મોદી સરકાર દેશને ફાસીવાદ તરફ લઈ જઈ રહી છે : અરુંધતી રૉય

ભારતનાં જાણીતાં લેખિકા અને બુકર પુરસ્કારવિજેતા અરુંધતિ રૉયે ધ વાયર માટે કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

અરુંધતિ રૉયે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રવાદનો વિચાર ભાગલા પાડનારો છે અને દેશની જનતા એને સફળ નહીં થવા દે.

વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં અરુંધતિ રૉયે ભાજપને ફાસીવાદી ઠરાવતાં એમ પણ કહ્યું કે એમને આશા છે કે એક દિવસ દેશ એમનો વિરોધ કરશે.

એમણે કહ્યું કે, “મને ભારતીય લોકો પર ભરોસો છે અને હું માનું છું કે આ અંધારી ખીણમાંથી દેશ બહાર નીકળી આવશે.”

અરુંધતિ રૉયે કહ્યું કે, મોદી ઉદ્યોગપતિઓને પસંદ છે. એમણે કહ્યું, “મોદીને ગમતા એક ઉદ્યોગપતિએ બીજા ગમતા (ઉદ્યાગપતિ)ને ધનવાનની બાબતમાં પાછલા ક્રમાંકે મૂકી દીધા છે. અદાણીનું સામ્રાજ્ય 88 અબજ ડૉલરનું છે અને અંબાણીનું કદાચ 87 અબજ ડૉલરનું. અદાણીની સંપત્તિમાં 51 અબજ ડૉલર તો માત્ર ગયા વર્ષે ઉમેરાયા છે, જ્યારે ભારતના લોકો ગરીબી, ભૂખમરો અને બેરોજગારીમાં ડૂબી રહ્યા હતા.”

“મોદી આવ્યા પછી દેશમાં અસમાનતા વધારે વધી છે. દેશના 100 લાકો પાસે ભારતની 25 ટકા જીડીપી છે. ઉત્તર પ્રદેશના એક ખેડૂતે ખૂબ સચોટ ટિપ્પણી કરતાં કહ્યું હતું – દેશને ચાર લોકો ચલાવે છે; બે વેચે છે અને બે ખરીદે છે. એ ચારેય ગુજરાતના છે.”

અરુંધતિએ કહ્યું, “અંબાણી અને અદાણીનો પૉર્ટ, માઇન્સ, મીડિયા, ઇન્ટરનેટ, પેટ્રોકેમિકલ્સ સહિત ઘણી વસ્તુઓ પર એકાધિકાર છે. રાહુલ ગાંધી અમીર અને ગરીબ ભારત, તો ઓવૈસી નફરત અને મોહબ્બતના હિન્દુસ્તાનની વાત કરે છે પરંતુ આ બધા કૉર્પોરેટ હાઉસો સાથે લાંબા અરસાથી રહ્યા છે.”

દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાના ભારતના દાવા સામે અરુંધતિ રૉયે સવાલ ઊભો કરીને કહ્યું કે, “મોદી સરકારમાં લોકશાહીના પાયા, ભલે એ પ્રેસ હોય, અદાલત હોય, જાસૂસી એજન્સીઓ હોય, સૈન્ય હોય, શિક્ષણસંસ્થાઓ હોય, બધા પર ક્યાંક ને ક્યાંક આ હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાની અસર જોવા મળી રહી છે.”

એમણે કહ્યું કે સંસદમાં નાગરિકતા સુધારો કાયદો, કૃષિકાયદો, 370ની કલમને હઠાવવી ગેરબંધારણીય પગલાં હતાં, કેમ કે એનાથી લાખો લોકોના જીવનને અસર થઈ છે.

અરુંધતિ રૉયે કહ્યું, “વડા પ્રધાન કાર્યાલયનો દુરુપયોગ વડા પ્રધાન દ્વારા જ કરાઈ રહ્યો છે. મને લાગે છે કે ભાજપે લોકોને એવા ગૂંચવી દીધા છે કે લોકો આ પાર્ટીને જ દેશ માનવા લાગ્યા છે. તમે ભાજપની ટીકા કરશો તો એ દેશની ટીકા ગણાય છે, ભાજપ મહાન તો દેશ મહાન. આ બહુ ખતરનાક છે. દેશમાંથી લોકશાહીને ધીરે ધીરે ખતમ કરવામાં આવી રહી છે.”

શું ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્યમાંથી હવે હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે?

આ સવાલના જવાબમાં રૉયે કહ્યું, “ઘણી ધર્મસંસદમાં મુસ્લિમોના નરસંહારને આહ્વાન અપાયું. હિન્દુઓને હથિયાર ઉઠાવવા માટે કહેવામાં આવ્યું. એના મુખ્ય આરોપી યતિ નરસિંહાનંદને તાજેતરમાં જ બેલ મળી ગઈ. માત્ર સરકાર જ નહીં, બલકે અદાલતો પણ એનો ભાગ છે. આ દેશમાં કવિ, લેખક, પ્રોફેસર, વકીલ જેલમાં છે, પરંતુ જે માણસ ખુલ્લેઆમ નરસંહારની વાત કરે છે એને બેલ મળી જાય છે.”

એમણે કોર્ટના નિર્ણયો સામે પ્રશ્ન ઊભો કરતાં કહ્યું, “હવે હિજાબ વિવાદમાં પણ જુઓ, ભલે ને થોડા દિવસ માટે (પણ) અદાલતે હિન્દુઓની તરફેણમાં આદેશ આપ્યો છે. વર્ગમાં મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવા દેવો જોઈએ કે નહીં, એ ચર્ચાનો વિષય છે, પરંતુ વડા પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બંધારણીય પદો પર રહીને (પણ) કેવા ગળામાં ભગવા ખેસ પહેરે છે. આ સરકાર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં દોરી રહી છે. એ કોઈનાથી છૂપું નથી.”

મૉબ લિંચિંગની ઘટનાઓ વિશે અરુંધતિ રૉયે કહ્યું, “આપણે પહેલાંથી અમાનવીય રહ્યા છીએ. જે દેશમાં અહીંના જેવી જાતિપ્રથા હોય, એ અમાનવીય દેશ જ છે. આ એવી વ્યવસ્થા છે જેમાં હંમેશાં હિંસાનું જોખમ છે.”

શું ભારત એક ફાસીવાદી દેશ બની ગયો છે? એ સવાલના જવાબમાં અરુંધતિ રૉયે કહ્યું, “હું એવું નથી કહેતી કે ભારત ફાસીવાદી છે, પરંતુ એમ કહી રહી છું કે આ સરકાર દેશને ફાસીવાદ તરફ લઈ જઈ રહી છે અને આરએસએસ પણ.”

“મને નથી લાગતું કે તેઓ સફળ થશે. પરંતુ મને લાગે છે કે આ એવો રસ્તો છે, જેના પરથી આપણે પસાર થવું પડશે પરંતુ છેવટે, આ દેશના લોકો આ પ્રયોગને નિષ્ફળ કરશે. આપણે ફાસીવાદી દેશ બનવાની પ્રક્રિયામાં છીએ. પરંતુ બે વર્ષ પહેલાં આપણા ફાસીવાદી બનવાની આશંકા આજની સરખામણીએ કંઈક વધારે જ હતી, પરંતુ ખેડૂત આંદોલન જેવાં મોટાં પ્રદર્શનો દ્વારા ભારતના લોકો એની સામે લડી રહ્યા છે.”

અરુંધતિ રૉયે કહ્યું, “દેશ ફાસીવાદી બની જવાનું જોખમ ચોક્કસ ઓછું થયું છે, પરંતુ જો ભાજપ 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણી હારી જાય તો પછી એ સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપીને પોતાના ઉદ્દેશમાં સફળ થવાનો પ્રયાસ કરી શકે છે. જો ભાજપ હારે તો જીતનારી સરકારે વધારે સાવધ રહેવું પડશે. મને લાગે છે કે મોદીના ચાંદને ગ્રહણ લાગશે. ભલે પછી એ ક્યારેય પણ લાગે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો