વર્લ્ડ પાર્કિન્સન્સ ડે : કંપવાત એટલે શું અને શું છે તેનાં લક્ષણો?

    • લેેખક, ડૉ. દુર્ગેશ મોદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મગજના ચોક્કસ પ્રકારના ચેતાતંતુઓમાં ક્ષતિને કારણે શરીરમાં ધ્રુજારી કે કંપન કરાવતા રોગનો ભારતીય આયુર્વેદમાં 'કંપવાત' તરીકે ઉલ્લેખ જોવા મળે છે. આવી જ બીમારીનો ઉલ્લેખ પરંપરાગત ચાઇનીઝ ચિકિત્સાગ્રંથોમાં પણ મળી આવે છે.

પશ્ચિમી જગતમાં જાણીતા તબીબ 'ગેલેન'ના ઈ.સ. 175ના લેખોમાં આવા 'શેકિંગ પાલ્સી- ધ્રુજારી કરતા પક્ષઘાત'નાં લક્ષણો વર્ણવ્યાં છે. અર્વાચીન તબીબીશાસ્ત્રમાં લંડનના ડૉક્ટર જેમ્સ પાર્કિન્સને સન 1817માં મગજના આ રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપતો સંશોધન લેખ પ્રકાશિત કર્યો.

છ દાયકા પછી ફ્રૅન્ચ ન્યૂરોલૉજિસ્ટ જ્યાં-માર્ટિન ચારકોએ ડૉ. પાર્કિન્સનના ભગીરથ કાર્યને પીછાણ્યું અને આ રોગને તેમનું નામ આપ્યું.

મહદંશે વયસ્ક લોકોને મૂંજવતા આ રોગ વિશે જાગૃતિ લાવવા 11 એપ્રિલના દિવસને 'વિશ્વ પાર્કિન્સન્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે ડૉ. પાર્કિન્સન્સનો જન્મદિવસ પણ છે.

પાર્કિન્સનનું કારણ

મધ્યમગજના 'સબસ્ટૅન્શિયા નાઇગ્રા' વિસ્તારમાં 'પાર્સ કૉમ્પેક્ટા' ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત થઈને નાશ પામવા લાગે ત્યારે આ કોષો દ્વારા નિર્મિત 'ડોપામીન' નામના જૈવરાસાયણનું ઉત્પાદન ઘટી જાય છે. જ્યારે તેનું ઉત્પાદન 80 ટકા જેટલું ઘટી જાય, ત્યારે પાર્કિન્સન્સનાં લક્ષણ દેખા દે છે.

આને કારણે વ્યક્તિના શરીરનું હલનચલન ઘટી જાય છે અને હાથપગમાં ધ્રુજારી કે કંપન તથા સ્નાયુઓમાં કઠોરતા વગેરે લક્ષણ જોવા મળે છે. આ ચિહ્નોની શરૂઆત શરીરની એકબાજુએથી થાય છે અને ધીરે-ધીરે રોગ બંને તરફ પ્રસરે છે.

પાર્કિન્સન્સનાં મુખ્ય ત્રણ ચિહ્નો

બ્રાડીકેનિશિયા : ઐચ્છિક સ્નાયુઓનું હલનચલન મંદ પડવું. દાખલા તરીકે ચાલ ધીમી પડવી તથા નાનાં-નાનાં ડગલાં ભરવા.

રેસ્ટિંગ ટ્રૅમોર : આરામની પળો દરમિયાન હાથ કે પગની આંગળીઓમાં વિશિષ્ટ પ્રકારની લયબદ્ધ ધ્રુજારી જોવા મળે છે. રૂપિયાની નોટો ગણતી વખતે જેવી ધ્રુજારી થાય છે, તેવી આ ધ્રુજારીને અંગ્રેજીમાં 'પીલ રોલિંગ' તરીકે ઓળખવામાં આવે છે. જેને પાર્કિન્સન્સનાં શરૂઆતનાં લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે.

અંગસ્થિતિમાં અસ્થિરતા : હાથ, પગ તથા ધડના સ્નાયુઓ કડક થવા લાગે છે, જેના કારણે શરીરનું સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે. આને કારણે દરદી ચાલતા-ચાલતા પડી જાય છે. તેને ચાલતી વખતે કોઈ ટેકાની કે લાકડીની જરૂર પડે છે. અન્ય કેટલાંક ચિહ્નો પણ જોવા મળે છે, જેમ કે :

  • ચહેરાના હાવભાવ ઓછા થઈ જવા
  • લખાણના અક્ષર નાના કદના થવા
  • આંખની પાંપણની ઉઘાડ-બંધ ઓછી થઈ જવી
  • અવાજ ધીમો અને ઉતારચઢાવ વગરનો થવો
  • યાદશક્તિમાં ઘટાડો થવો
  • ઊંઘ ખલેલગ્રસ્ત થવી
  • મોંમાંથી લાળ પડવી
  • સૂંઘવાની શક્તિ નબળી પડવી
  • પેશાબ તથા મળત્યાગની ક્રિયાઓ પરનું નિયંત્રણ ઘટી જવું

વૃદ્ધ, અવસ્થા અને અસ્વસ્થતા

એક અનુમાન મુજબ 60 વર્ષથી વધુ વયના લગભગ 1.5 ટકા સિનિયર સિટિઝન્સ આ બીમારીથી પીડાય છે. દર 500માંથી એક વ્યક્તિના આ બીમારી થઈ શકે છે.

જ્યારે કોઈ દેખીતા કારણ વગર (ઇડિયોપૅથિક) મગજમાં ડોપામીનનું સ્તર ઘટે ત્યારે તે 'પાર્કિન્સન્સ ડિસીઝ' તરીકે ઓળખાય છે. કેટલીક વખત દવાઓની આડઅસરથી, માથામાં વાગવાથી, ઝેરી ગૅસ કે જૈવરસાયણોની અસરથી, વાઇરસના ચૅપથી કે વારસાગત કારણોથી પણ આ રોગ થઈ શકે છે.

ક્યારેક બીજા મોટા રોગના ભાગરૂપે પણ પાર્કિન્સન્સનાં ચિહ્નો જોવા મળી શકે છે- જેમ કે, મલ્ટી સિસ્ટમ અટ્રૉફી કે પ્રોગ્રૅસિવ સુપ્રાન્યૂક્લિયર પાલ્સી.

નિદાન અને સારવાર

પાર્કિન્સન્સ રોગના નિદાન માટે કોઈ ચોક્ક્સ પ્રકારના સ્કૅનિંગની જરૂર નથી હોતી.

નિષ્ણાત ડૉક્ટરની શારીરિક તપાસ દ્વારા જ રોગનું નિદાન થઈ શકે છે. તેમ છતાં કેટલીક વખત નિદાનમાં શંકા હોય કે પછી પાર્કિન્સન્સ પ્લસ સિન્ડ્રૉમની શક્યતા હોય ત્યારે મગજનો એમઆરઆઈ (મૅગ્નેટિક રિસૉનન્સ ઇમૅજિંગ) કે ફંકશનલ એમઆરઆઈ કરાવવામાં આવે છે.

આ રોગને જડમૂળથી નાબૂદ કરી શકે તેવી કોઈ સારવારપદ્ધતિ હાલ વિજ્ઞાન પાસે ઉપલબ્ધ નથી, પરંતુ રોગનાં લક્ષણોને મહદંશે કાબૂ કરવામાં મદદ કરે તેવી કેટલીક દવાઓ વિકસાવવામાં આવી છે.

દવા લેવા છતાં રોગનાં લક્ષણોમાં અપેક્ષિત સુધારો ન આવે કે પછી વકરી ગયેલા રોગની સ્થિતિમાં કેટલીક વખત સર્જરીનો સહારો લેવામાં આવે છે. તેમાં ડીપ બ્રૅઇન સ્ટિમ્યૂલેશન સર્જરી, અબ્લેશન સર્જરી કે કોષપ્રત્યાર્પણ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

અત્રે એ પણ ધ્યાન રાખવું ઘટે કે પાર્કિન્સનના બે દરદીની સારવાર એકસરખી ન હોય. એટલે નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન મુજબ દવા અને સારવાર લેવાં. નિયમિત રીતે વ્યાયામ કરવો તથા આનંદમાં રહેવું. પરિવારજનોની હૂંફ અને સહકાર પણ દરદીની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો