નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને પારડીવાલા કોણ છે?

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે 'દેશને આગમાં ધકેલી દેવા બદલ એમણે દેશની માફી માગવી જોઈએ.'

સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે 'ઉદયપુરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે નૂપુર શર્માનું નિવેદન જ જવાબદાર છે.'

સુપ્રીમ કોર્ટે નાખુશી જાહેર કરી અને કહ્યું કે, 'એમણે ટીવીના માધ્યમથી આખા દેશની માફી માગવી જોઈએ.'

સુપ્રીમ કોર્ટે કહ્યું, "માફી માગવામાં પણ એમણે ખૂબ મોડું કર્યું અને એ શરત સાથે નિવેદન પાછું ખેચ્યું. એમણે કહ્યું હતું કે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું."

જોકે, નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર મળ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે.

કોઈક સુપ્રીમ કોર્ટને શરિયા કોર્ટ તરીકે ઓળખાવી રહ્યું છે તો કોઈક નૂપુર શર્માના કેસ સાથે સંકળાયેલા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાને નિશાન બનાવીને નિવેદનો આપી રહ્યા છે.

કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?

જસ્ટિસ સૂર્યકાંતે માર્ચ 2019માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો.

એક અહેવાલ પ્રમાણે, આ પહેલાં 2018-19 દરમિયાન હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. અગાઉ 2004થી 2018 સુધી તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પણ જજ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

જસ્ટિસ સૂર્યકાંતે રોહતકમાં આવેલી મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે.

તેમના કેટલાક નોંધપાત્ર ચુકાદામાં જિતેન્દ્રસિંહ વિરુદ્ધ પર્યાવરણ મંત્રાલયના કેસનો સમાવેશ થાય છે. જેમાં તેમણે નોંધ્યું હતું કે તળાવો સમાન્ય ઉપયોગ માટે જાહેર ઉપયોગિતાઓ છે.

સુપ્રીમ કોર્ટના નિવેદનના મુખ્ય અંશો

  • 'તેમને ખતરો છે કે તેઓ સુરક્ષા માટે ખતરો બની ગયાં છે? આ મહિલા એકલાં હાથે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે જવાબદાર છે.'
  • 'તેમણે કેવી રીતે ભડકાવ્યા, તે ડિબેટ અમે જોઈ. પરંતુ જે રીતે તેમણે આ બધું કહ્યું અને પછી તેમણે કહ્યું કે તેઓ વકીલ છે. આ શરમજનક છે. તેમણે સમગ્ર દેશની માફી માગવી જોઈએ.'
  • દિલ્હી પોલીસ અને ડિબેટ ચલાવતી ટીવી ચેનલને પ્રીમ કોર્ટની બૅન્ચે કહ્યું કે, "દિલ્હી પોલીસે શું કર્યું? અમારું મોઢું ન ખોલાવો, ટીવી ડિબેટ સેના વિશે હતી? માત્ર એક એજન્ડા ચલાવવા માટે? તેમણે એ વિષય કેમ પસંદ કર્યો, જે અત્યારે કોર્ટમાં છે?"
  • સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માના નિવેદન પર કહ્યું, "તમે એક પાર્ટીનાં પ્રવક્તા છો, એનો અર્થ એ નથી કે તમને આવાં નિવેદનો આપવાનું લાઇસન્સ મળી જાય."

કોણ છે જસ્ટિસ પારડીવાલા?

જસ્ટિસ પારડીવાલાનો જન્મ 12 ઑગસ્ટ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પરિવારમાં તેઓ ત્રીજી પેઢીના વકીલ છે. તેમના દાદા અને પિતા પણ વ્યવસાયે વકીલ હતા.

તેમના પિતા વર્ષ 1989થી 1990 દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પ્રમાણે, તેઓ વલસાડમાં આવેલી જે. પી. આર્ટ્સ કૉલેજમાંથી સ્નાતક થયા હતા અને તેમણે વલસાડમાં જ આવેલી કે. એમ. લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

તેમણે વર્ષ 1989માં વલસાડથી લૉની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. ત્યાર બાદ 2011થી 2022 સુધી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા હતા.

તાજેતરમાં જ 9 મે 2022ના રોજ તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી.

કોણ છે નૂપુર શર્મા?

1985માં 23 એપ્રિલના રોજ જન્મેલાં નૂપુર શર્મા વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે શાળાકીય અભ્યાસ દિલ્હીના મથુરા રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. જ્યારે દિલ્હીની હિંદુ કૉલેજમાંથી ઇકોનૉમિક્સ ઑનર્સ સાથે ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.

વર્ષ 2010માં તેમણે દિલ્હી યુનિવર્સિટીની લૉ-ફૅકલ્ટીમાંથી એલએલબીની પદવી મેળવી હતી. ત્યાર બાદ યુકેમાંથી એલએલએમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

તેઓ કૉલેજકાળથી રાજનીતિમાં સક્રિય રહ્યાં છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનાં પ્રેસિડન્ટ પણ રહ્યાં છે.

નૂપુર શર્માએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યાં છે.

તેઓ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાનો ચહેરો પણ છે.

ભાજપે વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે ટિકિટ આપી હતી. જોકે કેજરીવાલે તેમને જંગી સરસાઈ હરાવ્યાં હતાં.

નૂપુર શર્મા દિલ્હી ભાજપમાં સ્ટેટ ઍક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય છે અને તેમને સસ્પેન્ડ કરાયાં, તે પહેલાં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાં હતાં.

શું છે સમગ્ર મામલો?

નૂપુર શર્માએ 'ટાઇમ્સ નાઉ ચેનલ'ની એક ડિબેટમાં ભાગ લીધો હતો. આ ચર્ચા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને યોજવામાં આવી હતી. પોતાનો વારો આવતાં તેમણે એવી ટિપ્પણી કરી કે જેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો.

નૂપુર પર આરોપ લાગ્યો કે તેમણે પયગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી. જોકે, નૂપુરનો દાવો હતો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

તેમણે દાવો કર્યો હતો કે તેમના પરિવારને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

આ અંગે તેમણે ટ્વિટર દ્વારા દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ આ મામલો ઉગ્ર બન્યો અને ખાડીના દેશો સુધી પહોંચ્યો હતો.

કતાર, કુવૈત જેવા દેશોએ ભારતીય રાજદૂતોને સમન્સ પાઠવ્યા, સાથે જ સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ભારતના બહિષ્કાર અને નૂપુર શર્માની ધરપકડને લઈને પોસ્ટ પણ કરી હતી. એ સિવાય આ દેશોએ નુપૂર શર્માની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી.

નૂપુર શર્મા સામે કેસ નોંધવામાં આવ્યા, જોકે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.

તેમના સમર્થનમાં ઉદયપુરના એક દરજી કનૈયાલાલના ફોન પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી, તે બદલ તેમને ધમકીઓ મળી અને મામલો પોલીસમાં ગયો. જોકે એ દરમિયાન કનૈયાલાલની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

હત્યાના આરોપીઓએ ઘટના બાદ વીડિયો પણ બનાવ્યો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો