નિખત ઝરીન : બે વાર વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતનાર બૉક્સરની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપના 50 કિલો વર્ગમાં ભારતનાં નિખત ઝરીને વિયેતનામનાં થી તામ એનગુનને હરાવી દીધાં છે.
ભારતનાં 26 વર્ષીય નિખત ઝરીને બીજી વાર વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં જીત મેળવી છે.
જ્યારે વિયેતનામનાં 28 વર્ષીય થી તામ એનગુન બે વાર એશિયન ચૅમ્પિયન રહી ચૂક્યાં છે.
ગત મહિને જાહેર થયેલા બીબીસીના ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પુરસ્કારનાં દાવેદારમાં નિખત ઝરીન પણ હતાં. વાંચો તેમના સંઘર્ષની કહાણી.
ભારતનાં નિખત ઝરીને અગાઉ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 52 કિલો વજનના વર્ગમાં મહિલાઓની વર્લ્ડ ચૅમ્પિયનશિપ નિખતે જીતી હતી.
ઇસ્તંબૂલમાં રમાયેલા એક નિર્ણાયક મુકાબલામાં તેમણે થાઇલૅન્ડનાં જિટપોંગ જુટામસને હરાવ્યાં હતાં.
25 વર્ષનાં નિખત ઝરીન જુનિયર ચૅમ્પિયન પણ રહી ચૂક્યાં છે.
આ સાથે જ તેઓ આ વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતનારાં પાંચમા ભારતીય મહિલા બૉક્સર બની ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પહેલાં મેરી કૉમ, સરિતાદેવી, જેન્ની આર.એલ. અને લેખા આ ખિતાબ જીતી ચૂક્યાં છે. હવે આ લિસ્ટમાં યુવા બૉક્સર નિખત ઝરીનનો પણ સમાવેશ થઈ ગયો છે.
બૉક્સિંગ લિજેન્ડ મેરી કૉમે આ ચૅમ્પિયનશિપમાં 6 વખત ગોલ્ડ મૅડલ જીતીને રેકૉર્ડ બનાવ્યો છે.
નિખત ઝરીને અગાઉ સ્ટ્રાંન્ઝા મેમોરિયલમાં મૅડલ જીત્યો હતો, અહીં તેઓ બે ગોલ્ડ મેડલ જીતનારાં પહેલાં ભારતીય બન્યાં હતાં.
અહીં તેમણે ટૉક્યો ઑલિમ્પિકનાં સિલ્વર મેડાલિસ્ટને હરાવ્યાં હતાં.

કોણ છે નિખત ઝરીન?

ઇમેજ સ્રોત, Getty Images
તેલંગણાના નિઝામાબાદમાં જન્મેલાં નિખતહાલમાં હૈદરાબાદમાં રહે છે.
તેઓ વર્ષ 2011માં તુર્કીમાં યોજાયેલી જુનિયર બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં 50 કિલો કૅટેગરીમાં જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં હતાં.
નિખતને બૉક્સિંગ રમવા માટે તેમના પિતા મહમદ જમીલ અહમદે પ્રેરણા પૂરી પાડી હતી. એમણે તેમને કોચિંગ પણ આપ્યું છે.
બાદમાં તેમણે વર્ષ 2009માં દ્રોણાચાર્ય ઍવૉર્ડ વિજેતા આઈવી રાવ પાસેથી ટ્રેનિંગ લીધી હતી.
એ બાદ તેમણે કેટલીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ભાગ લીધો હતો.
તેઓ બૅન્ક ઑફ ઇન્ડિયાના કર્મચારી છે અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને ઍન્ડોર્સ પણ કરી ચૂક્યાં છે. હાલમાં તેઓ હૈદરાબાદની એક કૉલેજમાંથી અભ્યાસ પણ કરી રહ્યાં છે.
વર્ષ 2014માં નિઝામાબાદના કલેક્ટર રૉનાલ્ડ રૉઝે નિખતને નિઝામાબાદ જિલ્લાનાં બ્રાન્ડ ઍમ્બેસેડર જાહેર કર્યાં હતાં.
તેઓ 2011માં આંતરરાષ્ટ્રીય વિમૅન યુથ અને જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યાં હતાં.

દીકરી પર ગર્વ : નિખતનાં માતાપિતા
જે તે સમયે પોતાની જીત બાદ મીડિયા સાથે થયેલી વર્ચ્યુઅલ વાતચીતમાં નિખતે કહ્યું, "આ જીત મારાં માતા-પિતા માટે છે. હું જ્યારે પર મારી માતાને ફોન કરતી હતી, ત્યારે તેઓ નમાજ પઢીને આવતાં હતાં અને મારી જીત માટે દુઆ કરતાં હતાં."
"તેમની દુઆ ઉપરવાળાએ સાંભળી લીધી છે. આ જીત, આ ગોલ્ડ તેમનો છે. સૌને ખબર છે કે મારા પિતાએ મને કેટલો સપોર્ટ કર્યો છે. મારી જીત મારાં માતા-પિતાને સમર્પિત છે. જ્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે મારી સાથે કોઈ નહોતું, પરંતુ મારાં માતા-પિતા, મારો પરિવાર મારી સાથે હતો."
જ્યારે એક પત્રકારે તેમને કહ્યું કે ટ્વિટર પર તેઓ ટ્રેન્ડ કરી રહ્યાં છે તો તેઓ ખુશ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું, "મારું સપનું હતું કે એક દિવસ હું ટ્વિટર પર ટ્રેન્ડ કરું અને જો એવું આજે બન્યું હોય તો હું ઘણી ખુશ છું."
"મારા રસ્તામાં જે પ્રકારના અવરોધો આવ્યા, તેણે મને મજબૂત બનાવી. ખાસ કરીને મારી ઈજાઓએ મને માનસિક રીતે મજબૂત બનાવી. ફાઇનલના દિવસે સવારે જ્યારે હું ઊઠી તો ઉપરવાળાને યાદ કર્યો અને આરામ કર્યો. આખો દિવસ હું ફાઇનલમાં મારી મૂવમેન્ટ વિશે વિચારતી રહી."
નિખતનાં માતા પરવીન સુલતાનાએ કહ્યું, "અમે આ જ દિવસની રાહ જોઈ રહ્યાં હતાં. આ અમારા પરિવાર માટે મોટો દિવસ છે. મારી દીકરી દેશ માટે ગોલ્ડ મેડલ લઈને આવી છે. એક ચૅમ્પિયનનો ઉછેર કરવો સરળ નથી. ઘણી વખત એવું બન્યું કે અમારા સગાસંબંધીઓ અને મિત્રોએ નિખતની મજાક ઉડાવી પરંતુ અમને નિખત પર ભરોસો હતો અને અમે તેને સપોર્ટ કરતાં રહ્યાં. તેની મહેનતનું પરિણામ સૌની સામે છે."
નિખતના પિતા મહમદ જમીલ અહમદ પુત્રીની જીત પર કહે છે, "નિખતે આજે મહિલા વિશ્વ ચૅમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યો છે. આ જીત એ લાખો ભારતીયોને સમર્પિત છે, જેમણે તેની યાત્રા દરમિયાન સપોર્ટ કર્યો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














