પેટ્રોલ-ડીઝલ : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત કેમ વર્તાઈ રહી છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ સહિત રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલની અછતનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે પણ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની તંગીની વાસ્તવિકતા શું છે? આ મુદ્દે મોટાભાગના પેટ્રોલપમ્પ સંચાલકો સપ્લાય ઓછો હોવાનો સ્વીકાર કરે છે.

કેન્દ્ર સરકારની કંપની દ્વારા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો 20થી 40 ટકા સપ્લાય ઓછો કરવામાં આવ્યો હોવાનો પેટ્રોલપમ્પ સંચાલકો દાવો છે. જ્યારે ગુજરાતમાં નાયરા કંપનીના પેટ્રોલપમ્પ ઉપર તો માર્ચ મહિનાથી 60 ટકા ઓછો પુરવઠો આવતો હોવાનો દાવા કરાઈ રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં દર મહિને 60 કરોડ લિટર ડીઝલ અને 25 કરોડ લિટર પેટ્રોલ વપરાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત રાજ્યમાં દર મહિને 60 કરોડ લિટર ડીઝલ અને 25 કરોડ લિટર પેટ્રોલ વપરાય છે

ગુજરાત પેટ્રોલપમ્પ ઍસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓછો મળી રહ્યો છે. ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં અછત જોવા મળી રહી છે."

"છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો મળી રહ્યો છે. પુરવઠાની ઘટ અંગે કંપની દ્વારા અગાઉ જાણ કરવામાં આવી ન હતી તેમજ હાલ પણ અમે કંપનીઓને પુરવઠાની ઘટ અંગે સવાલ કરીએ છીએ કે પુરવઠાની ઘટ ક્યાં સુધી રહેશે?"

"તો તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી. ગુજરાત રાજ્યમાં દર મહિને 60 કરોડ લિટર ડીઝલ અને 25 કરોડ લિટર પેટ્રોલ વપરાય છે. એકલા અમદાવાદમાં 180 પેટ્રોલપમ્પ આવેલા છે."

અમદાવાદ શહેર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાંથી પેટ્રોલ-ડીઝલની અછત અને પેટ્રોલપમ્પ ઉપર લાઈનોની સ્થિતિ જોવા મળી રહી છે.

વીસનગર ઍસ્સાર પેટ્રોલપમ્પના માલિક મેહુલભાઈએ જણાવ્યું હતું, "છેલ્લા 20 દિવસથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો મળી રહ્યો છે. અમે ત્રણ ટૅન્કર માગીએ ત્યારે એક જ ટૅન્કર આપવામાં આવે છે."

"હાલ ખેડૂતોની વાવણીની સીઝન ચાલી રહી છે અને ડીઝલની ખપત વધારે હોય છે ત્યારે જ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો આપવામાં આવતો નથી."

"કંપની સાથે અમે 30 વર્ષનો કરાર કરેલ છે. જે અનુસાર અમને ઑર્ડર નોંધાયાના 24 કલાકમાં કંપની પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડવા બંધાયેલી છે. કંપની દ્વારા અમને પેટ્રોલ અને ડીઝલના વેચાણનો ટાર્ગેટ આપવામાં આવેલો છે."

તેઓ ઉમેરે છે, "જો અમે ટાર્ગેટ પૂર્ણ ન કરીએ તો કંપની અમને પૅનલ્ટી પણ ફટકારે છે. બીજી તરફ હવે કંપની કરાર અનુસાર અમને 24 કલાકમાં જથ્થો પૂરો પાડી શકતી નથી તો કંપનીએ અમને દંડ ભરવો જોઈએ."

"હાલ અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો પણ કરવામાં આવ્યો છે."

"અમે કોઈ રજૂઆત કરીએ તો કંપની દ્વારા અમને ચાર મહિના માટે પેટ્રોલપમ્પ બંધ કરવાનું કહેવામાં આવે છે."

મેહુલભાઈ વધુમાં કહે છે, "કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલપમ્પ બંધ કરી દો અમે તમને કમિશનના પૈસા તમારા બૅન્ક ખાતામાં જમા કરાવી દઈશું. પરંતુ જો પમ્પ બંધ કરીએ તો અમારી ગુડ વિલ ખતમ થઈ જાય અને અમારો ધંધો પણ પડી ભાંગે."

line

અછતનું કારણ શું છે?

અશોક નકુમ: "અમારા નાયરા કંપનીમાં અમારે 15 માર્ચથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો મળી રહ્યો છે. અમને જરૂરિયાતના માત્ર 40 ટકા પુરવઠો જ મળે છે"

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, અશોક નકુમ: "અમારા નાયરા કંપનીમાં અમારે 15 માર્ચથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો મળી રહ્યો છે. અમને જરૂરિયાતના માત્ર 40 ટકા પુરવઠો જ મળે છે"

ફૅડરેશન ઑફ સૌરાષ્ટ્ર નાયરા (ઍસ્સાર) એનર્જી લિમિટેડ પેટ્રોલિયમ ડિલર્સ ઍસોસિયેશનના પ્રમુખ અશોક નકુમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "નાયરા કંપનીમાં અમારે 15 માર્ચથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો મળી રહ્યો છે."

"અમને જરૂરિયાતના માત્ર 40 ટકા પુરવઠો જ મળે છે, જરૂરત કરતાં 60 ટકા ઓછો પુરવઠો મળી રહ્યો છે. આ અંગે અમે વારંવાર કંપનીમાં રજૂઆત કરી છે પરંતુ અમારી રજૂઆત સંભાળવામાં આવી રહી નથી."

તેઓ કહે છે, "અમારા ઍસોસિયેશન દ્વારા 31 માર્ચના રોજ જામનગર જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી દિવસમાં આ અંગે અમે સરકારમાં રજૂઆત પણ કરીશું."

"કંપની દ્વારા સરકાર તરફથી નક્કી કરવામાં આવેલ ભાવ કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો પણ કરી દેવામાં આવ્યો છે. સરકારના પેટ્રોલપમ્પ કરતાં હાલ નાયરા દ્વારા ડીઝલમાં 11 રૂપિયા તેમજ પેટ્રોલમાં આઠ રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે."

"તેમજ આ અંગે કંપની દ્વારા કંઈ લેખિતમાં પણ આપવામાં આવી રહ્યું નથી."ૉ

અશોક નકુમે કહે છે કે કંપનીએ ભાવવધારો કર્યો હોવાથી ગ્રાહકોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ કરતાં વધારે પૈસા ચૂકવવા પડે છે.

તેઓ કહે છે, "સૌરાષ્ટ્રમાં નાયરાના 360 પેટ્રોલપમ્પ આવેલા છે. હાલ પેટ્રોલપમ્પના માલિકોની સ્થિતિ ઘણી વિકટ બની છે. જો આ રીતે જ સ્થિતિ ચાલું રહેશે તો પેટ્રોલપમ્પના માલિકોની સ્થિતિ વધુ દયનીય થશે."

"છેલ્લા કેટલાક દિવસોથીથી ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. હાલ માત્ર ઇન્ડિયન ઑઇલના પેટ્રોલપમ્પ પર જ યોગ્ય જથ્થો મળી રહે છે."

ગુજરાત રાજ્યમાં દર મહિને 60 કરોડ લિટર ડીઝલ અને 25 કરોડ લિટર પેટ્રોલ વપરાય છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગુજરાત રાજ્યમાં દર મહિને 60 કરોડ લિટર ડીઝલ અને 25 કરોડ લિટર પેટ્રોલ વપરાય છે

આઉટલુક સહિતના કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે અનુસાર, હાલમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવ ખૂબ ઊંચા સ્તરે છે. બ્રૅન્ટ ક્રૂડ ઑઇલ 119.05 ડૉલર પ્રતિ બેરલ જેટલું છે. જે રીતે ક્રૂડ ઑઇલના ભાવ વધ્યા છે, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તે પ્રમાણમાં વધ્યા નથી.

જેના કારણે કંપનીઓને પેટ્રોલમાં 14 થી 18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 20 થી 25 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કંપનીઓ આ નુકસાન સહન કરી રહી છે, પરંતુ ખાનગી કંપનીઓ હાથ ઊંચા કરી રહી છે.

નાયરા ઍનર્જી, જિયો-બીપી અને શેલ જેવી ખાનગી કંપનીઓ નુકસાનથી બચવા વેચાણમાં ઘટાડો કરી રહી છે.

જેના કારણે સરકારી કંપનીઓ પર ગ્રાહકોનું દબાણ વધી ગયું છે. આ દબાણને કારણે કેટલાક પેટ્રોલપમ્પ પર પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ છે.

line

અન્ય રાજ્યોમાં પણ અછત

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ગુરુવારે પેટ્રોલિયમ મંત્રાલયે પણ ખુલાસો કરતા કહ્યું કે માગમાં અચાનક વધારો થવાને કારણે કેટલીક જગ્યાએ સપ્લાય પર અસ્થાયી રૂપે અસર થઈ છે. એક ટ્વીટમાં, મંત્રાલયે કહ્યું, 'દેશમાં પેટ્રોલ અને ડીઝલ માગમાં કોઈપણ વધારાને પહોંચી વળવા માટે પૂરતું છે. માગ અને પુરવઠાની સમસ્યાઓમાં અચાનક ઉછાળાએ કેટલાંક રાજ્યોમાં પુરવઠાને અસ્થાયી રૂપે અસર કરી છે. માગ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર, "ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ છે. ઘણા ખાનગી પેટ્રોલપમ્પો બંધ કરી દેવાયા છે અથવા વેચાણ ઘટાડી દેવામાં આવ્યું છે."

પડોશી રાજ્ય રાજસ્થાનમાં 2,000 જેટલા પેટ્રોલપમ્પ પર પેટ્રોલ-ડીઝલની અછતના સમાચાર છે.

પેટ્રોલ અને ડીઝલની વધુ અછત ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે.

પેટ્રોલ અને ડીઝલની વધુ અછત ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેટ્રોલ અને ડીઝલની વધુ અછત ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે

મીડિયા અહેવાલો અનુસાર, "ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) પેટ્રોલ અને ડીઝલની માગ સામે માત્ર 33 ટકા પુરવઠો આપી રહી છે. જેના કારણે તંગી સર્જાઈ છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓએ તેમની માલિકીના કેટલાક પમ્પમાં વેચાણ અટકાવ્યું હોવાના સમાચાર છે."

અલબત્ત, ઇન્ડિયન ઑઇલના પેટ્રોલપમ્પ પર પેટ્રોલ કે ડીઝલની અછતના સમાચાર નથી.

તેલની અછત અંગે ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (આઈઓસી)ના ડાયરેક્ટર (માર્કેટિંગ) વી. સતિશ કુમારે ટ્વીટ કરતા કહ્યું, "અમારા રિટેલ આઉટલેટ્સ પર ઉત્પાદનની ઉપલબ્ધતા એકદમ સામાન્ય છે. તમામ બજારોમાં પર્યાપ્ત ઉત્પાદન ઉપલબ્ધતા અને પુરવઠો છે. અમે તમને ગભરાશો નહીં તેવી વિનંતી કરીએ છીએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન