You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અસદુદ્દીન ઓવૈસી : ગુજરાતમાં પાટીદારોની જેમ મુસ્લિમોને રાજકીય સ્થાન મળવું જોઈએ - પ્રેસ રિવ્યૂ
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુરતની મુલાકાતે આવેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ગુજરાતમાં પાટીદારોની જેમ મુસ્લિમોને રાજકીય સ્થાન મળવું જોઈએ.
ઓવૈસીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સંસદીય મતવિસ્તાર સુરતના લિંબાયતમાં રોડ શો કર્યો હતો.
અહીં ઓવૈસીએ કહ્યું હતું, "પાટીદારો અને મુસ્લિમોના વોટની ટકાવારી ગુજરાતમાં સરખી જ છે. રાજકીય નેતાગીરીની સફળતા અને પાટીદારોની જાગૃતિને કારણે તેમના સમાજના અનેક લોકો ચૂંટાઈને આવે છે. એથી, મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વને વિકસાવવાની અને રાજકીય રીતે જાગૃતિથી આગળ વધવાની જરૂર છે."
આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું, "ચૂંટણીમાં તેઓ હાર માટે મને જવાબદાર ગણે છે. તેમની પાર્ટી(કૉંગ્રેસ) સાથે કામ કરવા માટે કોઈ નથી. તમારા કાર્યકારી પ્રમુખ કહે છે કે તેમના ટોચના નેતાઓ તેમના ફોન તરફ જુએ છે અને તેમના પર ધ્યાન આપતા નથી. તમામ રાજકીય પક્ષોની આદત બની ગઈ છે કે તેમની હાર માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવે છે."
કુતુબમિનારમાં ઉત્ખન્ન માટે કોઈ નિર્ણય લેવાયો નથી : સાંસ્કૃતિક મંત્રાલય
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રવિવારે કેટલાક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાંસ્કૃતિક મંત્રાલયે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને કુતુબમિનારમાં ઉત્ખન્ન કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રિય સાંસ્કૃતિક મંત્રી જી. કે. રેડ્ડીએ કહ્યું હતું કે આવા પ્રકારનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને શનિવારે કુતુબમિનારની મુલાકાત લીધી હતી. જે બાદ સમાચાર આવ્યા હતા કે એએસઆઈએ ઉત્ખન્ન કરવાની શરૂઆત કરી છે. જોકે મંત્રાલયે કહ્યું હતું કે આ નિયમિત મુલાકાત માત્ર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક દિવસ અગાઉ એએસઆઈના સ્થાનિક ડિરેક્ટર ધરમવીર શર્માએ કુતુબમિનારને 'સન ટાવર' ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચંદ્રગુપ્તા વિક્રમાદિત્યએ પાંચમી સદીમાં બંધાવ્યો હતો.
ઍનિમિયાના કેસમાં ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં વધારો થયો
ગુજરાતમાં બાળકોમાં ઍનિમિયાના કેસ છેલ્લાં પાંચ વર્ષમાં 62.9 ટકાથી વધીને 79.7 ટકાએ પહોંચ્યા છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબાર 'રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે'ને ટાંકીને લખે છે કે ઍનેમિયાના ગંભીર કેસો 1.7 ટકાથી વધીને 3.1 ટકાએ પહોંચ્યા છે.
સર્વે અનુસાર પુખ્તવયના પુરુષો અને મહિલાઓમાં પણ ઍનિમિયાના કેસો વધ્યા છે. મહિલાઓમાં ઍનિમિયાની કેસોની સંખ્યા 54.9 ટકા હતી, જે વધીને 65 ટકા થઈ હતી. જ્યારે પુરુષોમાં આ સંખ્યા 21.7 ટકાથી વધીને 26.6 ટકાએ પહોંચી છે.
લોહીમાં રક્તકણો કે પછી હિમોગ્લોબિનની અછતને ઍનિમિયા કહેવામાં આવે છે; આયર્નની ઊણપ એ વિશ્વભરમાં અડધોઅડધ ઍનિમિયાના કેસ માટે જવાબદાર છે.
ઍનિમિયા થવાનાં કારણોમાં હિમોગ્લોબિન બનવા માટે જરૂરી ઘટકોની ઊણપ, રક્તકણોનું તૂટવું, ખોરાકમાં આયર્નની ઊણપ, આયર્નનું બરાબર પાચન ન થવું વગેરે સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો