LPG : પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગૅસ સિલિન્ડર 250 રૂપિયા મોંઘો, CNGના ભાવ પણ વધ્યા - પ્રેસ રિવ્યૂ

છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે ગૅસ સિલિન્ડર અને સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ભાવના કારણે પહેલી એપ્રિલથી એલપીજી અને સીએનજીના ભાવમાં વધારો થયો છે.

પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસિસ સેલ દ્વારા જારી કરવામાં આવેલા નવા ભાવમાં 110 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પહેલાં એક ઑક્ટોબર 2021ના રોજ ભાવવધારો કરવામાં આવ્યો હતો. જે 2.9 ડૉલર પ્રતિ યુનિટ હતો. હાલમાં તેને 6.1 ડૉલર પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે.

આ નવા ભાવવધારાને કારણે ગુજરાત સહિત દેશભરમાં ગૅસ સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થશે. જ્યારે સીએનજીનો ભાવ સરેરાશ 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ થશે.

'ધ કશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મોના સ્ક્રીનિંગની મંજૂરી ન મળવી જોઈએ : શરદ પવાર

રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે 'ધ કશ્મીર ફાઇલ્સ'ને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે ભાજપ પર જૂઠાણાં ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું, "ભાજપ 'ધ કશ્મીર ફાઇલ્સ' દ્વારા કાશ્મીરી પંડિતોના પલાયન અંગે જુઠ્ઠો પ્રચાર કરીને દેશમાં ઝેરીલો માહોલ બનાવી રહ્યો છે."

તેમણે કહ્યું, "આ પ્રકારની ફિલ્મોને સ્ક્રીનિંગ માટે પાસ જ ન કરવી જોઈએ, પરંતુ તેને ટૅક્સમાં છૂટ મળી રહી છે અને જે લોકો પર દેશની એકતા બનાવી રાખવાની જવાબદારી છે. તેઓ જ આ ફિલ્મને જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેનાથી લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે."

શરદ પવારે આ નિવેદન દિલ્હી એનસીપીના લઘુમતી વિભાગના એક સંમેલનને સંબોધિત કરતા આપ્યું હતું.

પવારે કહ્યું કે કાશ્મીરી પંડિતોના પલાયનની વાત સાચી છે, પણ મુસ્લિમોને પણ આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.

તેમણે કાશ્મીરના આ મુદ્દે ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ વચ્ચે લાવવાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતોનું પલાયન શરૂ થયું, ત્યારે વીપી સિંહ વડા પ્રધાન હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો