતી અને બાદમાં રાજીનામું આપી દીધું છે.

મુખ્તાર અબ્બાસ નકવી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં અલ્પસંખ્યક બાબતોના મંત્રી હતા અને રાજ્યસભામાં ભાજપના ઉપનેતા પણ હતા.

રાજ્યસભામાં મંત્રીઓનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે, દરમિયાન તેમણે આ રાજીનામું આપ્યું છે.

નકવીના રાજીનામા બાદ નરેન્દ્ર મોદી સરકારમાં ભાજપનું કોઈ મુસ્લિમ પ્રતિનિધિત્વ રહેશે નહીં.

ચર્ચા એવી પણ છે કે ભાજપ નકવીને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવી શકે છે.

મોદી સરકાર વિરુદ્ધ ટ્વિટર કોર્ટમાં કેમ ગયું?

ટ્વિટરે ભારત સરકારને તેમના પ્લેટફૉર્મ પરથી પોસ્ટ હઠાવવા બાબતે કરેલા આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યા છે.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર, ટ્વિટરે સરકારી અધિકારીઓ પર પોતાની શક્તિનો દુરોપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ ટ્વિટરના આ વલણથી બંને વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

આ વચ્ચે માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મોને સલાહ આપી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રની તમામ કંપનીઓએ ભારતના નિયમો માનવા જ જોઇએ.

આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મોને જવાબદાર બનાવવા અને રૅગ્યુલેટ કરવાનું પણ કહ્યું હતું.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના જજે પણ સરકારને સોશિયલ મીડિયા પર અંકુશ મેળવવા કાયદો લાવવા ભલામણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષથી ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણી વખત ઘર્ષણભરી પરિસ્થિતિ સામે આવી છે.

ગુજરાતમાં કૉંગ્રેસ, આપ અને બીટીપીના 600 જેટલા આદિવાસી કાર્યકરો ભાજપમાં જોડાયા

મંગળવારે ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ બહુજન ટ્રાઇબલ પાર્ટીના 600 જેટલા આદિવાસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ કાર્યકરો દાહોદ, નર્મદા, છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લાના હતા. જેમાં વિવિધ મ્યુનિસપલ કૉર્પોરેશનો તેમજ જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યોનો પણ સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, આ સદસ્યોમાં ઝાલોદ મ્યુનિસપલિટીના પ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપનારાં સોનલ ડિંડોર અને દલા વસૈયાનો પણ સમાવેશ થાય છે.

ઉપરાંત ઝાલોદ મ્યુનિસપલિટીના પ્રમુખ સહિત આઠ કાઉન્સિલરો પણ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.

ભાજપના એક નેતાએ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "પાર્ટી હંમેશાંથી મજબૂત કાર્યકર્તાઓને આવકારે છે. આ માત્ર આગામી ચૂંટણીની તૈયારી નથી પણ આ કૉંગ્રેસના ગઢ ગણાતા નર્મદા, છોટા ઉદેપુર તેમજ દાહોદમાં ભાજપની મજબૂતી દર્શાવે છે."

તેમણે કહ્યું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં આમ આદમી પાર્ટી, બીટીપી તેમજ કૉંગ્રેસમાંથી સેંકડો કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ ભાજપમાં જોડાયા છે અને આગળ પણ જોડાશે."

તેમણે એવું પણ કહ્યું કે આની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.

ગુજરાત સરકાર કેન્દ્ર પાસેથી વધારે ઘઉંનો જથ્થો કેમ માગી રહી છે?

તાજેતરમાં જ ગુજરાત સહિત બે ભાજપશાસિત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વધારે ઘઉંની માગણી કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, બે મહિના પહેલાં કેન્દ્ર સરકારે 10 રાજ્યોમાં કેન્દ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત પૂરા પાડવામાં આવતા ઘઉંના જથ્થા પર કાપ મૂકી હતી. ત્યાર બાદ ગુજરાત અને ઉત્તર પ્રદેશ સરકારે ફરી વખત તેમનો જથ્થો વધારવાની માગ કરી છે.

ગુજરાત સરકારના એક અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ ગુજરાતને આ યોજના અંતર્ગત વ્યક્તિદિઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળતા હતા.

તાજેતરમાં કરાયેલા ફેરફાર બાદ પ્રમાણમાં ફેરફાર થયો હતો. હવે ગુજરાતને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મળી રહ્યા છે.

અધિકારીએ કહ્યું હતું કે, આ જથ્થો અપૂરતો હોવાનું જણાતાં સરકારને રજૂઆત કરી છે અને આશા છે કે આવતા મહિના સુધીમાં વધારે જથ્થો મળી જશે.

આ જ પ્રકારે ઉત્તર પ્રદેશને અગાઉ પ્રતિ વ્યક્તિ 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા મળતા હતા.

જેમાં ફેરફાર કરાયા બાદ પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપવામાં આવી રહ્યા છે.

આ વર્ષે મે મહિનામાં કેન્દ્ર સરકારે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' અંતર્ગત આગામી પાંચ મહિના એટલે કે સપ્ટેમ્બર 2022 સુધી આપવામાં આવનારા ઘઉં-ચોખાના જથ્થા પર કાપ મૂકી છે.

આ કાપ દ્વારા અંદાજે 55 લાખ મૅટ્રિક ટન ઘઉં બચશે, તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ન્યૂઝીલેન્ડ મહિલા અને પુરુષ ક્રિકેટરોને એકસમાન વેતન આપનારો પ્રથમ દેશ બન્યો

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બૉર્ડે પુરુષ અને મહિલા ક્રિકેટરોને એકસમાન ફી ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

આ નિર્ણય ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમનારા ખેલાડીઓ સહિત સ્થાનિક સ્તરે યોજાનારી મૅચો માટે પણ લાગુ થશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા એક અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બૉર્ડ અને ખેલાડીઓના ઍસોસિયેશન વચ્ચે પાંચ વર્ષ માટે આ સમજૂતી થઈ છે.

આ ઐતિહાસિક નિર્ણય બાદ ન્યૂઝીલેન્ડ માટે પ્રૉફેશલન સ્તર પર ક્રિકેટ રમનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે તમામ ફૉર્મેટ માટે એક સમાન ફી આપવામાં આવશે.

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બૉર્ડે મહિલા ખેલાડીઓ વધારવાનો પણ નિર્ણય લીધો છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બૉર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડૅવિડ વ્હાઇટે કહ્યું, "આ મહત્ત્વપૂર્ણ સમજૂતી સુધી પહોંચવા માટે હું ખેલાડીઓ અને અગ્રણી સંગઠનોને શુભેચ્છા પાઠવુ છું."

બૉર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ સમજૂતી બાદ નેશનલ ક્રિકેટ ટીમના ખેલાડીઓને 1,42,346 ન્યૂઝીલેન્ડ ડૉલરથી લઇને 1,63,246 ન્યૂઝીલેન્ડ ડૉલર સુધીનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવશે. જ્યારે ડૉમેસ્ટિક ક્રિકેટના ખેલાડીઓને 18,146 ન્યૂઝીલેન્ડ ડૉલરથી લઇને 19,146 ડૉલર સુધીની ફી ચૂકવવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો