કોરોના મહામારી : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ કેસ, કેન્દ્રે રાજ્યોને શું કહ્યું?

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે મંગળવારે દૈનિક કોરોનાકેસમાં ઉછાળો આવ્યો છે.

આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપી છે.

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 17,119 કેસ નોંધાયા છે.

જ્યારે સારવાર દરમિયાન 10 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે.

આરોગ્ય વિભાગની યાદી મુજબ નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધારે 5,998 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યાર બાદ 3,563 કેસ સાથે સુરત શહેર બીજા ક્રમાંકે છે. તો 1,539 કેસ સાથે વડોદરા ત્રીજા અને 1,336 કેસો સાથે રાજકોટ ચોથા ક્રમાંકે છે.

સરકારી આંકડા પ્રમાણે, રાજ્યમાં કુલ 79,600 ઍક્ટિવ કેસ છે. જેમાંથી 113 દર્દીઓ વૅન્ટિલેટર પર છે. જ્યારે બાકીના તમામ દર્દીઓની હાલત સ્થિર છે.

આજે વધુ 7,883 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. તો ગુજરાતમાં અત્યાર સુધી 8,66,338 લોકો સ્વસ્થ થયા છે.

આજે નોંધાયેલા નવાં દસ મૃત્યુ બાદ ગુજરાતમાં કુલ મૃત્યુનો આંકડો 10,174 પર પહોંચ્યો છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને શું કહ્યું?

દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો તાત્કાલિક ધોરણે કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરે.

દિશાનિર્દેશો જારી કરતા મંત્રાલયે કહ્યું કે રાજ્યો પોતાના વિસ્તારોમાં પૉઝિટિવિટીના ટ્રૅન્ડને ધ્યાને રાખીને યોજનાબદ્ધ રીતે ટેસ્ટિંગની સંખ્યા વધારે.

આ નિર્દેશમાં એમ પણ કહેવાયું છે કે કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન' જાહેર કરવામાં આવ્યો છે અને તે સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો છે.

સંક્રમણની ગતિને ધીમી કરવા માટે ટેસ્ટિંગ ખૂબ મહત્ત્વનું છે. જ્યાં સંક્રમણનો ભય વધારે છે, ત્યાં ટેસ્ટિંગ પણ વધારવું જોઈએ.

આ પહેલાં મંગળવારે જ એઇમ્સ/આઈસીએમઆર-કોવિડ 19 નેશનલ ટાસ્ક ફોર્સ અને જૉઇન્ટ મૉનિટરિંગ ગ્રૂપે કોરોના સંક્રમિત વયસ્ક દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ગાઇડલાઇન જાહેર કરી હતી.

ગુજરાત સરકારની તૈયારી

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો, સારવાર સૂચનો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે કોવિડ ટાસ્ક ફોર્સ સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી.

આ બેઠકમાં ટાસ્ક ફોર્સના સભ્યોએ સંક્રમણનો વ્યાપ અટકાવવા માટે જનજાગૃતિ અને સતર્કતા પર ભાર મૂક્યો હતો અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા તેમજ ભીડથી દૂર રહેવા તાકિદ કરી હતી.

આ ઉપરાંત આગામી દિવસોમાં તબીબોના માર્ગદર્શન પ્રમાણે સારવાર, ટ્રિટમેન્ટ પ્રોટોકૉલ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ વગેરેમાં હૉસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો