You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામાયણ એક્સપ્રેસમાં 'ભગવા'નો વિવાદ શું છે? રેલવેએ સંતસમાજની વાત સ્વીકારી
રામાયણ સ્પેશિયલ ટ્રેનમાં સર્વિસ આપતા વેઇટર્સના ડ્રેસ કૉડ પર ઉજ્જૈનના સાધુ-સંતોએ ઉઠાવેલા વાંધા બાદ IRCTCએ રામાયણ એક્સપ્રેસના વેઇટરોનો ડ્રેસ કૉડ બદલી નાખ્યો છે.
આ વિશે સોમવારની સાંજે ટ્વિટરના માધ્યમથી IRCTC દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
રામાયણ એક્સપ્રેસમાં ભગવો ડ્રેસ પહેરીને વાસણ ઉઠાવી રહેલા વેઇટર્સનો વીડિયો વાઇરલ થયા બાદ ઉજ્જૈનના સંતસમાજે તેને સાધુ-સંતોનું અપમાન ગણાવ્યું હતું. આ અંગે રેલમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને સાથે જ ટ્રેન રોકવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
ત્યારબાદ IRCTCએ ડ્રેસ કૉડ બદલવાની જાહેરાત સાથે ટ્વિટર પર લખ્યું, “સર્વિસ સ્ટાફના ડ્રેસને પૂર્ણ રીતે બદલી દેવામાં આવ્યા છે અને તેમને પ્રોફેશનલ ડ્રેસ આપવામાં આવ્યા છે. અસુવિધા માટે અમને ખેદ છે.”
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
આ વિવાદ શરૂ થયો ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. સૌથી પહેલાં જ્યારે આ વિવાદ શરૂ થયો ત્યારે યુઝર કંઈક આવું કહી રહ્યા હતા.
ગુંજેશ ઝા નામના ટ્વિટર યૂઝરે ટ્રેનનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું હતું, “હિંદુ ભાવનાઓને ઠગવાનો અને મૂર્ખતાનું આનાથી મોટું ઉદાહરણ હોઈ શકતું નથી. અયોધ્યા રામેશ્વરમ એક્સપ્રેસના રેસ્ટોરાંમાં વેઇટર હવે સાધુ-સંતની વેશભૂષામાં યાત્રીઓનું એઠું ઉપાડશે. રેલમંત્રીજી આ સંતોની વેશભૂષાનું અપમાન છે. જલદી આને બદલો.”
અનિલ તિવારી નામના ટ્વિટર યૂઝરે લખ્યું હતું, “રામાયણ એક્સપ્રેસ ટ્રેનના રેસ્ટોરાંમાં આ રીતે હિંદુ સંતોનું અપમાન ન કરવામાં આવે. હિંદુ સંતની વેશભૂષામાં લોકોનું એઠું ઉપાડવાનું બંધ કરવામાં આવે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, જ્યારે હવે IRCTCએ ડ્રેસ કૉડ બદલી નાખ્યો છે, તો લોકોની પ્રતિક્રિયા કંઈક અલગ છે.
રંગરૂટ નામના ટ્વિટર અકાઉન્ટ પરથી સ્ટાફની તસવીર સાથેના એક ન્યૂઝપેપર કટીંગ સાથે લખવામાં આવ્યું છે, “આ સમાચારને તમે શું કૅપ્શન આપશો? મારા તરફથી હશે, હિંદુ ખતરામાં છે અને એ પણ હિંદુથી.”
શ્યામ સુંદર નામના ટ્વિટર અકાઉન્ટ પરથી લખાયું છે, “તેનાથી સાબિત થાય છે કે ભારતમાં મૂર્ખોની કોઈ કમી નથી. મને તો લાગે છે કે રામાયણ એક્સપ્રેસમાં શૌચાલય પણ ન હોવા જોઈએ. તે સંતોના પવિત્ર વિચારોને દૂષિત કરે છે. ભક્તોનો શો વિચાર છે?”
સ્પેસક્રાફ્ટ નામના ટ્વિટર અકાઉન્ટ પરથી લખાયું છે, “ઉજ્જૈન સંત સમાજના દબાણમાં આવીને ડ્રેસ કૉડ બદલી નાખવામાં આવ્યો. આ સરકાર ડરપોક છે. તે ત્યારે જ સાંભળે છે જ્યારે રસ્તા બંધ કરવાની અને ટ્રેન રોકવાની ધમકી આપવામાં આવે છે.”
શશિ દાસ નામના ટ્વિટર અકાઉન્ટ પરથી લખાયું છે, “રસપ્રદ છે. આ ટ્રેનને રામાયણ એક્સપ્રેસ કેમ નામ અપાયું છે? તે વાલ્મિકીનું અપમાન નથી?”
સી ટી ઠાકુરજી નામના ટ્વિટર અકાઉન્ટથી લખાયું છે, “સરકાર હિંદુઓના પૈસાથી કમાણી કરવા માગે છે પણ હિંદુત્વને માન આપવા નથી માગતી. હિંદુ ધાર્મિક ટ્રેનમાં ભગવા વસ્ત્રોથી શું વાંધો છે?”
મહત્ત્વનું છે કે આ ટ્રેન ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી IRCTC દ્વારા ચલાવવામાં આવી રહી છે. ટ્રેન 7 નવેમ્બરથી ચાલુ થઈ છે જે દિલ્હીના સફદરજંગથી શરૂ થઈને રામેશ્વરમ સુધી જાય છે અને ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોનું ભ્રમણ કરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો