You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, વીડિયો વાઇરલ - પ્રેસ રિવ્યૂ
યોગગુરુ બાબા રામદેવને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વિશે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપવાની જગ્યાએ તેઓ ભડકી ગયા હતા અને ધમકાવવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમમાં મોંઘવારી અંગે યોગગુરુ રામદેવ બોલી રહ્યા હતા. તે દરમિયાન તેમના જ એક જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું.
એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, "દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનો સિલિન્ડર આપે તેવી સરકાર ઇચ્છે છે."
પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું, "મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?"
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં 2021-22માં શાળામાં ફરજિયાત હાજરી અનિવાર્ય નહીં : હાઈકોર્ટ
ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારે શાળાઓમાં ફરજિયાત 100 ટકા હાજરીનો નિર્ણય લીધો હતો. જોકે, ત્યાર બાદ સરકારે બુધવારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ટિપ્પણી કરી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાત બૉર્ડ સંલગ્ન શાળાઓમાં 2021-22ના શૈક્ષણિક સત્રમાં બાળકો માટે ફરજિયાત હાજરી જરૂરી નથી.
સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બાળકોને શાળામાં બોલાવવા કે નહીં તે અંગેનો નિર્ણય વાલીઓ અને શાળાઓનો રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી વકીલે કહ્યું હતું કે શાળાઓમાં હાજરી ફરજિયાત રહેશે નહીં અને વાર્ષિક પરીક્ષા માટે તેની ગણતરી પણ નહીં થાય.
વીજળીની અછતને પહોંચી વળવા ઉદ્યોગોને એક દિવસ રજા રાખવા રાજ્ય સરકારનો આદેશ
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 24 કલાક ઉત્પાદન ન કરતા ઉદ્યોગોએ અઠવાડિયામાં એક દિવસ રજા રાખવી પડશે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અનુસાર, રાજ્યમાં 500 મેગાવૉટ વીજપુરવઠાની અછતના પગલે ગુજરાત સરકારે ઉદ્યોગોને અઠવાડિયામાં એક દિવસ રજા રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલો આ આદેશ દરેક ઉદ્યોગોને લાગુ પડશે અને માત્ર 24 કલાક કામ કરતા ઉદ્યોગોને જ તેમાંથી બાકાત રાખવામાં આવશે.
આ આદેશને તાત્કાલિક ધોરણથી લાગુ કરવામાં આવ્યો છે. એક અધિકારીએ ઇન્ડિયન ઍક્સપ્રેસને કહ્યું કે આગામી 15 દિવસમાં આ સ્થિતિ સુધરે તેમ લાગી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો