You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાની ત્રણ કૉલેજો બંધ, મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય વિદ્યાર્થીઓને શું સૂચન કરાયું? - પ્રેસ રિવ્યૂ
એનડીટીવીના અહેવાલ મુજબ, કૅનેડાના ક્યૂબેકમાં ત્રણ કૉલેજો અચાનક બંધ થઈ જતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. જે બાદ ઓટાવામાં ભારતીય હાઈકમિશને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે.
બંધ કરવામાં આવેલી ત્રણ કૉલેજોમાં મૉન્ટ્રિયલની એમ કૉલેજ, શેરબ્રુકમાં સીડીઈ કૉલેજ અને લૉંગ્યુઇલની સીસીએસક્યુ કૉલેજ - વિદ્યાર્થીઓને ફી ભરવાની નોટિસ પાઠવવા સાથે જણાવ્યું છે કે કૉલેજ સંપૂર્ણપણે બંધ થઈ રહી છે.
કૅનેડાના સીબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે આ ત્રણેય કૉલેજોએ નાદારી નોંધાવી છે.
જો તેઓને તેમની ફીની ભરપાઈ કરવામાં અથવા ફી ટ્રાન્સફર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો, તેઓ ક્યૂબેક સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી શકે છે, એમ સલાહકારે જણાવ્યું હતું.
પ્રભાવિત વિદ્યાર્થીઓને સહાયતા આપવા માટે ઉચ્ચાયોગ કૅનેડાની સંઘીય સરકાર, ક્યૂબેકની પ્રાંતીય સરકારની સાથે કૅનેડામાં ભારતીય સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સંપર્કમાં છે.
વિદ્યાર્થીઓને સૂચિત કરવામાં આવી રહ્યા છે કે જો તેમને તાત્કાલિક મદદની જરૂર છે તો તેઓ ઓટાવામાં ઉચ્ચાયોગના શિક્ષા વિંગ અથવા ટોરંટોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ સાથે સંપર્ક કરી શકે છે.
એડવાઇઝરી મુજબ એવો કઈ પણ સંસ્થાનને ચૂકવણી કરવા અંગે ચેતવણી આપવામાં આવી છે જેની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન છે.
ગુજરાત સરકાર 10 હજાર પ્રવાસી શિક્ષકોની 'તાત્કાલિક' ભરતી કરશે
રાજ્ય સરકારે કોવિડ-19 કેસોની સંખ્યામાં થયેલા ઘટાડાને પગલે શાળાઓ ખોલવાના નિર્દેશ આપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શનિવારે જણાવ્યું હતું કે, "સરકાર શૈક્ષણિક સ્ટાફની અછતનો સામનો કરી રહેલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકની તત્કાલ ભરતી કરશે અને તે માટે રૂપિયા 10.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે."
શનિવારે, મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટર પર 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાના શિક્ષણ વિભાગના નિર્ણયની જાહેરાત કરી હતી.
વાઘાણીએ જણાવ્યું હતું કે, "કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરુ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામાં આવેલ છે."
"રાજ્યના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રુપિયા 10.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે."
સરકારે, આ અઠવાડિયાની શરૂઆતમાં, શાળાઓ અને કૉલેજોને 17 ફેબ્રુઆરીથી શાળાઓના પ્રિ-પ્રાઇમરી વિભાગો સહિત ઑફલાઇન વર્ગો ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અમદાવાદ બ્લાસ્ટના દોષિતોને જીવતા રહેવા દેવા સમાજ માટે જોખમી: કોર્ટ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં ઝડપી ટ્રાયલ માટે નિયુક્ત કરાયેલી વિશેષ અદાલતે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી ફટકારવા સાથે અવલોકન રજુ કર્યું હતું કે આવા લોકોને સમાજમાં રાખવા ખતરનાક બની શકે છે કારણ કે તેઓ માત્ર ભય અને આતંક ફેલાવે છે.
કોર્ટે નોંધ્યું હતું કે આરોપીનો હેતુ '(રાજ્ય) સરકારને ઉથલાવી દેવાનો અને (તત્કાલીન) ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો અને ધારાસભ્યો સામે લોકોનો ગુસ્સો જગાડવાનો' હતો.
કોર્ટે નોંધ્યું હતું કે, "આરોપીનો હેતુ (રાજ્ય) સરકારને ઉથલાવી દેવાનો અને (તત્કાલીન) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ અને ધારાસભ્યો સામે લોકોમાં આક્રોશ જગાવવાનો હતો."
ન્યાયાધીશે આદેશમાં એ પણ નોંધ્યું કે, "આરોપીઓએ બોમ્બ ધડાકાને અંજામ આપવા માટે "વધુ હિંદુ વસ્તીવાળા વિસ્તારો" પસંદ કર્યા હતા."
ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે વિસ્ફોટોમાં ઘાયલ થયેલા 240 લોકોમાંથી 231 હિંદુ અને નવ મુસ્લિમ હતા.
જજે નોંધ્યું હતું કે, "21 થી 40 વર્ષની વયના ઘણા આરોપીઓ સામે પહેલાથી જ ઘણા કેસ પેન્ડિંગ હતા."
શનિવારે જાહેર કરાયેલા 7,015 પાનાના ચુકાદામાં, વધારાના સેશન્સ જજ એ.આર. પટેલે અવલોકન નોંધ્યું હતું કે "દેશની સુરક્ષા, શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આવા આતંકવાદી માનસિકતા ધરાવતા આરોપીઓ માટે મૃત્યુદંડ એ જ એકમાત્ર અને આખરી સજા છે."
કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા 31 લોકોને "મુખ્ય કાવતરાખોરો" તરીકે અને સાત અન્યને આતંકવાદી કૃત્ય પાછળ "સક્રિય સહ-ષડયંત્રકાર" ગણાવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો