હિજાબ વિવાદ : કર્ણાટક બાદ સુરતમાં વિદ્યાર્થિનીઓને રોકવાનો પ્રયાસ, શું છે મામલો?
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી શાળા-કૉલેજોમાં હિજાબ પહેરી શકાય કે કેમ? તે અંગે વિવાદ ચાલી રહ્યો છે.
આ વિવાદને પગલે ઉગ્ર વિરોધપ્રદર્શનો પણ થયાં છે. ત્યારે કર્ણાટકથી શરૂ થયેલો હિજાબનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે.

ઇમેજ સ્રોત, Dharmesh Amin
સુરતમાં આવેલી પી. પી. સવાણી સ્કૂલમાં મંગળવારે એક પરીક્ષા યોજાઈ હતી. જેમાં પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી. જેની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા.
જોકે કાર્યકર્તાઓ શાળામાં પહોંચતાં આચાર્યે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે શાળાના ગેટ પાસેથી જ વીએચપીના કાર્યકરોની અટકાયત કરી હતી.

'વિરોધ નહીં, અમે શાંતિપૂર્વક રજૂઆત કરવા ગયા હતા'

ઇમેજ સ્રોત, Dharmesh Amin
સુરત વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય દિનેશ નાવડિયા બીબીસી ગુજરાતીના બાદલ દરજી સાથેની વાતચીતમાં કહે છે કે, "પી. પી. સવાણી સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હતી. જેમાં અંદાજે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા, તેમાંથી માત્ર પાંચેક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી."
તેઓ આગળ કહે છે કે, "બે હજાર વિદ્યાર્થીઓમાં તમામ કૉમ્યુનિટીમાંથી આવતા લોકો હતા. જોકે એક વાનમાં આ પાંચ વિદ્યાર્થિનીઓને શાળાની બહાર છોડવામાં આવી હતી. જેની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેરના મંત્રી અને ઉપાધ્યક્ષ અને કેટલાક કાર્યકરો શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા."
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં તમામ કૉમ્યુનિટી વચ્ચે ભાઈચારો છે. બધા હળીમળીને રહે છે, તેથી વિરોધની કોઈ વાત જ નથી. પરીક્ષા ચાલતી હતી અને તેમાં ડેકોરમ જળવાય તે માટે આચાર્યને શાંતિપૂર્વક રજૂઆત કરવા ગયા હતા."
કાપોદ્રા પોલીસમથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. રાઠોડ વી.એચ.પી.નાં 'વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેર્યું' હોવાના દાવાને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે, "વિદ્યાર્થિનીઓએ માત્ર કાળાં કપડાં પહેર્યાં હતાં. તેમણે હિજાબ પહેર્યું ન હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીઆઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે, "અમને કંટ્રોલરૂમમાંથી જાણ કરવામાં આવી હતી કે શાળા બહાર કંઈક થયું છે. ત્યાં જઈને તપાસ કરી તો વીએચપીના કાર્યકરો ભેગા થયા હતા. ફોન શાળાના આચાર્યે કર્યો હતો. ત્યાર બાદ ભેગા થયેલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે."

'રજૂઆત યોગ્ય ન હતી'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પી. પી. સવાણી સ્કૂલના આચાર્ય સંજય ગોહેલે જણાવ્યું કે, "હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા 'ટૅલેન્ટ સર્ચ ટેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળામાં માત્ર અમારાં બાળકો જ નહીં, અન્ય શાળામાંથી પણ બાળકો આવ્યાં હતાં."
તેમણે વધુમાં કહ્યું કે, "પરીક્ષા ચાલુ થાય તે પહેલાં કેટલાક લોકો આવ્યા, પરંતુ ગેટ બંધ હોવાથી તેઓ બહાર ઊભા હતા. જો હું બહાર ન ગયો હોત તો તેઓ અંદર આવ્યા હોત. તેથી હું બહાર ગયો અને તેમની રજૂઆત સાંભળી."
તેઓ આગળ કહે છે કે, "એ લોકોની રજૂઆત હતી કે 'હિજાબ યુનિફૉર્મનો ભાગ ન હોવાથી આ વિદ્યાર્થિનીઓને ન પહેરવા દેવાય.'
તેઓ કહે છે કે આ પરીક્ષા તેમની શાળા દ્વારા યોજાઈ ન હતી અને તેમાં કોઈ યુનિફૉર્મ ફરજિયાત ન હતો.
તેમનું કહેવું છે કે આ રજૂઆત યોગ્ય ન હોવાથી આ અંગે કોઈ પગલાં લેવાયાં નથી."




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













