GST રેવન્યુ ઉચ્ચતમ સ્તરે, એપ્રિલમાં સરકારી ખજાનામાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા - પ્રેસ રિવ્યૂ

GST રેવન્યુ એપ્રિલમાં 1.68 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ GST રેવન્યૂનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, એપ્રિલ, 2022ની રેવન્યુ ગત વર્ષે આ જ મહિનાના આંકડા કરતાં 20 ટકા વધુ છે.

નાણામંત્રાલયનું કહેવું છે કે અનુપાલનમાં સુધારાના કારણે GST કલેક્શનમાં વધારો થયો છે.

એપ્રિલ 2022માં GSTR-3 બીમાં કુલ 1.06 કરોડનું GST રિટર્ન ભરાયું.

એપ્રિલ 2022માં કુલ GST કલેક્શન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે, માર્ચમાં 1.42 લાખ કરોડ રૂપિયાની GST રેવન્યુ 25 હજાર કરોડ વધીને 1,67,540 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

તેમાંથી CGSTનો આંકડો 33,159 કરોડ રૂપિયાનો અને SGSTનો આંકડો 41,793 કરોડ રૂપિયાનો છે. IGST થકી 81,999 કરોડ રૂપિયા આવ્યા છે.

'ગુજરાતમાં ભાજપ આપની બીકે વહેલી ચૂંટણી યોજવા જઈ રહ્યો છે?' કેજરીવાલ

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટ્વીટ કરીને ભાજપને સવાલ પૂછ્યો હતો કે શું તેઓ આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરીને ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યો છે? શું તેઓ આપથી આટલા બધા ગભરાઈ ગયા છે?

અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીએ આ માસની શરૂઆતમાં પોતાના આંતરિક સર્વેમાં તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 58 બેઠકો મળશે તેવું તારણ જાહેર કર્યું હતું.

સર્વે પ્રમાણે આપને ગ્રામીણ મતદારો અને શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મત મળી શકે છે.

જોકે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને પાર્ટીના ઘણા આગેવાનો વહેલી ચૂંટણી યોજાશે તેવી વાત અંગે નન્નો ભણી ચૂક્યા છે.

ગુજરાત માટે 122 વર્ષમાં સૌથી ગરમ એપ્રિલ માસ : IMD

બ્લૂમબર્ગક્વિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ઉત્તર-પૂર્વ અને મધ્ય ભારતમાં આ વખત 122 વર્ષનો સૌથી ગરમ એપ્રિલ માસ અનુભવાયો છે. આ માસ દરમિયાન આ ક્ષેત્રોમાં સરેરાશ મહત્તમ તાપમાન અનુક્રમે 35.9 અને 37.78 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલ એક પત્રકારપરિષદમાં જણાવાયું હતું કે આ ક્ષેત્રમાં આવતાં રાજ્યો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મે માસમાં પણ સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળશે.

એપ્રિલ માસમાં સમગ્ર ભારતમાં જોવા મળેલ સરેરાશ તાપમાન 35.05 ડિગ્રી સેલ્સિયસ હતું. જે 122 વર્ષમાં સૌથી વધુ તાપમાનવાળા મહિનાઓમાં ચોથા ક્રમે હતો.

આ સિવાય IMDના અધિકારીએ કહ્યું હતું કે, "મે માસમાં સમગ્ર દેશમાં વરસાદ સરેરાશ કરતાં વધુ રહેવાની શક્યતા છે."

પાકિસ્તાન : હમઝા શહબાઝ શરીફની નિમણૂક પર રાજ્યપાલ ચીમાએ ઉઠાવ્યા સવાલ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાજ્યપાલ ઉમર સરફરાઝે હમઝા શહબાઝને પંજાબના નવા મુખ્ય મંત્રીના સ્વરૂપે માન્યતા આપવાથી ઇનકાર કરી દીધો છે.

હમઝા શહબાઝ શરીફે શનિવારે પંજાબના મુખ્ય મંત્રીપદ માટેના શપથ લીધા હતા. તેઓ આ વિસ્તારના 21મા મુખ્ય મંત્રી બન્યા છે.

શપથ લીધા બાદ હમઝાએ કહ્યું કે દેશનો સૌથી મોટો પ્રાંત એક મહિનાથી બંધારણીય સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.

પરંતુ પંજાબના રાજ્યપાલના નિવેદન બાદ આ સંકટ વધુ ઘેરું બનતું દેખાઈ રહ્યું છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાજ્યપાલ ઉમર સરફરાઝ ચીમાએ ટ્વીટ કર્યું હતું કે તેઓ હમઝા શહબાઝને નવા મુખ્ય મંત્રી તરીકે માન્યતા આપવાથી ઇનકાર કરે છે.

તેમણે લખ્યું છે કે, "મને આ મુખ્ય મંત્રી પર વિશ્વાસ નથી. ગવર્નર તરીકે કોઈ પણ ગેરબંધારણીય અને જૂઠા મુખ્ય મંત્રીની નિમણૂકના નોટિફિકેશનને માન્યતા નથી આપતો. આ એક નકલી નોટિફિકેશન તૈયાર કરવાની કોશિશ છે. શપથ ધમકાવી અને છેતરપિંડી કરીને લેવાયા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો