મધ્ય પ્રદેશ : લોકમેળામાં આદિવાસી છોકરીની છેડતીની ઘટનાનો વાઇરલ વીડિયો, મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાનું સત્ય શું છે?
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, ભોપાલથી બીબીસી માટે
મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં બનેલી એક ઘટનાનો વીડિયો આજકાલ વાઇરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં કેટલાક યુવકો એક આદિવાસી છોકરીની છેડતી કરતા જોવા મળે છે.
આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ અત્યાર સુધીમાં ત્રણ શકમંદોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અલીરાજપુરના પોલીસવડા મનોજ સિંહે બીબીસીને જણાવ્યું હતું કે "એ વીડિયો ગયા શુક્રવારનો છે. તે ઘટના સંબંધે કોઈએ ફરિયાદ નોંધાવી નથી. પોલીસે વીડિયોના આધારે છોકરીની છેડતીનો ગુનો નોંધ્યો છે."
તેમણે ઉમેર્યું હતું કે આ ઘટના સંબંધે જે ત્રણ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં આદિવાસીઓ મોટા પ્રમાણમાં વસે છે. જિલ્લાના વાલપુર ગામમાં 11 માર્ચે ભગોરિયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી મેળામાં ઊભેલી એક મોટરકારની પાછળ છુપાવાનો પ્રયાસ કરી રહી છે. એ દરમિયાન ત્યાંથી પસાર થતા છોકરાઓના ટોળામાં સામેલ એક યુવાન તે છોકરી સાથે બદમાશી કરે છે.
વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે ટોળામાં સામેલ બીજો છોકરો પણ એ છોકરીને ખેંચે છે અને તેને સાથે લઈ જાય છે.

ભગોરિયા મેળો

ઇમેજ સ્રોત, SHURAIH NIAZI/BBC
કૉંગ્રેસના નેતા કે.કે. મિશ્રાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો અને તેઓ આ વીડિયો મારફત રાજ્ય સરકારને નિશાન બનાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના શાસન સામે સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આ રીતે બેટી બચાઓ અભિયાન ચાલી રહ્યું છે.
વાલપુર ગામમાં દર વર્ષે હોળીના એક સપ્તાહ પહેલાં ભગોરિયા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ એક પ્રકારનો લોકમેળો છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવનને નજીકથી જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, SHURAIH NIAZI/BBC
મેળામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આદિવાસી યુવાનો તથા યુવતીઓ જોવા મળે છે.
ભગોરિયા મેળામાં માલસામાનની ખરીદી ઉપરાંત આદિવાસી સંગીત તથા નૃત્ય પણ જોવા મળે છે. આ મેળો દરરોજ અલગ-અલગ વિસ્તારમાં યોજવામાં આવે છે અને તેમાં યુવક-યુવતીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
આ મેળામાં આદિવાસીઓ તેમની જરૂરિયાતનો સામાન વેચતા અને ખરીદતા હોવાનું માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મેળાને આધુનિકતાનો રંગ લાગ્યો છે અને તેનું સ્વરૂપ પહેલાં જેવું ન રહ્યું હોવાનું પણ કેટલાક લોકો માને છે.
છેડતીનો ભોગ બનેલી છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો પોલીસે ઇનકાર કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમની સાથે જે અન્ય લોકો હતા એમના વિશેની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે.

નેશનલ ક્રાઇમ બ્યૂરો અને મધ્ય પ્રદેશ

બાળઅપરાધ અને આદિવાસીઓ પરના અત્યાચારોના સંદર્ભમાં મધ્ય પ્રદેશનું સ્થાન ટોચ પર છે, જ્યારે મહિલાઓ પરના અત્યાચારોના સંદર્ભમાં રાજ્યનું સ્થાન પાંચમું છે.
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના 2020ના અહેવાલમાં જણાવ્યા અનુસાર, મધ્ય પ્રદેશમાં અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2,401 કેસ નોંધવામાં આવ્યા હતા. આ સંદર્ભે મધ્ય પ્રદેશ ત્રણ વર્ષથી ટોચના સ્થાને છે.
ગુનાનું આ પ્રમાણ આગલા વર્ષની સરખામણીએ 20 ટકા વધારે છે. 2020માં દુષ્કર્મના 2,339 કેસ નોંધાયા હતા. તેનો અર્થ એ થયો કે રાજ્યમાં રોજ છ મહિલાઓ દુષ્કર્મનો શિકાર બને છે.
સામાજિક કાર્યકર અને વકીલ સિદ્ધાર્થ ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે, "મધ્ય પ્રદેશમાં લોકોને પોલીસ પર ભરોસો નથી. પોલીસ કોઈ પગલાં લેવાની નથી એવું માનીને લોકો ગુનાની ફરિયાદ નોંધાવતા નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"ઘણા લોકો ફરિયાદ તો નોંધાવે છે અને પોલીસ તેમની સલામતીની વ્યવસ્થા કરે તે પહેલાં ફરિયાદીઓની હત્યા થઈ જાય છે."
સિદ્ધાર્થ ગુપ્તાએ કહ્યું હતું કે, "આ કારણસર ગુનો આચરવામાં આવ્યો હોવા છતાં લોકો ફરિયાદ નોંધાવતા નથી અને ગુનેગારોની હિંમત વધી જાય છે."
સિદ્ધાર્થ ગુપ્તાના જણાવ્યા મુજબ, "લોકો પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા ગયા હોય અને પોલીસે ફરિયાદ ન નોંધી હોય, પરંતુ એવી ઘટના સંબંધિત કોઈ વીડિયો વાઇરલ થાય કે તરત જ પોલીસ કાર્યવાહી કરવા માંડી હોય એવું ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે."
વિજયા પાઠક નામના એક અન્ય સામાજિક કાર્યકર માને છે કે મધ્ય પ્રદેશમાં મહિલાઓ પરની હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, "રાજ્ય સરકાર જે કહે છે તે કરે એ જરૂરી છે. રાજ્ય સરકાર મહિલાઓ અને છોકરીઓ માટે જોરશોરથી નારા પોકારે છે, પરંતુ સ્ત્રીઓ પરના અત્યાચારની ઘટનાઓમાં કોઈ ઘટાડો દેખાતો નથી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












