ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક આ અઠવાડિયામાં આવશે? TOP NEWS

ગુજરાતમાં આ અઠવાડિયે કોરોનાની ત્રીજી લહેરની પીક આવી શકે છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને સૂત્રા મૉડલ પાછળના વિશેષજ્ઞ મનિન્દ્ર અગ્રવાલે આ અંગેની સંભાવના વ્યક્ત કરી છે.

જ્યારે આંધ્ર, કર્ણાટક અને તામિલનાડુ જેવાં દક્ષિણી રાજ્યો આવતા અઠવાડિયામાં લહેરની પીક પર જોવા મળશે. ઓમિક્રૉનની આગેવાની હેઠળની ત્રીજી લહેર દિલ્હી, મુંબઈ અને કોલકતામાં તેની ટોચ પર પહોંચી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ શહેરોમાં દૈનિક કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

લાઇવમિન્ટના અહેવાલ અનુસાર મનિન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુંજબ, ભારતમાં 23 જાન્યુઆરીએ ત્રીજી લહેરની પીક આવશે અને ત્યારે દૈનિક કેસ લગભગ 7.2 લાખ જેટલા હશે.

સોમવારે ભારતમાં લગભગ 2.5 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ઓમિક્રૉનની સંખ્યા 8,000ની સપાટીએ પહોંચી હતી.

જ્વાળામુખી વિસ્ફોટ બાદ ટોંગા સાવ સંપર્કવિહોણું

જ્વાળામુખી ફાટતાં સુનામીને પગલે વિદેશમાં રહેતા ટોંગાવાસીઓમાં પ્રિયજનોના સમાચારના ક્ષેમકુશળની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ટોંગાની રાજધાની નુકુઆલોફાથી લગભગ 65 કિલોમીટર ઉત્તરે શનિવારે સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટ્યો હતો. તેનો વિસ્ફોટ છેક યુએસ સુધી સંભળાયો હતો અને તેને કારણે ટોંગામાં એક મીટરથી વધુ ઊંચા મોજાં અથડાયાં હતાં.

સ્થાનિક સત્તાવાળાઓએ કોઈપણ મૃત્યુની પુષ્ટિ કરી નથી પરંતુ સંદેશાવ્યવહાર કપાઈ ગયો છે, જેના કારણે વિનાશનો અંદાજ કાઢવો મુશ્કેલ બન્યો છે. જોકે, એક બ્રિટિશ નાગરિકે તેમનાં બહેન મોજાંમાં તણાઈ જવાથી મોતની પુષ્ટિ કરી હતી. ઉત્તર પેરુમાં ભારે ઊંચાં મોજાં વચ્ચે બે લોકો દરિયાકિનારે ડૂબી ગયાના સમાચાર છે.

ન્યુઝીલૅન્ડ અને ઍસ્ટ્રેલિયા એ બંને દેશોએ વધુ સમાચાર મેળવવા માટે સર્વેલન્સ ફ્લાઇટ મોકલી છે અને ન્યુઝીલૅન્ડે કહ્યું છે કે ટોંગાના મુખ્ય ટાપુના પશ્ચિમ કિનારે "ભારે નુકસાન" થયું છે.

યુક્રેનને રશિયાનો ભય, મદદે આવ્યું બ્રિટન

બીબીસી ન્યૂઝના જોસેફ લીના અહેવાલ મુજબ, રશિયાએ યુક્રેનની સરહદે લગભગ 100,000 સૈનિકો એકઠા કર્યા બાદ બ્રિટન યુક્રેનની મદદે આવ્યુ છે અને તે યુક્રેનને રક્ષણ માટે ટૂંકા અંતરની ઍન્ટિ-ટેન્ક મિસાઇલો સપ્લાય કરી રહ્યું છે.

હળવા ઍન્ટી-આર્મર હથિયારોની પ્રથમ બેચ સોમવારે મોકલવામાં આવી હતી.

બ્રિટનના સંરક્ષણ-સચિવ બેન વોલેસે સાંસદોને જણાવ્યું હતું કે બ્રિટિશ સૈનિકોની એક નાની ટીમને પણ તાલીમ આપવા માટે યુક્રેન મોકલવામાં આવશે.

નોંધનીય છે કે રશિયા તરફથી યુક્રેન વિરુદ્ધ આક્રમણની ભીતિ સેવાઈ રહી છે પણ રશિયા વારંવાર આક્રમણની યોજનાને નકારી રહ્યું છે અને પશ્ચિમ પર આક્રમણનો આરોપ મૂકી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો